પુસ્તક: મહાત્મા ગાંધી - પૂર્ણાહુતિ, પુસ્તક ત્રીજું
લેખક: પ્યારેલાલ
અનુવાદક: મણિભાઈ ભ. દેસાઈ
સ્વાતંત્ર્ય દિને ગાંધીજી હંમેશના કરતાં એક કલાક વહેલા, એટલે કે, રાત્રે બે વાગે ઊઠ્યા. એ મહાદેવ દેસાઈની પાંચમી સંવત્સરી પણ હતી, એટલે એવા પ્રસંગોએ તેમના હંમેશના રિવાજ પ્રમાણે, ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કરાવ્યો.
હજી પ્રાર્થના ચાલતી હતી ત્યાં સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. કવિવર રવીન્દ્રનાથનાં સ્વાતંત્ર્યનાં સુંદર ગીતો ગાતી કેટલીક કન્યાઓ મકાન તરફ આવતી હતી. આવીને તેઓ ગાંધીજીના ઓરડાની બારી બહાર ઊભી રહી. પ્રાર્થના હજી ચાલતી હતી. ભક્તિભાવથી તેમણે પોતાનું ગાન બંધ કર્યું, તેઓ પ્રાર્થનામાં જોડાઈ અને પછી ફરીથી તેમણે ગીતો ગાયાં. પછી દર્શન કરીને તેઓ ચાલી ગઈ. થોડી વાર પછી, કન્યાઓની બીજી ટુકડી આવી અને તેમણે એ જ પ્રમાણે ગીતો ગાયાં. આ પ્રમાણે સૂર્યોદય સુધી ચાલ્યા કર્યું - આગલા દિવસની સાંજની ધમાલ પછી, દિવસનો આ સુંદર આરંભ હતો.
સવારે ગાંધીજી તેમના હંમેશના ક્રમ પ્રમાણે ફરવા નીકળ્યા ત્યારે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હજારોની સંખ્યામાં તેમની રાહ જોતાં ઊભાં હતાં. આખો દિવસ દર્શનાતુર ટોળાંઓ મકાનને ઘેરી રહ્યાં. અર્ધા અર્ધા કલાકે ગાંધીજીને દર્શન આપવા માટે બહાર આવવું પડતું હતું. પશ્ચિમ બંગાળના પ્રધાનમંડળના સભ્યો પણ તેમના આશીર્વાદ માટે આવ્યા. ગાંધીજીએ તેમને કહ્યું ઃ ‘‘આજથી તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. નમ્ર બનજો. ક્ષમાશીલ બનજો. બિ્રટિશ અમલે તમારી ખસૂસ કસોટી કરી છે. પણ હવે તો તમારી પૂરેપૂરી કસોટી થવાની છે. સત્તાથી ચેતતા રહેજો, સત્તા દૂષિત કરનારી વસ્તુ છે. તેના ઠાઠમાઠ અને તેની ભભકથી અંજાઈને તેના બંદીવાન ન બનશો. યાદ રાખજો કે, હિંદનાં ગામડાંઓમાં વસતા ગરીબ લોકોની સેવા કરવાને તમે સત્તા પર આવ્યા છો. ઈશ્વર તમને સહાય કરો.’’
* * * * *
૧૫મી ઓગસ્ટે કલકત્તામાં, હિંદુ-મુસ્લિમ એકતાના અપૂર્વ પ્રદર્શન દ્વારા, રાષ્ટ્રીય આનંદોત્સવનાં રોમહર્ષક દૃશ્યો જોવા મળ્યાં. વહેલી સવારથી, હિંદુઓ તથા મુસલમાનોની મિશ્ર ટોળીઓ મોટર લોરીઓમાં બેસીને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ અને ‘‘હિંદુમુસ્લિમ ભાઈ ભાઈ’’નાં સૂત્રો પોકારતી શહેરના જુદા જુદા ભાગોમાં ફરવા લાગી. તે એટલે સુધી કે, મોડી રાત સુધીમાં વિરાટ ટોળાંઓએ - એમાં હિંદુઓ અને મુસલમાનો સેળભેળ હતા - બધા રાજમાર્ગોને રૂંધી દીધા અને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ તથા ‘‘જય હિંદ’’ના કાન ફાડી નાખે એવા પોકારો તેઓ કરતા રહ્યા. એક વરસ સુધીનાં પાગલપણાનાં કાળાં વાદળો પછી જાણે એકાએક સમજણ અને શુભેચ્છાનો સૂર્યોદય થયો હોય એમ લાગતું હતું.
ઉત્સાહથી ઊભરાતાં ટોળાઓએ સરકારીગૃહ ઘેરી લીધુ અને ગર્વનર રાજાજી પોતાના ઘરમાં લગભગ કેદી જેવા બની ગયા.
ગાંધીજીના મકાન આગળ ભાઈચારાનાં રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં, પરંતુ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહની કશી નિશાની દેખાતી નહોતી. તેમના ચક્ષુ અંતર તરફ વળ્યાં હતાં અને તેમનો માર્ગ પ્રકાશિત કરવાને તથા હવે પછીનું પગલું તેમને દર્શાવવાને તેમના સરજનહારના દર્શનની ખોજ કરતાં હતાં.
એ દિવસે પ્રાર્થનાભૂમિ પર લગભગ ત્રીસ હજાર માણસો એકઠાં થયાં. મેદની અતિશય ગીચ હતી. જે માર્ગ કાપતાં પાંચ મિનિટ થતી હતી તે કાપતાં વીસ મિનિટ થઈ. કલકત્તાના નાગિરકોએ સિદ્ધ કરેલી એકતા માટે ગાંધીજીએ તેમને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, ‘‘શહેરમાં જોવા મળેલી ભાઈચારાની છલકતી ભાવના સાચા દિલની હોય અને ક્ષણિક ન હોય તો એ ખિલાફતના દિવસો કરતાં પણ વધારે રૂડી છે. પરંતુ લાહોરમાં ગાંડપણનો દાવાનળ હજી ચાલુ જ છે એ સાંભળીને મને વિશેષ અફસોસ થાય છે. મને ખાતરી છે કે, કલકત્તાનો ઉમદા દાખલો સાચા દિલનો હશે તો એની અસર પંજાબ પર તથા હિંદના બીજા ભાગો પર થવા પામશે. હું તમને ચેતવું છે કે, હવે તમે સ્વતંત્ર થયા છો એટલે તમારી સ્વતંત્ર્તાનો તમારે ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ. હિંદમાં રહેનારા યુરોપિયનો પ્રત્યે, તમે તમારે પોતાને માટે અપેક્ષા રાખો એવો જ વર્તાવ તમારે રાખવો રહ્યો. તમારે સમજવું જોઈએ કે, તમે તમારા પોતાના સિવાય બીજા કોઈના જ સ્વામી નથી. કોઈને પણ તેની મરજી વિરૂદ્ધ કરવાની ફરજ તમે હરગિજ ન પાડી શકો.’’
ગાંધીજી પછી સુહરાવર્દીએ સભાને સંબોધી. તેમણે કહ્યું, હિંદુઓ તેમ જ મુસલમાનો, તેમણે તજેલાં ઘરોમાં પાછા ન ફરે, ત્યાં સુધી આપણું કામ પૂરું થયું એમ આપણે માનવું ન જોઈએ. કેટલાંક લોકો માનતા હતા કે, હિંદુ-મુસ્લિમ એકતા કદી પણ સાધી શકાવાની નથી, પરંતુ ‘‘ખુદાની મરજી અને મહાત્માજીની કૃપાથી’’, માત્ર ત્રણચાર દિવસ અગાઉ અશક્ય માનવામાં આવતું હતું તે ચમત્કારિક રીતે નક્કર હકીકતમાં ફેરવાઈ ગયું છે. પછી તેમણે હિંદુઓ અને મુસલમાનોની મિશ્ર મેદનીને તેમની સાથે જય હિંદ પોકારવાને જણાવ્યું અને મેદનીએ કાન ફાડી નાખે એવી ગર્જનાથી એમ કર્યું. આ હૃદયસ્પર્શી દૃશ્ય જોતી વખતે ગાંધીજીના હોઠ પર અવર્ણનીય મંદ હાસ્ય ફરી રહ્યું.
* * * * *
રાત્રે ગાંધીજી શહેરમાં ફર્શા અને તેના જુદા જુદા ભાગોમાં હજુ પણ ચાલી રહેલા ભાઈચારાના દૃશ્યો તેમણે નિહાળ્યાં. ગાંધીજીએ ઉપવાસ કરીને અને રોજના કરતાં વધુ કાંતીને એ દિવસ ઊજવ્યો. ઉપવાસમાં શહીર સુહરાવર્દી તેમની સાથે જોડાયા.
મહાત્મા ગાંધીનો એગાથા હેરિસન પર પત્ર
આજના બનાવ જેવા મહાન બનાવો ઊજવવાની મારી રીત - એને માટે ઈશ્વરનો આભાર માનવાની અને તેથી કરીને તેની પ્રાર્થના કરવાની - તમે જાણો છો. એ પ્રાર્થના ઉપવાસયુક્ત હોવી જોઈએ...અને ગરીબોની સાથે તાદાત્મ્યની તેમ જ સ્વાર્પણની નિશાની તરીકે, કાંતણ પણ હોવું જોઈએ. એટલે, હું દરરોજ કાંતું છું એટલા કાંતણથી સંતોષ ન માનતાં, મારાં બીજાં રોકાણો સાથે સુસંગત રહીને શક્ય હોય એટલું વધુ મારે કાંતવું રહ્યું..
અહીંના બનાવો વિષે સવિસ્તર માહિતી તમને હું આપી શકત તો કેવું સારું! કદાચ હાૅરેસ એલેકઝાંડર આપશે..
રાજકુમારી અમૃતકોરના પત્રમાં તેમણે આ પ્રમાણે લખ્યુંં ઃ ‘‘હું એક મુસલમાનના ઘરમાં છું. એ સૌ બહુ જ ભલા છે. સોદપુર આશ્રમમાંથી મેં કોઈને પણ સાથે લીધા નથી. એટલે મારે જોઈતી મદદ માત્ર મુસલમાન મિત્ર તરફથી જ આવે છે. મારે માટે એ નવો અનુભવ નથી. એ વસ્તુ દક્ષિણ આફ્રિકા અને ખિલાફતના દિવસોની મને અહીં યાદ આપે છે. અત્યાર પૂરતો તો હું દુશ્મન નથી. આવું કેટલો વખત ચાલશે એ તો ભગવાન જાણે હિંદુઓ અને મુસલમાનો લગભગ એક જ દિવસમાં મિત્રો બની ગયા. સુહરાવર્દી પલટાઈ ગયા છે, એવું દેખાય છે.’’
દિવસ દરમ્યાન રાજાજી ગાંધીજીને મળવા આવ્યા. ઉંમરના કારણે રાજાજી સહેજ વળ્યા હતા, ગાંધીજી ચિંતાગ્રસ્ત હતા, પરંતુ બંનેના ચહેરા પર આનંદ અને સુખ તરવરતાં હતાં. લગભગ એક કલાક સુધી તેમણે વિનોદ, મજાક અને ઊંડા ડહાપણભર્યા શબ્દોની આપલે કરી.