Wednesday, April 4, 2012

સોનેરી તક


એક આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાયું હતું. ત્યાં અનેક ચિત્રો કળારસિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પણ એક ચિત્ર પાસે અત્યંત ભીડ હતી. આ ચિત્રમાં એક એવી આકૃતિ હતી, જેનો ચહેરો વાળથી ઢંકાયેલો હતો અને માથાના પાછળનો ભાગ સપાટ એટલે કે મુંડેલો હતો. તેના પગમાં પાંખો લાગેલી હતી. આ ચિત્ર જોઈને કળારસિકો ચકિત થઈ ગયા હતા. તેમણે સમજણ પડતી નહોતી કે ચિત્રકાર આ ચિત્ર દ્વારા કહેવા શું માંગે છે. તેમણે ચિત્રકારને આ વિશે પૂછ્યું.

દર્શકોનો પ્રશ્ર સાંભળીને ચિત્રકારો બોલ્યો, ‘‘આ મનુષ્યને તેના જીવનમાં વિકાસ સાધવા માટે મળતી સોનેરી તકનું ચિત્ર છે.’’ એક દર્શક તરત જ બોલ્યો, ‘‘તકનું સ્વરૂપ આવું હોય છે તેની તમને કેવી રીતે ખબર?’’ ચિત્રકાર બોલ્યો, ‘‘તકનું આ સ્વરૂપ હું નહીં અનેક લોકો જાણે છે.’’ બીજા દર્શકની ઉત્સુકતા વધી ગઈ હતી. તેણે તરત જ પૂછ્યું, ‘‘તકનો ચહેરો ઢંકાયેલો કેમ છે?’’ ચિત્રકારે કહ્યું, ‘‘મોટા ભાગના લોકો યોગ્ય સમયે તેમને મળતી તકને ઓળખી શકતા નથી. તકને ઓળખવા અંતર્દષ્ટિ જોઈએ’’ બીજા એક દર્શકે પૂછ્યું, ‘‘તેના પગમાં પાંખો કેમ છે?’’ ચિત્રકારે જવાબ આપ્યો, ‘‘તક અત્યંત ઝડપથી આવે છે. તમારા દ્વારે ટકોરા મારે છે અને ઝડપથી સરકી જાય છે. તમે તેને ઝડપી ન લો તો એ તમારા હાથમાંથી સરકી જાય છે.’’

ચિત્રકારના જવાબ દાર્શનિક હતા. કળારસિકોને તેમના જવાબ સાંભળી અત્યંત આનંદ થયો. બીજા એક દર્શકે ઉત્સુકતા સાથે પૂછ્યું, ‘‘આ આકૃતિના માથામાં પાછળના ભાગે મુંડન કેમ કરેલું છે?’’ ચિત્રકારે સસ્મિત જવાબ આપ્યો, ‘‘તમે સરકી જતી તકને પાછળથી પકડી શકતા નથી. ચહેરો વાળથી ઢંકાયેલો છે, પણ વાળ આગળ છે. તમે વાળને પકડીને તકને ઝડપી શકો છે, તેને કાબૂમાં કરી શકો છે.પણ તક તમારા હાથમાંથી ચાલી જાય પછી તેને ઝડપવાનો પ્રયાસ કરો તો એ સરકી જાય છે.’’ તેના જવાબ સાંભળી કળારસિકો સંતુષ્ટ થયા. તેમને એક ચિત્રના બહાને જીવનના એક મોટા સત્યને સમજવાની તક મળી.

No comments: