શ્રી રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના દક્ષિણેશ્વર મંદિરમાં પોતાના શિષ્યો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરતા હતા. એ સમયે એક ભગવા વસ્ત્રધારી સાધુ આવ્યા. તેમણે પરમહંસને સીધો પ્રશ્ન કર્યો - ‘‘તમે જીવનમાં કોઈ ચમત્કાર કર્યો છે?’’ પરમહંસ કશું બોલ્યા નહીં. તેઓ ચૂપ રહ્યાં એટલે પેલા સાધુમહારાજ થોડા ગેલમાં આવ્યાં. તેમણે કહ્યું, ‘‘મેં વીસ વર્ષ કઠોર તપ કર્યું છે અને તેના પ્રતાપથી અત્યારે હું પાણી પર ચાલી શકું છું. તમારે ચમત્કાર જોવો છે?’’
પરમહંસે કહ્યું, ‘‘જેવી તમારી ઇચ્છા. ચમત્કાર દેખાડવો હોય તો દેખાડો.’’
મહાત્મા સામેથી વહેતી ગંગાની ધારા પર ચાલવા લાગ્યા. પરમહંસના શિષ્યો ચકિત થઈ ગયા. સાધુમહાત્મા ધારાને પાર કરીને પરમહંસ પાસે આવી ગયા. પછી ગુમાન સાથે કહ્યું, ‘‘સિદ્ધિ આને કહેવાય.’’
પરમહંસ મંદમંદ હસતા હતા. તેમણે કશું કહ્યું. એવામાં તેમને ત્યાં દૂધવાળો આવ્યો. પરમહંસે પૂછ્યું, ‘‘ભાઈ, તું દૂધ આપવા ક્યાંથી આવે છે?’’
‘‘હું ગંગાની સામે પારના ગામમાંથી આવું છું,’’ દૂધવાળાએ જવાબ આપ્યો.
‘‘તું ગંગાને કેવી રીતે પાર કરે છે?’’ પરમહંસે તેને પૂછ્યું.
‘‘હોડીમાં બેસીને. કેવટ એક પૈસામાં ગંગાને પાર કરાવી દે છે.’’
દૂધવાળાનો જવાબ સાંભળી પરમહંસે સિદ્ધપુરુષ મહાત્મા સામે જોઈને કહ્યું, ‘‘મહાત્મા, જે કામ માત્ર એક પૈસામાં થઈ શકે છે, તેના માટે તમે જીવનના અમૂલ્ય વીસ વર્ષ વેડફી નાંખ્યા! પાણી પર ચાલીને શું મળે? તમે જમીન પર બરોબર ચાલવાનું શીખીએ તો વધારે ફાયદો થાય. તેના બદલે માણસ અને માનવતા સમજવામાં આટલું તપ કર્યુ હોત તો બેડો પાર થઈ જાત અને ઇશ્વર સામે ચાલીને તમને ભેટી પડત. માણસોને ચમત્કાર દેખાડવાને બદલે પ્રેમ કરો અને તેમના દુઃખદર્ઢ્ઢોને સમજો.’’
સાધુમહાત્મા શરમાઈ ગયા અને તરત જ ચાલતી પકડી.
No comments:
Post a Comment