Wednesday, February 17, 2010

ગૉડફાધર (3)......


પ્રકરણ ત્રણ

બગીચામાં સેંકડો મહેમાન હાજર હતા. કેટલાંક મહેમાનો બેઠાં હતાં તો કેટલાંક નાચી-ઝૂમી રહ્યાં હતાં. ટેબલ પર ગરમાગરમ મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાતી હતી, ઠેરઠેર મદિરાની છોળો ઉડતી હતી. નવવધુ કોની કારલિયોન સ્ટેજ પર તેના પતિ અને સહેલીઓ સાથે બેઠી હતી. ઇટાલિયન રીતરિવાજ પ્રમાણે કાર્યક્રમો એક પછી આગળ વધતાં હતાં, પણ તે કોનીને પસંદ નહોતું. જોકે તેના પિતાને રાજી કરવા ચૂપ રહેવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, કારણ કે પોતાની રીતે જીવનસાથીની પસંદગી કરીને તેને તેના પિતાને નારાજ કર્યાં હતાં.

કોનીનો જીવનસાથી કારલો રીજી, સિસલિયન અને ઇટાલિયન માતા-પિતાનું વર્ણસંકર સંતાન હતું. તેના માતા-પિતા નેવાડામાં રહેતા હતા. તે ત્યાંથી પોલીસના ચક્કરમાંથી બચવા ન્યૂયોર્ક ભાગી આવ્યો હતો. તે પહેલાં સોની કારલિયોન અને પછી તેની બહેનને મળ્યો હતો. ડૉન કારલિયોને પોતાના માણસો નેવાડા મોકલી જાણી લીધું હતું કે કારલો પર એવો કોઈ ગંભીર આરોપ નહોતો જેને ઠેકાણે ન પાડી શકાય. સાથેસાથે નેવાડામાં જુગારને કાયદેસર મંજૂરી છે તે વાત પણ તેને જાણવા મળી હતી. ડૉનને તે વાતમાં બહુ રસ હતો. દરેક બાબતમાંથી ફાયદો કેવી રીતે ઉઠાવવો તેની સૂઝ તેનો સૌથી વિશેષ્ટ અને સૌથી મોટો ગુણ હતો.

કોની કારલિયોન બહુ સુંદર યુવતી નહોતી, પણ આજે તે નવવધુના ભપકાદાર પોશાકમાં સુંદર દેખાતી હતી. તેનો હાથ ટેબલની નીચે તેના વરની જાંઘ પર હતો. તેની નજરે તેનો પતિ અત્યંત સુંદર હતો. પણ કારલોની નજર તેની પત્નીના ચહેરાને બદલે તેના ખભા પર લટકતાં મોટા પર્સ પર હતી, જે મહેમાનોએ ભેટ સ્વરૂપે આપેલી નોટોથી ઠસોઠસ ભરાયેલુ્ં હતું.

કેટલો માલ હશે?

દસ હજાર! વીસ હજાર!

કારલો રીજી હસ્યો.

આ તો શરૂઆત હતી. છેવટે તેણે શાહી પરિવારમાં લગ્ન કર્યા હતાં. તેમને તેનો ખ્યાલ તો રાખવો જ પડશે.

મહેમાનોની ભીડમાં એક નવયુવાન હાજર હતો, જેનું ધ્યાન તે પર્સ પર હતું અને તેના પર કેવી રીતે હાથ મારવો તે વિચારી રહ્યો હતો. તેનું નામ પાલી ગેટો હતો. પણ તે સારી રીતે જાણતો હતો કે આવો પ્રયાસ તો શું, એવું વિચારવું પણ બેકાર હતું. પછી તેણે તેના બૉસ પીટર ક્લીમેન્જા તરફ જોયું. ક્લીમેન્ડા આધેડ હતો, પણ હજુ તે રંગીન અને શોખીન હતો. તે યુવતીઓ સાથે નાચી-ઝૂમી રહ્યો હતો. પીટર એટલો લાંબો પહોળો હતો કે તેની સાથે નાચતી યુવતીઓની છાતીઓ તેના પેટને સ્પર્શતી હતી. તેની આજુબાજુ થોડા લોકો એકઠા થયા હતા, જે સંગીત અને નૃત્યના તાલ પર તાળીઓ વગાડતાં હતાં. અંતે ક્લીમેન્જા થાકીને એક ખુરશી પર બેસી ગયો તો પાલી ગેટોએ ઠંડી મદિરાનો એક ગ્લાસ લાવીને તેના હાથમાં પકડાવી દીધો. પણ તેનો આભાર માનવાને બદલે ક્લીમેન્જા તેના પર ગુસ્સો થયો.

''આ કામ છોડ,'' તે બોલ્યો, ''આજુબાજુ આંટો માર અને જો કે બધું બરોબર છે કે નહીં!''

''સારું,'' પાલી બોલ્યો અને ભીડમાં ઓગળી ગયો.

બેન્ડ બંધ થઈ ગયું. નીનો વોલેન્તી નામના એક યુવાને મૈંડોલિન વગાડ્યું અને તેની ધૂન પર ગીત ગાવાનું શરૂ કર્યુ. નીનો નશામાં હતો. સ્ત્રીઓ આનંદથી ઝૂમતી હતી અને પુરુષો ગીતના ગાયક સાથે ગાવાનો પ્રયાસ કરતાં હતાં.

તે સમયે ડૉન કારલિયોન ચૂપચાપ ત્યાંથી ઘરમાં સરકી ગયો. સોનીએ તેના જતાં જોયો એટલે તે નવવધુના ટેબલ પાસે પહોંચી ગયો અને લૂસી પાસે બેસી ગયો. તે સમયે સોનીની પત્ની રસોડામાં હતી. તેણે લૂસીના કાનમાં કંઈક કહ્યું અને તે ઊભી થઈ ગઈ. તે આગળ વધી. થોડા સમય પછી સોની પણ તેની પાછળ ઉતાવળપૂર્વક ચાલવા લાગ્યો......

(પ્રકરણ-3 ચાલુ)

No comments: