Tuesday, February 23, 2010

નાપાક પાકિસ્તાન સાથે વાટાઘાટનો શું ફાયદો!


અમારા સુરેન્દ્રનગરમાં કોઈ ગ્રાહક ઘર ખરીદવા જાય તો વેચનારને તરત જ પૂછે છે કે, ભઈલા, પડોશી પાકિસ્તાન જેવા તો નથી ને? પડોશીના ત્રાસને કારણે તો ઘર વેચતો નથી ને? પડોશી નફરતની ભાષા જ સમજતો હોય તો? પહેલા તો આ પ્રકારના લોકોને પડોશી જ ન બનાવવા, પણ એવા પડોશી ભટકાઈ જાય તો...લાતો કે બૂત બાતો સે નહીં માનતે...પાકિસ્તાન પ્રેમ અને સહિષ્ણુતાની ભાષાને વેવલાપણું સમજે છે. તેની સામે ખરેખર લાલ આંખ કરવાની જરૂર છે ત્યારે ભારત સરકાર તેની સામે વારંવાર શાંતિના સંદેશા આપતાં કબૂતરો છોડી રહ્યું છે. અત્યારે પાકિસ્તાન સાથે વિદેશ સચિવ સ્તરીય વાતચીત કરવા માટે ભારત ફરી ઉત્સાહ અને ઉદારતા દેખાડી રહ્યું છે, પણ તેનાથી કોઈ ફાયદો થશે? આ વાટાઘાટના સમર્થકોનું કહેવું છે કે બંને દેશ વચ્ચે વૈમનસ્ય ઓછું થાય તે માટે વાતચીત ચાલુ રહેવી જોઈએ. આવા શાંતિકાકાઓને પૂછવું જોઈએ કે જે વાતચીતનું કોઈ પરિણામ જ મળવાનું ન હોય તેની પાછળ સમય બગાડીને શું ફાયદો?

પાકિસ્તાનની નાપાક નજર કાશ્મીર પર છે. તે આતંકવાદી સંગઠનો મારફતે ભારતને નુકસાન પહોંચાડવાની નીતિ છોડવા તૈયાર નથી. પૂણે વિસ્ફોટ તેનું તાજું ઉદાહરણ છે. આ સ્થિતિમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી તેની સાથે વાતચીત ન કરવી વધુ સારો વિકલ્પ છે. પાકિસ્તાન આતંકવાદ ન છોડે ત્યાં સુધી તેની સાથે ભારતે વાતચીત ન કરવી જોઈએ. પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબા અને જમાત-ઉદ્-દાવા જેવા જંગલી આતંકવાદી સંગઠનો સક્રિય છે અને તેમને પાકિસ્તાનનું સૈન્ય જ બધી સુવિધાઓ તથા સાધનસામગ્રી પૂરી પાડે છે. જ્યારે પાકિસ્તાનના આ ભારતવિરોધી વલણમાં કોઈ પરિવર્તન નથી તો પછી ભારતને વાટાઘાટ કરવાની શું જરૂર છે? ખાસ કરીને પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશી છાતી ઠોકીને એવું કહે છે કે અમે વાતચીત માટે ઝૂક્યાં નથી, ભારતને નમવું પડ્યું છે ત્યારે ભારત સરકાર ખરેખર કોને ખુશ કરવા માગે છે? અમેરિકાને રાજી કરવા માગે છે કે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આ રાજ્યોમાં વસતાં મુસ્લિમોના દિલ જીતવા માગે છે?

કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે રાષ્ટ્ર વચ્ચે સદભાવના, પ્રામાણિકતા અને નિખાલસતા સાથે વાતચીત થાય તો જ તે સાર્થક સાબિત થાય. વાટાઘાટ સફળ થાય તે માટે બંને પક્ષમાં એકબીજાના તર્ક અને દલીલનો સ્વીકાર કરવાની ઉદારતા હોવી જોઈએ. ભારત, પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા માગે છે તો ભારત સાથે મીઠા સંબંધ રાખવાની જરૂરિયાત પાકિસ્તાનને નથી? વાટાઘાટોમાં સમય બગાડવામાં અને પાકિસ્તાન જેનું પાલન કરવાનું નથી તેવી સમજૂતીઓ કરવાથી શું મળશે?

પાકિસ્તાને વર્ષ 2004માં સ્વીકાર્યું હતું કે આતંકવાદ અને વાટાઘાટ એકસાથે શક્ય નથી. તેણે 2005માં પણ આતંકવાદને નિયંત્રણમાં લેવાનું વચન આપ્યું હતું. આજે પાંચ વર્ષ પછી આ દિશામાં તેણે શું કરી દેખાડ્યું? હા, મુંબઈ પર આતંકવાદી હુમલો જરૂર કરાવ્યો છે અને ભારતે પુરાવા આપ્યાં હોવા છતાં કોઈ અપરાધીને સજા કરી નથી. ભારત, અમેરિકાને ખુશ કરવા માટે વાતચીત કરવા માગતું હોય તો પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ તેનો કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે પાકિસ્તાનને દોસ્તી નહીં, કાશ્મીરમાં રસ છે. તેણે ભારત સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માગતુ નથી, પણ ભારતની અધોગતિ ઇચ્છે છે. ભારત સાથે સમજૂતી કરીને પણ તેના નાપાક સરમુખત્યારો કારગિલ કાંડ કરે છે. આ પ્રકારની સ્થિતિમાં પાકિસ્તાન જેવા નિર્લજ્જ પડોશી સાથે વાત કરીને ભારત શું સાબિત કરવા માગે છે?

પાકિસ્તાન સાથે વાટાઘાટ ન કરી ભારતને વધુમાં વધુ નુકસાન શું થશે? બંને દેશ વચ્ચે ચાલતી રેલવે અને બસ સેવા બંધ થઈ જશે. હકીકતમાં આપણને તેનો ફાયદો પણ શું થાય છે? ખરેખર તો નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાનથી આવતા અનેક લોકો ભારત પહોંચીને ગાયબ થઈ જાય છે અને આતંકવાદ ફેલાવે છે. ઘણી વાર પાકિસ્તાનથી આવતા લોકો નકલી ભારતીય નોટ સાથે પણ પકડાયા છે. પાકિસ્તાનમાં ચાર નાપાક તત્વો અત્યંત મજબૂત છે-સેના, આઇએસઆઈ, કટ્ટરપંથી મુલ્લા-મૌલવીઓ અને જંગલી આતંકવાદીઓ. આ ચાર તત્વો ગમે ત્યારે લોકશાહી પર હાવી થઈ જાય છે. એટલે આ ચારે નાપાક તત્વો ભારતવિરોધી પ્રવૃત્તિઓ બંધ ન કરે ત્યાં સુધી નાપાક પાકિસ્તાન પાસેથી સારા પડોશી જેવા વલણની આશા રાખવી બેકાર છે અને તેની સાથે વાટાઘાટ કરવાનો તો કોઈ અર્થ જ નથી.....

No comments: