જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઈ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.
મારો રામ-જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી. સર્વ દર્દના સર્વોપરી ઇલાજ તરીકે જેનું નામ લેવાનું હું સૂચવું છું તે જગન્નિયંતા પરમેશ્વર છે, જેના નામનો જપ કરીને ભક્તો પોતાના હ્રદયનો મેલ સાફ કરે છે અને શાંતિ મેળવે છે. વળી મારો એવો દાવો છે કે એ જ પરમેશ્વરના નામનું રટણ મનની, આત્માની કે તનની સર્વ આધિ, વ્યાધિ કે ઉપાધિનો સચોટ ઈલાજ છે. દાક્તર કે વૈદ્યની મદદથી શરીરના વ્યાધિ અલબત્ત મટાડી શકાય. પણ રામનું નામ લેવાથી માણસ પોતાનો વૈદ્ય અથવા દાક્તર બની પોતાની જાતમાંથી જ સર્વ વ્યાધિનું નિવારણ કરનારું ઔષધ મેળવવાને સમર્થ થાય છે. અને શારીરિક દ્રષ્ટિથી અસાધ્ય હોવાના કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ તેને મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે.
હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો અધિકાર છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઈએ શા સારું વાંધો ઉઠાવવો જોઈએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે.
No comments:
Post a Comment