Thursday, February 4, 2010

અદાલતો આવી ત્યારે બાયલા બન્યા...


વકીલોનો ધંધો તેમને અનીતિ શીખવાનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે. તેમાંથી ઊગરનાર અને સાચા રસ્તે ચાલનાર બહુ થોડા છે. ઘણાખરા દાખલા વકીલોની સારમાણસાઈના જોવામાં આવે છે. પણ મોટે ભાગે તે એક કમાણીનો રસ્તો છે.

વકીલોનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે. મારી જાણની વાત છે કે વકીલો પોતે જ્યારે કજિયા થાય ત્યારે રાજી થાય છે. નહીં હોય ત્યાંથી તેઓ કજિયા ઊભા કરશે. તેઓના દલાલો હોય છે તે જળોની માફક ગરીબ માણસોને વળગે છે ને તેઓનું લોહી ચૂસી લે છે. એ ધંધો જ એવા પ્રકારનો છે કે તેમાં માણસોને કંકાસનું ઉત્તેજન મળે જ.

વકીલો એ નવરા માણસો છે. આળસુ માણસો એ એશઆરામ ભોગવવાને ખાતર વકીલ બને છે. આ ખરી હકીકત છે. વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનાર વકીલ જ છે. કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. માણસોની પાસેથી શું દામ લેવું એ પણ તેઓ જ મુકરર કરે છે, ને માણસોની ઉપર દાબ બેસાડવા આડંબર એવો કરે છે કે જાણે તેઓ કોઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવતાઈ પુરુષ ન હોય!

કેટલાંક રજવાડાં વકીલોની જાળમાં ફસાઈ જઈ કરજદાર થઈ પડ્યાં છે. ઘણા ગરાસિયા તે વકીલોના કારસ્તાનથી લૂંટાઈ ગયા છે. અદાલતો એ કંઈ લોકોનું ભલું કરવા માટે નથી. જેને પોતાની સત્તા નિભાવવી છે તે અદાલતની વાટે લોકોને વશ કરે છે. લોકો પોતે લડી લે તેમાં ત્રીજો માણસ પોતાની સત્તા બેસાડી શકતો નથી. ખરેખર જ્યારે માણસો પોતાના હાથે મારામારી કરીને અથવા સગાંને પંચ તરીકે નીમીને લડી લેતા ત્યારે મરદ રહેતા. અદાલતો આવી ત્યારે બાયલા બન્યા. એકીબીજાએ લડી મરવું તે જંગલી ગણાતું. હવે ત્રીજો માણસ મારો કજિયો પતાવે ત્યારે ઓછું જંગલીપણું છે? કોઈ કહી શકશે કે જ્યારે ત્રીજો માણસ ઠરાવ આપે ત્યારે તે ખરો જ હોય છે? કોણ ખરું છું એ બંને પક્ષકાર જાણે છે. આપણે ભોળપણમાં માની લઈએ છીએ કે ત્રીજો માણસ આપણા પૈસા લઈ જઈ આપણો ઈન્સાફ કરે છે.

ગાંધીગંગાઃ આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.

No comments: