ફ્રાંસના મહાન લેખન અને દાર્શનિક વોલ્તેયરે કહ્યું છે કે, હું ઈશ્વર પાસે ક્યારેય કશુંય માગતો નથી, પણ તેને મારી એક અરજ છે. હે ઈશ્વર, તું મારા દુશ્મનોને હાસ્યાસ્પદ અને મૂર્ખ બનાવજે અને એ મારી અરજ હંમેશા કબૂલ કરે છે.
માર્ક્સવાદીઓ એટલે ડાબેરીઓને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. તેઓ ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોવાનું માને છે. પણ બંગાળની ધૂરા મમતાએ સંભાળ્યા પછી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હશે કે, જો ખરેખર તારું અસ્તિત્વ હોય તો મારા દુશ્મન (મમતા સમજવું)ને હાંસીપાત્ર બનાવજે. અને ઈશ્વરે પણ વોલ્તેયરની જેમ ડાબેરીઓની પ્રાર્થના કબૂલ કરી હોય તેવું લાગે છે. અત્યારે મમતા દેશભરમાં હાંસીપાત્ર બની ગયા છે. બંગાળમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાયા પછી તેમણે તેમની સમજણશક્તિ પર પ્રશ્ન થાય તેવા નિર્ણયો લીધા છે. જાધવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકેશ મહાપાત્રની કાર્ટૂન પ્રકરણમાં ધરપકડ થયા પછી મમતાને સમર્થન આપનાર બૌદ્ધિકો તો અવાક થઈ ગયા છે. બંગાળમાં મમતારાજ સ્થાપિત થયા પછી દીદીએ તેમની વાસ્તિવક બૌદ્ધિક ક્ષમતાના દર્શન બંગાળીઓને કરાવ્યાં છે. મમતાએ લીધેલા નિર્ણયો પર કોલકાતામાં હસગુલ્લાઓ પ્રચલિત થયા છે અને હવે ઠઠ્ઠાચિત્રો બનવાનું પણ શરૂ થઈ ગયા છે.
સત્તામાં આવ્યા પછી તરત જ મમતા પર વિજયનો નશો એ હદે સવાર થયો હતો તેમણે કોલકાતાની તમામ સરકારી બિલ્ડિંગોને વાદળી રંગથી રંગવાનું તઘલખી ફરમાન જાહેર કર્યું હતું. વાદળી રંગ મમતાના તૃણમૂલ કોંગ્રેસ પક્ષનો છે. અત્યારે કોલકાતાની અડધોઅડધ બિલ્ડિંગ વાદળી રંગને રંગ રંગાઈ ગઈ છે અને બાકીની બિલ્ડિંગનું રંગરોગાણ ચાલુ છે. તેના થોડા દિવસ પછી મોમતા દીદી પર રવિન્દ્રસંગીતનો ભૂત સવાર થયું હતું. એટલે તેમણે કોલકાતાના દરેક ટ્રાફિક સિગ્નલ પર રવિન્દ્ર સંગીત સતત વાગતું રહે તેવો આદેશ જાહેર કર્યો હતો. ટ્રાફિક કમિશનર ચકરી ખાઈ ગયા હતા. મમતાનું ગાંડપણ જોઈને પ્રસિદ્ધ લેખિકા મહાસ્વેતા દેવી હતપ્રભ થઈ ગયા છે. તેમણે બંગાળમાં ડાબેરીઓ વિરૂદ્ધ જંગ છેડનાર મમતાને મા, માટી અને માનુષના પ્રતિક ગણાવ્યા હતા. પણ સત્તામાં આવ્યા પછી મમતાના રંગ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ છે.
મહાસ્વેતા દેવીને આશા હતી કે મમતા ડાબેરીઓના ગુંડારાજમાંથી બંગાળને મુક્ત કરશે. પણ મમતા સત્તામાં આવ્યા પછી ગુંડાઓએ પાર્ટી બદલી છે. અગાઉ ડાબેરીઓ તરફથી ગુંડાગર્દી કરતાં માથાભારે અને અસામાજિક તત્વો હવે તૃણમૂલ કોંગ્રેસમાં ભળી ગયા છે. મમતાના કાર્ટૂનનો ઇન્ટરનેટ પર પ્રસાર કરનાર પ્રોફેસર મહાપાત્ર આ ગુંડાઓથી જ ડરે છે. તેમણે પોતાને અને પોતાના પરિવારજનોને મમતાના ગુંડાઓથી જીવનું જોખમ હોવાની ફરિયાદ કરી છે. આ સંપૂર્ણ પ્રકરણથી મમતાની જગહસાઈ થઈ છે અને તેમની છબી ખરડાઈ છે એ વાત નક્કી છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં મમતાનું નામ સાંભળતા જ હાસ્યાની છોળો ઉડે છે. હજુ થોડા દિવસ અગાઉ તેમણે બે ગાંડાઘેલા નિર્ણયો જાહેર કર્યા હતા. સૌપ્રથમ તેમણે બંગાળની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇતિહાસના પુસ્તકોમાં માર્ક્સ અને એન્જલ્સ સંબંધિત પ્રકરણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. એ પછી તેમણે રાજ્ય સરકાર સંચાલિત પુસ્તકાલયોમાં અંગ્રેજી અખબારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમનું આ સ્વરૂપ જોઈને બંગાળવાસીઓનો અને ખાસ કરીને ત્યાંના બૌદ્ધિકોનો મોહભંગ થઈ ગયો છે. તેમને હવે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની કિંમત સમજાય છે, જેમણે બંગાળના યુવાનોને રોજગારી મળે એ માટે રાજ્યમાં ફરી ઉદ્યોગધંધા સ્થાપિત થાય એ માટે પ્રયાસ કર્યા હતા.
ચલતે-ચલતેઃ મનુષ્ય પાસે અધિકાર હોય છે ત્યારે જ તેની બુદ્ધિની કસોટી થાય છે
No comments:
Post a Comment