Saturday, January 30, 2010

સાચું નેતૃત્વ....


બે દાયકા પહેલાં હું ઇસરોમાં કામ કરતો હતો, ત્યારે કોઈ યુનિવર્સિટી પણ ન આપી શકે તેવી શ્રેષ્ઠ કેળવણી મને ત્યાં મળી. પ્રા. સતીશ ધવને મને રોહિણી ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવા પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણયાન એસ.એલ.વી-3 તૈયાર કરવાનું કામ સોંપ્યું. 1973માં હાથ ધરાયેલા સૌથી મોટા ટેકનોલોજી અવકાશ કાર્યક્રમોમાંનો આ એક કાર્યક્રમ હતો. અવકાશ ટેકનોલોજી સાથે જોડાયેલા બધા લોકોને તેની સાથે જોડી દેવાયા હતા. હજારો વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટેકનિશિયનોએ ઘડિયાળના કાંટે કામ કર્યું અને 10 ઓગસ્ટ, 1979ની વહેલી સવારે પ્રથમ એસ.એલ.વી-3નું પ્રક્ષેપણ સંભવિત બન્યું. એસ.એલ.વી-3 ઊપડ્યું અને તેનો પ્રથમ તબક્કો સરસ ગયો. પણ બીજા તબક્કામાં તેની નિયંત્રણ વ્યવસ્થામાં ખામી સર્જાઈ અને આ મિશન તેનાં ધ્યેયો પૂરાં કરી શક્યું નહીં.

આ ઘટના પછી શ્રીહરિકોટામાં પત્રકાર પરિષદ યોજાઈ. પ્રા. સતીશ ધવન મને ત્યાં લઈ ગયા. આ મિશનનો હું પ્રોજેક્ટ અને મિશન ડિરેક્ટર હતો. છતાં તેમણે જાહેર કર્યું કે આ મિશનની નિષ્ફળતા માટે તેઓ જવાબદાર છે!

અમે જ્યારે 18 જુલાઈ, 1980ના રોજ એસ.એલ.વી-3ને પુનઃપ્રક્ષેપિત કર્યું અને રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રસ્થાપિત કર્યો ત્યારે ફરી પત્રકાર પરિષદ યોજાઈ. આ વખતે પ્રા. ધવને પ્રેસ સામે સફળતાની વાત રજૂ કરવા મને આગળ કર્યો.

આ ઘટનામાંથી હું એ શીખ્યો કે નેતા સફળતાનો યશ પોતાની સાથે કામ કરતા બધા લોકોને આપે છે, જ્યારે નિષ્ફળતાની જવાબદારી પોતે લે છે. આ જ સાચું નેતૃત્વ છે.

No comments: