Tuesday, April 3, 2012

સેવા કરવા કોઈ કામ નાનું કે મોટું નથી


યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કર્યો. તેમણે અનેક રાજામહારાજને યજ્ઞમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું. ભારતવર્ષના અનેક રાજામહારાજ પાંડવોના યજમાન બન્યા. આટલા લોકોની દેખભાળ કરવા પાંડવો સહિત અનેક વ્યક્તિ સેવાકાર્યમાં મગ્ન થઈ ગયા. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ યજ્ઞમાં આવ્યા. તેમણે જોયું કે અનેક લોકોની ભારે ભીડ યજ્ઞમાં સામેલ થવા આતુર છે. તેઓ યુધિષ્ઠિર પાસે ગયા. શ્રીકૃષ્ણને જોઈને તુરત જ યુધિષ્ઠિર ઊભા થઈ ગયા અને તેમનું સ્વાગત કર્યું. પછી તેમણે મુરલીધરને સર્વશ્રેષ્ઠ આસન પર બિરાજવા કહ્યું.

યુધિષ્ઠિરનું આમંત્રણ સ્વીકારી શ્રીકૃષ્ણ બોલ્યા, ''તમે રાજસૂર્ય યજ્ઞ કર્યો અને તેમાં મને સેવા કરવાનો અવસર મળ્યો છે. બધા પોતપોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરી રહ્યાં છે. એટલે મારે પણ કંઈક કરવું જોઈએ.'' યુધિષ્ઠર બોલ્યા, ''ભગવાન! કામ કરવા અનેક લોકો છે. તમારે કષ્ટ ન ઉઠાવો. આમ પણ તમારે લાયક અહીં કોઈ કામ નથી.''

આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, ''સેવા કરવા સ્તર ન જોવાનું હોય? સેવા તો હૃદયપૂર્વક કરવી જોઈએ. સેવા કરવા પ્રેરણાનું ઝરણું હ્રદયમાંથી વહેવું જોઈએ. હું જાણું છે કે તમે મને કોઈ કામ નહીં બતાવો, પણ હું મને અનુરૂપ હોય તેવું કામ શોધી લઈશ.'' પછી તેઓ આજુબાજુ જોવા લાગ્યા. તેમણે જોયું કે લોકો ભોજન કરી રહ્યાં છે. તેઓ તરત જ પતરાળાં ઉપાડવા લાગ્યા. લોકો ભોજન કરીને પતરાળાં મૂકીને જતાં અને શ્રીકૃષ્ણ તેને ઉઠાવી લેતા. યુધિષ્ઠિર તેમનો સેવાભાવ જોઈને દંગ થઈ ગયા ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે, ''સેવા કરવા કોઈ કામ નાનું-મોટું નથી''

No comments: