Tuesday, February 2, 2010

શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દઈએ તો......


હિંદુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે. તેથી કંઈ તે એક-પ્રજા મટનાર નથી. નવા માણસો દાખલ થાય તે પ્રજાભંગ નથી કરી શકતા, તેઓ પ્રજામાં ભળી જાય છે. એમ થાય ત્યારે જ અમુક મુલક એક-પ્રજા ગણાય. દરેક મુલકમાં બીજા માણસોનો સમાસ કરવાનો ગુણ હોવો જોઈએ. તેવું હિંદુસ્તાનમાં હતું અને છે. ખરું જોતાં, જેટલા માણસ તેટલા ધર્મ છે એમ ગણી શકાય. એક-પ્રજા થઈ રહેનાર માણસો એકબીજાના ધર્મની વચમાં પડતા જ નથી. જો પડે તો સમજવું કે તેઓ એક-પ્રજા થવાને લાયક નથી.

હિંદુ એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુથી જ ભરેલું હોય તો તે સ્વપ્નું છે. મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું. છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી, એકમુલકી છે, તે મુલકી ભાઈ છે અને તેમણે એકબીજાના સ્વાર્થને ખાતર પણ એક થઈ રહેવું પડશે. દુનિયાના કોઈ પણ ભાગમાં એક-પ્રજાનો અર્થ એમ થયો નથી અને હિંદુસ્તાનમાં હતો નહીં.

હિંદુ-મુસલમાન વચ્ચે હાડવેર છે એ બંનેના દુશ્મને શોધેલું વચન છે. હિંદુ-મુસલમાન લડતા હતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થયા છીએ. પછી હાડવેર શાનાં? હિંદુઓ મુસલમાન રાજાઓની નીચે અને મુસલમાનો હિંદુ રાજાઓ નીચે રહેતા આવ્યા છે. બંને કોમને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈને ફાયદો નથી. તેથી બંનેએ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજે શરૂ કરાવ્યા.

ઘણા હિંદુ અને મુસલમાનના બાપદાદા એક જ હતા. આપણામાં એક જ લોહી છે. શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેનો ખુદા તે જુદો છે? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઈએ તો શું થયું? તેમાં દુઃખ શું? જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તોપણ આપણે તેની સામે વેરભાવ ન રાખવો ઘટે. આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ. સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.

ગાંધીગંગાઃ આપણે હાથે કરીને દુઃખ ઓઢી લઈએ છીએ. માણસની હદ ખુદાએ તેના શરીરના ઘાટથી જ બાંધી, તો માણસે તે ઘાટની હદ ઓળંગવાના ઉપાયો શોધી કાઢ્યા. માણસને અક્કલ એવા કારણસર આપી કે, તેથી તે ખુદાને પિછાને, માણસે અક્કલનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો.

No comments: