Tuesday, February 23, 2010

ગુલિસ્તાં


મેં એક બાદશાહ વિશે સાંભળ્યું છે. તેણે એક કેદીને મૃત્યુદંડની સજા કરી. તે સાંભળીને નિરાશ અને હતાશ થયેલો કેદી ગુસ્સે થઈ ગયો. તેણે બાદશાહ પર અપશબ્દોનો મારો કર્યો. ખરેખર જે માણસ મૃત્યુની નજીક પહોંચી જાય છે, તે કંઈ પણ કહેવા-સાંભળવાથી ડરતો નથી. દુશ્મન ફસાઈ જાય છે અને બચવાનો કોઈ માર્ગ દેખાતો નથી ત્યારે તે મરણિયો થઈને તલવાર ઉઠાવે છે. મનુષ્ય જીવનથી નિરાશ થઈ જાય છે ત્યારે તે ગુસ્સામાં આવીને બકવાસ કરવા લાગે છે. જ્યારે બિલાડી કૂતરાંના મોંમાં ફસાઈ જાય છે ત્યારે તેની પકડમાંથી છૂટવા એકદમ ઝપટ મારે છે.

બાદશાહે પૂછ્યું, ''આ કેદી શું કહી રહ્યો છે?''

એક શાણા વજીરે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ''હુજૂર, કેદી કહે છે કે-આ લોકો કેટલા સારા છે. તેઓ ક્રોધને સંયમમાં રાખે છે અને બીજાની ભૂલોને માફ કરી દે છે.'' આ સાંભળીને બાદશાહને કેદી પર દયા આવી ગઈ. તેણે મૃત્યુદંડ આપવાનો ઇરાદો બદલી નાંખ્યો. પણ એક બીજો વજીર બહુ ઇર્ષાળુ હતો. તેને પહેલો વજીર આંખમાં કણાની માફક ખૂંચતો હતો.

તેણે તરત જ ઊભા થઈને બાદશાહને કહ્યું, ''હુજૂર, તમને યોગ્ય સલાહ આપવાની અને સાચી વાત સ્પષ્ટપણે કહેવાની અમારી ફરજ છે. આ કેદીએ જહાંપનાહને ગાળો દીધી છે અને ન કહેવા જેવું કહ્યું છે, એટલે તેને માફ ન કરી શકાય.''

બાદશાહને બીજા વજીરની વાત ગમી નહીં. તેને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, ''મને તે વજીરની વાત જ યોગ્ય લાગે છે. તેનું જૂઠ તારા આ સત્ય કરતાં પણ વધારે સારું છે, કારણ કે તેના હ્રદયમાં ભલું કરવાની ભાવના છે.''

કોઈ વિદ્વાને સાચું જ કહ્યું છે કે બીજાનું અહિત કરનાર સત્ય કરતાં કોઈના પ્રાણ બચી જાય તેવું અસત્ય અનેકગણું સારું છે. બાદશાહ તેના વજીરની સલાહ પ્રમાણે શાસન કરે તો વજીરે પણ પ્રજાના હિતમાં હોય તેવી સલાહ જ આપવી જોઈએ.

(દોસ્તો, ગૉડફાધરનો અનુવાદ ચાલુ રાખવાની ઇચ્છા હતી. પણ એક પ્રકાશક મહોદયના કહેવા મુજબ તેઓ આ પુસ્તકનો અનુવાદ એક સિદ્ધહસ્ત અનુવાદક પાસે કરાવી રહ્યાં છે. તેમની વિનંતીને માન આપીને આ અનુવાદને આપણે અટકાવી રહ્યાં છીએ. પણ કોપીરાઇટના મુદ્દે કોઈ તકરાર ન થાય તે માટે શેખ સાદીની વિશ્વપ્રસિદ્ધ કૃતિ 'ગુલિસ્તાં'નો અનુવાદ શરૂ કરી રહ્યો છું. આ કૃતિના કોપીરાઈટ પૂર્ણ થઈ ગયા છે અને તેનો અનુવાદ કરતાં કોઈ અટકાવી નહીં શકે...ગૉડફાધરના અનુવાદને પ્રોત્સાહન આપનાર તમામ મિત્રો અને બ્લોગના મુલાકાતીઓનો ઋણી છું.......)

2 comments:

joyjay said...

guistan is translated by b.n.dastoor years back n before that by ramnlal soni.

કેયૂર કોટક said...

જોયજય,

માહિતી બદલ ધન્યવાદ...રમણલાલ સોનીએ અનુવાદ કર્યો છે તેવી જાણકારી હતી..પણ દસ્તૂરસાહેબે અનુવાદ કર્યો છે તેની માહિતી નથી..જોકે પુસ્તકાલયમાં જઈએ ત્યારે એક પણ ઉપલબ્ધ હોતી નથી કે સરળતાથી હાથવગી થતી નથી...હું હિંદી પુસ્તકમાંથી અનુવાદ કરી રહ્યો છું....