Wednesday, February 17, 2010

ઇસ્પિતાલો એ પાપની જડ છે......


પશ્ચિમના સુધારકોએ વકીલ-દાક્તતરોને બહુ વખોડ્યા છે. તેમાંના એક લેખકે એક ઝેરી ઝાડ બનાવ્યું છે. તેની ડાળ વકીલ-દાક્તર વગેરે નકામા ધંધાદારીઓની કરી છે અને તે ઝાડના થડની ઉપર નીતિધર્મ રૂપ કુહાડી ઉગામી છે. અનીતિ તે બધા ધંધાનું મૂળ રૂપ છે. એટલે તમે સમજશો કે, હું તમારી આગળ મારી ખીસામાંથી કાઢેલા નવા વિચાર નથી મૂકતો, પણ બીજાનો તેમ જ મારો અનુભવ રજૂ કરું છું.

એક વખત મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. પણ આપણામાં વૈદ્યનો ધંધો સારા ધંધામાં ગણાયો જ નથી, એનું મને ભાન થયું છે, ને હું તે વિચારની કિંમતને પારખી શકું છું.

દાક્તરોના દંભનો પણ કોઈ પાર નથી. મોગલ બાદશાહને ભમાવનાર તે અંગ્રેજી તબીબ હતો. તેણે તેના ઘરમાં કંઈ માંદગી મટાડી એટલે તેને સિરપાવ મળ્યો. ખરેખર દાક્તરે આપણને હલમલાવી નાખ્યા છે. દાક્તરો કરતાં ઊંટવૈદ્ય ભલા એમ કહેવાનું મન થઈ જાય છે. આપણી વિચારીએ.

દાક્તરોનું કામ માત્ર શરીર સંભાળવાનું છે. તેઓનું કામ શરીરમાં રોગ થાય તે દૂર કરવાનું છે. રોગ કેમ થાય છે?

આપણી જ ગફલતથી. હું બહુ જમું, મને અજીર્ણ થાય, હું દાક્તર પાસે જાઉં, તે ગોળી આપે. હું સાજો થાઉં, પાછો ખૂબ ખાઉં ને પાછો ગોળી લઉં. જો હું ગોળી ન લેત, તો અજીર્ણની સજા ભોગવત અને ફરી પાછો હદ ઉપરાંત ન જમત. દાક્તર વચમાં આવ્યો ને તેણે મને હદ ઉપરાંત ખાવામાં મદદ કરી. તેથી મને શરીરે તો આરામ તો થયો, પણ મારું મન નબળું થયું. આમ ચાલતાં છેવટે મારી સ્થિતિ એવી થાય કે મારા મનની ઉપર હું જરાય કાબૂ ન રાખી શકું. જો દાક્તર વચ્ચે ન આવત તો કુદરત પોતાનું કામ કરત, મારું મન દ્રઢ થાત અને હું અંતે નિર્વિષયી થઈ સુખી થાત.

ઇસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે. દાક્તરો આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ હિંદુ-મુસલમાનને ખપે તેવી નથી. આપણે સુધારાનો ડોળ કરી, બધાઓને વહેમી ગણી સ્વચ્છંદે ગમે તેમ કર્યા કરીએ તે જુદી વાત છે. પણ દાક્તરો ઉપર પ્રમાણે કરે છે એ ચોખ્ખી ને સીધા વાત છે.

આનું પરિણામ એ આવ્યું કે આપણે નમાલા અને નામર્દ બનીએ છીએ. આપણે શરીરહીન અને બુદ્ધિહીન થતા જઈએ છીએ. અંગ્રેજી કે યુરોપી દાક્તરી શીખવી તે માત્ર ગુલામીની ગાંઠ મજબૂત કરવાને ખાતર છે.

આપણે દાક્તર કેમ થઈએ છીએ એ પણ વિચારવાનું છે, તેનું ખરું કારણ તો આબરૂદાર અને પૈસો કમાવવાનો ધંધો કરવાનું છે. તેમાં લોકોને ફાયદા કરતાં કરતાં નુકસાન વધારે છે. દાક્તરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે અને તેઓની દવા જે એક પાઈની કિંમતની હોય છે તેના તેઓ રૂપિયા લે છે.

ગાંધીગંગાઃ ભલાઈનો ડોળ ઘાલનાર દાક્તરો કરતાં દેખીતા ઠગવૈદ્ય સારા ગણાય...

No comments: