Thursday, February 4, 2010

મહેલોમાં રહેતાં લોકોને ગરીબોના દુઃખદર્દનો અહેસાસ ન હોય...


એક જૂની વાત છે. ફ્રાંસની પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ હતી. એક ટંકનો રોટલો મળવો મુશ્કેલ હતો. રાજા લૂઈ સોળમા અને તેની પ્રિય રાણી મેરી એન્ટોઇનેટને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન કરાવવા ભૂખ્યા લોકો પેરિસની શેરીઓમાં અને માર્ગો પર પ્રદર્શનો કરી રહ્યાં હતાં. તેને જોઈને સેંકડો નોકરચાકરો વચ્ચે શાહી મહેલમાં રહેતી રાણીને નવાઈ લાગી. તેણે કહ્યું હતું કે, ''આ લોકોને બ્રેડ (રોટલો)ન મળે તો તેઓ કેક કેમ ખાતાં નથી...'' આ વાત સાંભળીને પ્રજાનો ગુસ્સો ભડકી ઊઠ્યો હતો અને રાજાશાહીનું સત્યનાશ વળી ગયું હતું.

ઇતિહાસમાં અંકિત આ ક્રાંતિકારી પ્રકરણથી સ્પષ્ટ છે કે શાસકોને સામાન્ય જનતાના દુઃખ-દર્દનો અહેસાસ નથી હોતો અને ભૂખ્યાંજનોનો જઠારાગ્નિ ભભૂકી ઊઠે છે ત્યારે ક્રાંતિની મશાલ પ્રગટે છે. શાસકો સત્તાના કેફમાં આવી જાય છે ત્યારે વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે. તેઓ એ જ ભ્રમમાં મસ્ત હોય છે કે તેમને દરેક ચીજવસ્તુઓ સરળતાથી મળી જાય છે તો શું જનતાને નહીં મળતી હોય, પણ એક ગરીબનો ચૂલો કેવી રીતે પ્રગટે છે તેની તેમને ખબર હોતી નથી.

હિંદુસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ઘર ચલાવવા માણસને મશીન બનવાની ફરજ પડી છે. 'કોંગ્રેસ કા હાથ ગરીબો કે સાથ'નું વચન આપીને દિલ્હીની ગાદી પર વર્ષ 2004માં કોંગ્રેસનું શાસન આવ્યું તે પછી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા પર એક નજર કરો. મે, 2004માં ચોખા 13 રૂપિયે કિલો હતા, ઘઉં આઠ રૂપિયે કિલો હતા, ખાંડ 17 રૂપિયાની કિલો મળતી હતી, તેલ 86 રૂપિયે લિટર હતું, દાળ 31 રૂપિયે કિલો મળતી હતી. અને અત્યારે શું ભાવ છે? કિલો ચોખાના 23 રૂપિયા, ઘઉંના 14થી 15 રૂપિયા, ખાંડના 45થી 47 રૂપિયા, તેલના 110થી 113 રૂપિયા અને દાળના 85થી 88 રૂપિયા.

આટલું ઓછું હોય તેમ કિરીટ પારેખ સમિતિએ પેટ્રોલમાં પાંચ અને ડીઝલમાં રૂ. ત્રણનો વધારો કરવાની ભલામણ કરી છે. રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. 100ના વધારો કરવાની સલાહ આપી છે. આ સમાચાર સાંભળી જનતા ધ્રુજી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની સમસ્યા માટે શરદ પવારની બેફિકરાઈ અને સંવેદનહિનતા જવાબદાર છે. પણ શરદ પવાર દિવસેને દિવસે મનમોહન સિંઘ સરકાર માટે એક કોયડો બનતાં જાય છે. જેમ પાકિસ્તાનને લાઇન પર કેવી રીતે લાવવું તેનો કોઈ માર્ગ સરકારને સૂઝતો નથી તેમ પવારની શાન કેમ ઠેકાણે લાવવાની ચાવી ન તો નખશીખ સજ્જન મનમોહન સિંઘ પાસે છે ન મેડમ સોનિયા ગાંધી પાસે. સૌથી મોટી વાત તો એ છે કે પવાર સાહેબને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યાં છે તે વાત ગંભીરતાપૂર્વક સમજાતી નથી. ઇંગ્લેન્ડની રાણીની જેમ તેમને મોંઘાવારીનો અહેસાસ કેમ થતો નથી તે જોઈએ..

સંસદની કેન્ટીનમાં શાકાહારી ભોજનની થાળી સાડા બાર રૂપિયામાં મળે છે. નોનવેજ એટલે માંસ-મચ્છીવાળી થાળી 22 રૂપિયામાં મળે છે. ભાત-દહીંની પ્લેટના ભાવ 11 રૂપિયા છે, રાજમા-ભાતની પ્લેટના ભાવ સાત રૂપિયા છે. ફિશ ફ્રાઈની પ્લેટની મજા 17 રૂપિયામાં માણી શકાય છે. બટરચિકન 27 રૂપિયામાં, દાળનો વાટકો માત્ર દોઢ રૂપિયામાં, ખીરની કટોરી ફક્ત સાડા પાંચ રૂપિયામાં, ફ્રૂડ સલાડ સાત રૂપિયામાં, સૂપ સાડા પાંચ રૂપિયામાં, ભાતની પ્લેટ બે રૂપિયામાં અને રોટલી એક રૂપિયામાં મળે છે. આ તમામ ભોજન સારામાં સારી ગુણવત્તાનું....દોસ્તો, જે લોકો આ કેન્ટીનમાં ભરપેટ ભોજન કરતાં હોય તેમને મોંઘવારી જેવું લાગે?સામાન્ય પ્રજાના દર્દનો અહેસાસ થાય?

ચલતે-ચલતેઃ મારો વાંક એ છે કે હું ખેડૂતો અને ગરીબોનો હિતેચ્છું છું-શરદ પવાર

No comments: