Sunday, February 21, 2010

હિંદુસ્તાન તળિયે મજબૂત છે...


સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇંદ્રિયોને વશમાં રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ 'સુ' એટલે સારો ધારો છે. તેથી જે વિરૂદ્ધ તે કુધારો છે.

હિંદુસ્તાને જે માર્ગ દેખાડ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. જે બીજ આપણા વડવાઓએ રોપ્યાં છે તેની બરોબરી કોઈ કરી શકે તેવું કંઈ જોવામાં આવ્યું નથી. રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરયાની (ઇજિપ્તની) બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું, ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.

જે રોમ અને ગ્રીસ પડ્યાં છે તેનાં પુસ્તકોમાંથી યુરોપના લોકો શીખે છે. તેઓની ભૂલો પોતે નહીં કરે એવું ગુમાન કરે છે. આવી તેઓની કંગાલ સ્થિતિ છે, ત્યારે હિંદુ અચલિત છે. એ જ તેનું ભૂષણ છે. હિંદની સામે આરોપ છે તે એવું જંગલી, એવું અજ્ઞાન છે કે તેની પાસે કંઈ ફેરફાર કરાવી શકાતા જ નથી. આ આરોપ એ આપણો ગુણ છે, દોષ નથી. ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે, ત્યારે હિંદ અડગ રહે છે. આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.

હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણને કંઈ સંચા શોધતાં ન આવડે તેમ ન હતું. પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.

તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો. તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો-ઋષિઓ અને ફકીરો-કરતાં ઊતરતા ગણ્યા.

આવું જ પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.

ગાંધીગંગાઃ પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદુનો સુધારો સેશ્વરી છે

No comments: