Tuesday, February 2, 2010

ઈશ્વરદર્શનના ઉપાય....


શું ઇશ્વરનાં દર્શન થઈ શકે? હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.
ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રી, પુત્રાદિ માટે માણસો ઘડો ભરીના આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારું કોણ રડે છે? જેમ તેમ નહીં પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ.

'બોલાવ ને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના !
કેમ મા શ્યામા આવે ના, કેમ મા કાલી આવે ના !
મને ખરેખર આતુર હો, તો જાસુદ - બિલ્વપત્ર લો !
ભક્તિ-ચંદન લાગવીને, માને પગે પુષ્પાંજલિ દો !'

ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતા પછી જ ઈશ્વરદર્શન.

ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ. આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેનો જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે, તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય થશે.

No comments: