Sunday, May 13, 2012

આંબેડકરનું કાર્ટૂન અને સંસદીય લોકશાહીના અવમૂલ્યનનો નગ્ન ચિતાર...


'આપણા દેશનું રાજકારણ એટલું ગંદુ અને હલકી કક્ષાનું છે કે હું કાર્ટૂનિસ્ટ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત.' આ શબ્દો છે દેશના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણના.જૂન, 1998માં દેશની આઝાદીના સુવર્ણજયંતિ વર્ષે લક્ષ્મણનું પુસ્તક પ્રકાશતિ થયું હતું. તેમાં તેમણે આઝાદી પછી પાંચ દાયકામાં ભારત વિશે લખ્યું છે. પુસ્તકના વિમોચન પછી પ્રીતિશ નાંદીએ રેડિફ વેબસાઇટ માટે લક્ષ્મણની મુલાકાત લીધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, 'ભારતની રાજકીય વ્યવસ્થાને ઓટોક્રેસી, પ્લુટોક્રેસી કહી શકાય, પણ લોકશાહી બિલકુલ નહીં.' ઓટોક્રેસી એટલે જિસકી લાઠી ઉસકી ભેંસ જ્યારે પ્લુટોક્રેસી એટલે ધનિકશાહી, ધનિકવર્ગનું શાસન અને ધનિક વ્યક્તિઓને બનેલો શાસકવર્ગ (ગુજરાતી લેક્સિકોન પ્રમાણે). આ મુલાકાતમાં તેમણે અત્યંત દુઃખ સાથે કહ્યું હતું કે, 'આ દેશમાં તમે જાતિ, ધર્મ, જ્ઞાતિ, મંદિર, મસ્જિદના નામે કંઈ પણ કરી શકો છો. તમે કોઈ પણ વ્યક્તિની હત્યા કરી શકો છો પણ તમારી પાસે ટોળું હોવાથી તમારું કોઈ બગાડી શકતું નથી' આ વાત અત્યારે 14 વર્ષ પછી પણ એટલી જ સચોટ છે.

શુ્ક્રવારે ટોળવાદી સાંસદોએ ભીમરાવ આંબેડકરના એક કાર્ટૂનને મુદ્દે સંસદમાં તેમની બુદ્ધિક્ષમતાનું પ્રદર્શન કર્યું અને તેમાં આપણી સંસદીય લોકશાહીના અવમૂલ્યનોનો નગ્ન ચિતાર આપ્યો. તેમણે માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલ પાસેથી રાજીનામું માંગ્યું. કોંગ્રેસના જ એક નેતા પી એલ પુનિયાનું કહેવું છે કે સિબ્બલ રાજીનામું આપે અથવા દેશની માફી માંગે. પ્રભા ઠાકુરનું કહેવું છે કે કાર્ટૂનને મંજૂરી આપનાર તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. ભાજપ, બીએસપી સહિત વિરોધ પક્ષના તમામ તકવાદી નેતાઓએ પણ દલિતોને રીઝવવાની તક ઝડપી લીધી છે. પણ આ તમામ મતમતલબીઓમાંથી કેટલાંક એ પણ જાણતા નથી કે આ કાર્ટૂન કોણે બનાવ્યું હતું? આ કાર્ટૂન કોણે બનાવ્યું હતું? ક્યારે બનાવ્યું હતું? અને આ વિવાદને ત્રણ દિવસ પસાર થયા પછી પણ પોતાને રાજકીય બાબતોમાં નબર વન ગણતાં 'ગદર્ભરાજ' પત્રકારો અખબારો અને સામયિકોમાં આંબેડકરનું કાર્ટૂન શોધી રહ્યાં છે.

હકીકતમાં જે કાર્ટૂનને લઈને વિવાદ ઊભો થયો છે તેની રચના ભારતીય સંસદની પ્રથમ બેઠક શરૂ થઈ એના ત્રણ વર્ષ અગાઉ એટલે કે 1949માં બનાવવામાં આવ્યું હતું. 28 ઓગસ્ટ, 1949ના રોજ આ કાર્ટૂન દેશના મહાન કાર્ટૂનિસ્ટોમાંના એક શંકર પિલ્લઈએ બનાવ્યું હતું. કાર્ટૂનમાં કટાક્ષ કરવામાં આવ્યો છે કે બંધારણની રચનાની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. તેમાં તેના સંચાલકો તરીકે જવાહરલાલ નહેરુ અને આંબેડકરને દેખાડવામાં આવ્યાં છે. આપણા બંધારણનું નિર્માણ કરવામાં બંધારણીય સભાને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને કાર્ટૂનિસ્ટે તેના પર કટાક્ષ કર્યો હતો. આ કાર્ટૂન પ્રકાશિત થયું ત્યારે નેહરુ અને આંબેડકર-બેમાંથી એક પણ નેતાએ તેનો વિરોધ કર્યો નહોતો. તેમણે શંકર સામે દ્વૈષભાવ પણ રાખ્યો નહોતો. એ પછી તો શંકરને પહ્મશ્રી, પહ્મભૂષણ અને પહ્મવિભૂષણથી બિરદાવવામાં આવ્યાં હતા. તેમાં આંબેડકરના અપમાન જેવું કશું નહોતું. પછી એ કાર્ટૂનને બધા પક્ષો ભૂલી ગયા હતા, પણ છ વર્ષ અગાઉ આ કાર્ટૂનને એનસીઇઆરટીના એક પાઠ્યુપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું. છ વર્ષ સુધી દલિતોની મતબેન્કો પર તાતાથૈયા કરતાં અને પોતાને 'દલિતોના મસીહા' ગણાવતા સાંસદોની નજર આ કાર્ટૂન પર ગઈ નહોતી. પણ આશરે 2,000 દિવસો પછી 'આંબેડકરના આ સ્વયંભૂ માનસપુત્રો'એ એનસીઇઆરટીની પુસ્તકોમાથી કાર્ટૂનને હટાવવાની માંગણી કરી છે.

આ બુદ્ધિહીન સાંસદોની માંગણીના વિરોધમાં શુક્રવાર સાંજ સુધીમાં આ પુસ્તકની રચના કરનાર સમિતિના મુખ્ય સલાહકાર યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્સીકરે રાજીનામું આપી દીધું. આ પુસ્તકને મંજૂરી આપવામાં યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્સીકર જ સામેલ નહોતા, પણ તેના પર નિરીક્ષણ સમિતિએ પણ મંજૂરીની મહોર મારી હતી. આ સમિતિના સહઅધ્યક્ષ પ્રોફેસર મૃણાલ મિરી અને જી પી દેશપાંડે જેવા વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ હતા. જી પી દેશપાંડેએ તો દલિત સુધારક જ્યોતિબા ફુલે પર ઉત્તમ દરજ્જાનું નાટક પણ લખ્યું છે. આ સમિતિએ મંજૂર કર્યા પછી પુસ્તકને રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ સમક્ષ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોફેસર ગોપાલ ગુરુ અને જોયા હસન જેવા દિગ્ગજો સામેલ છે. આ લોકો દલિતોના અધિકારો માટે લડે છે અને તેમણે પણ આંબેડકરના કાર્ટૂન સાથે પુસ્તકને મંજૂરી આપી હતી. તેમને કાર્ટૂનમાં દલિતો કે આંબેડકરના અપમાન જેવું કશું લાગ્યું નહોતું. પણ આ વિવાદ સૂચવે છે કે ભારતીય સંસદમાં છ દાયકામાં કેવી માનસિકતા ધરાવતા લોકો પ્રવેશી ગયા છે? આપણી સંસદની ગરિમાનું અવમૂલ્યન કેટલી હદે થયું છે? શંકરના આંબેડકર પરના કાર્ટૂનને છ દાયકા થઈ ગયા છે અને આ કાર્ટૂને આપણા સંસદોનું બૌદ્ધિક સ્તર કેટલું કથળી ગયું છે તે દર્શાવ્યું છે, આપણી લોકશાહીની પોકળતા ખુલ્લી કરી છે...

ચલત-ચલતેઃ સ્વતંત્ર્તાનો ખોટો ઉપયોગ થવાનું જોખમ છે, તેમ છતાં હું સ્વતંત્ર પ્રેસનો હિમાયતી છું - જવાહરલાલ નેહરુ (શંકરનું કાર્ટૂન પ્રકાશિત થયાના એક વર્ષ પછીનું નિવેદન)

No comments: