Sunday, April 1, 2012

જનરલ વી કે સિંહઃ સિદ્ધાંતો સાથે સમાધાન કરીને આબરૂના લીરા ઉડાવ્યાં


તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવા સિદ્ધાંતો સાથે સમાધાન કરો પછી મૂલ્યો અને નિષ્ઠાની વાત કરી શકો? તમે જે મૂલ્ય સાથે સમાધાન કર્યું હોય એ જ મૂલ્યનું રક્ષણ કરવા માટે કોઈને પડકાર ન ફેંકી શકો. અને ફેંકો તો? તો તમારી આબરૂના લીરા ઉડી જાય અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખરડાય. કોઈને મોં ગંધાય છે એવું કહેતાં અગાઉ આપણું મોં ચોખ્ખું હોવું જરૂરી છે. પણ લોભ અને મહત્વાકાંક્ષા ભલભલાને ભાન ભૂલાવે છે. સેનાના વડા વી કે સિંહ આનું તાજું ઉદાહરણ છે.

હરિયાણાના ભિવાની જિલ્લાના બપોરા ગામના રાજપૂત પરિવારમાંથી આવતા વિજય કુમાર સિંહના પિતા કર્નલ હતા અને દાદા જુનિયર કમિશન ઓફિસર હતા. દાદા અને પિતાના વારસાને આગળ વધારતા વિજયકુમારે 29 જુલાઈ, 1965ના રોજ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ)માં પ્રવેશ મેળવવા માટેની પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું અને તેમની જન્મતારીખ સંબંધિત વિવાદના મૂળિયા આ ફોર્મમાં જ રહેલા છે. એ સમયે તેઓ રાજસ્થાનમાં પિલાનીની જાણીતી બિરલા પબ્લિક સ્કૂલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા અને એનડીએની પરિક્ષામાં બેસવા માટે તેમનું ફોર્મ તેમની સ્કૂલના ક્લાર્કે ભર્યું હતું. આ વિવાદ વિશે વિજયકુમારનું કહેવું છે કે, ''એનડીએની પરિક્ષામાં બેસવા માટે મારું ફોર્મ સ્કૂલના કારકૂને ભર્યું હતું અને મેં તેના પર માત્ર સહી કરી હતી. તેમાં કારકૂને મારી જન્મતારીખ 10 મે સાચી લખી હતી, પણ જન્મનું વર્ષ ખોટું એટલે કે 1950 લખ્યું હતું. હકીકતમાં મારો જન્મ 1951માં થયો છે. આ ગોટાળા અંગે મને કોઈ જાણકારી નહોતી. પણ હું પરિક્ષામાં પાસ થયો અને એનડીએ માટે પસંદ થયા પછી યુપીએસસી પાસેથી મને જાણકારી મળી.'' 1966ના મે મહિનામાં તેઓ એનડીએની પરિક્ષામાં પાસ થયા અને 11 જૂન, 1966ના રોજ સેનાના ડોક્ટરો દ્વારા તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું. તેના ફોર્મમાં વિજયકુમારે જન્મતારીખ 10 મે, 1951 હોવાની જાણકારી આપી હતી. પણ મેડિકલ એક્ઝામિનેશન થયું ત્યારે તેમણે જે ફોર્મ ભર્યું તેની સરખામણી પ્રવેશપરિક્ષા માટે ભરેલા ફોર્મ સાથે કરાઈ નહોતી અને તે સમયે આ પ્રકારની સરખામણી કરવામાં આવતી પણ નહોતી. પણ જન્મતારીખનો આ ગોટાળો તેમને એનડીએમાં જોડાવવાનો ઓર્ડર ઇશ્યૂ કરતી વખતે બહાર આવ્યો.

એ સમયે યુપીએસસી (એનડીએની પરિક્ષા યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લે છે)ના તત્કાલિન અંડર સેક્રેટરી શ્રી ક્રિષ્નન હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે વિજયકુમાર સિંહના યુપીએસસીના ફોર્મ અને મેડિકલ એક્ઝામિનેશનના ફોર્મમાં જન્મતારીખ એકસરખી નથી. તેમણે તરત જ 18 જૂન, 1966ના રોજ પત્ર લખીને સિંહને જણાવ્યું કે યુપીએસના ફોર્મમાં જન્મનું વર્ષ 1950 છે જ્યારે મેડિકલ એક્ઝામિનેશન ફોર્મમાં 1951 છે તો તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરવા વિનંતી. આ જાણકારી મળ્યાં પછી તરત જ વિજયકુમારે ધોરણ 10ની માર્કશીટ રજૂ કરીને તેમના જન્મનું વર્ષ 1951 ગણવા વિનંતી કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. પછી તેઓ એનડીએમાં જોડાયા અને જૂન, 1970માં તેમને ઇન્ડિયન મિલિટરી એકેડમીનું આઇડેન્ટિટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું. તેમાં તેમની જન્મતારીખ 10 જૂન, 1951 હતી. વર્ષ 1971માં રાજસ્થાન શિક્ષણ બોર્ડે સિંહને મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ આપ્યું, જેમાં પણ જન્મનું વર્ષ 1951 હતું. તેમણે આ સર્ટિફેકટ સેનાની એડ્જુટન્ટ જનરલ (એજી) શાખાને સુપરત કર્યું. આ શાખા સૈન્ય કર્મચારીઓના દસ્તાવેજોનો રેકોર્ડ રાખે છે અને દરેક સૈન્ય અધિકારીઓએ નોકરી દરમિયાન તેમના સર્ટિફિકેટ આ શાખાને સુપરત કરવા પડે છે. સિંહે આ સર્ટિફિકેટ એજીને સુપરત કર્યા પછી ત્યાં તેમના જન્મનું વર્ષ સુધારી લેવાયું હતું અને 1951 કરવામાં આવ્યું હતું. પણ એજી પાસેના દસ્તાવેજોમાં જન્મનું જે વર્ષ હોય એ જ વર્ષ સેનાના જ અન્ય એક વિભાગ મિલિટરી સેક્રેટરી (એમએસ) પાસેના દસ્તાવેજમાં હોવું જોઈએ.

મિલિટરી સેક્રેટરી સૈન્ય અધિકારીઓને પ્રમોશન અને પોસ્ટિંગ આપવાની જવાબદારી નિભાવે છે. સૈન્ય અધિકારી નિવૃત્ત ક્યારે થશે તેનો નિર્ણય પણ એમએસ જ લે છે. આ કારણે એજી પાસે જે પ્રમાણપત્રો હોય તેની નકલો એમએસ પાસે પણ હોય છે એટલે સ્વાભાવિક રીતે કોઈ સૈન્ય અધિકારી તેમના એજી શાખામાં પ્રમાણપત્રોમાં સુધારાવધારા કરાવે તો સાથેસાથે એમએસ શાખામાં પણ એવા જ ફેરફાર કરાવવા પડે. પણ આ ફેરફાર કરાવવાની તસ્દી સિંહે ન લીધી. એ પછી સિંહે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેન કાર્ડ પણ મેળવ્યું અને તેમાં પણ જન્મનું વર્ષ 1951 જ હતું. વર્ષ 2006 સુધી એટલે કે નોકરીમાં 35 વર્ષ પસાર થયા સુધી કોઈ વાંધો ન આવ્યો. પણ 2006માં તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન મળ્યું ત્યારે જન્મતારીખનું ભૂત ફરી ધુળવા માંડ્યું. મિલિટરી સેક્રેટરીના તત્કાલિન લેફટનન્ટ જનરલ રિચાર્ડ ખરેએ જન્મતારીખની વિસંગતતાની જાણકારી આપી ત્યારે સિંહે એજીનો રેકોર્ડ સાચો હોવાનું જણાવ્યું. સૈન્યના કેટલાંક અધિકારીઓના કહેવા મુજબ, આ પ્રમોશન સાથે જ સિંહને નિવૃત્તિ વર્ષ 2012માં લેવી પડશે એ નક્કી થઈ ગયું. સેનાના નિયમ મુજબ, કોઈ પણ સૈન્ય અધિકારી 62 વર્ષ સુધી જ સેનામાં સેવા આપી શકે.

મિલિટરી સેક્રેટરીએ સિંહને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન આપ્યું પણ તેમાં જન્મનું વર્ષ 1950 જ ગણ્યું અને સિંહની જન્મનું વર્ષ 1951 ગણવાની સૂચનાની ધ્યાનમાં ન લીધી. હકીકતમાં એજી અને એમએસ વચ્ચે દસ્તાવેજોમાં વિસંગતતા હોય ત્યારે નિયમ મુજબ એજીના દસ્તાવેજોને સાચા માનવામાં આવે છે. આ કારણે સિંહ બેફિકર હતા. તેમને એમ હતું કે ભવિષ્યમાં નિવૃત્તિ કે અન્ય કોઈ બાબતમાં જન્મનું કયું વર્ષ સાચ ગણવું તે પ્રશ્ન ઊભો થશે ત્યારે સ્વાભાવિક રીતે એજીનો રેકોર્ડ જ સાચો માનવામાં આવશે. પણ તેમની આ બેફિકરાઈ જ તેમના માટે મોટી મુશ્કેલી પુરવાર થવાની છે તેની કલ્પના તેમને નહોતી. આ સમયે તેમની મહત્વાકાંક્ષા પણ વધી ગઈ હતી. વર્ષ 2008માં તેમને આર્મી કમાન્ડર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ વખતે પણ મિલિટરી સેક્રટેરી પી ગંગાધરને તેમને જન્મતારીખની વિસંગતતા વિશે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમને વર્ષ 1950ને જન્મનું વર્ષ ગણવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહ્યું હતું અને સિંહને આ બાબત માન્ય ન હોય તો તેમણે કાયદાકીય રીતે લડી લેવાનું કહ્યું હતું. ગંગાધરનની દલીલ એવી હતી કે અગાઉ તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન વર્ષ 1950ના આધારે આપવામાં આવ્યું છે ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો નહોતો. હકીકતમાં અહીં સિંહે અટકવાની જરૂર હતી અને જન્મના વર્ષ અંગે સુધારો કરવા કાયદકીય લડત આપવાની જરૂર હતી. પણ એ વખતે સિંહ સરસેનાપતિ બનવાની નજીક હતા. તેઓ આર્મી કમાન્ડરનો હોદ્દો સ્વીકાર લે તો તેના બે વર્ષ પછી તેઓ સરસેનાપતિ બનશે એ નક્કી હતું. તેઓ કાયદાકીય લડત શરૂ કરે તો આર્મી કમાન્ડરનું પ્રમોશન થોડો સમય અટકી જાય અને તેમને સરસેનાપતિ બનવાનો મોકો ન પણ મળે તેવી શક્યતા હતી. તેઓ વર્ષ 2006થી જ સરસેનાપતિ બનવા આતુર હતા એટલે તેમણે ગંગાધરનને જણાવ્યું કે મિલિટરી સેક્રેટરી વિભાગ જન્મનું વર્ષ જે કહેશે તે જ લખશે. સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહ અહીં મોટું ગોથું ખાઈ ગયા. ત્યાર મિલિટરી સેક્રેટરીએ તેમની ફાઇલ સંરક્ષણ મંત્રાલયને મોકલી દીધી હતી, જેમાં જન્મનું વર્ષ 1950 હતું.

સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ તેમને 31 માર્ચ, 2010ના રોજ સરસેનાપતિ બનાવ્યા ત્યારે પણ તેમને જન્મનું વર્ષ 1950 જ ગણ્યું હતું. આ હિસાબે સિંહને માર્ચ, 2012ના રોજ નિવૃત્ત થવું પડે. સેનાનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ સેનામાં 62 વર્ષની ઉંમર સુધી જ સેવા આપી શકે. સરસેનાપતિની મુદ્દત ત્રણ વર્ષની હોય છે, પણ આ મુદ્દત પૂર્ણ થાય એ અગાઉ તેમની ઉંમર 62 વર્ષ થઈ જાય તો તેમને અધવચ્ચે જ નિવૃત્તિ લેવી પડે. સિંહ સરસેનાપતિ બન્યા પછી તરત જ આ હકીકત જાણી ગયા હતા એટલે તેમણે તેમણે એજીના રેકોર્ડનો હવાલો આપીને તેમની જન્મતારીખનું વર્ષ સુધારવાની સૂચના આપી અને મિલિટરી સેક્રટેરીએ મને-કમને તેને સુધારી પણ લીધી. પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

સિંહ જે માર્ગે સરસેનાપતિ બન્યાં હતાં એ જ માર્ગે સરકારે તેમને નિવૃત્તિના દ્વારા દેખાડ્યાં. સિંહે તેમની જન્મતારીખ અંગે સુધારાની જાણકારી એન્ટોનીને આપી હતી. પણ તેમણે તેમના જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. સિંહ તેમના કહેવાનો અર્થ સમજી ગયા હતા કે તેમને માર્ચ, 2012માં વિદાય લેવી પડશે. એટલે સિંહે કોર્ટમાં અરજી કરી. કાયદા મંત્રાલયે અને એટોર્ની જનરલે પણ સરકારને નિયમ મુજબ, સિંહના જન્મનું વર્ષ 1951 ગણવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. પણ સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં દલીલ કરી હતી કે, સિંહે પોતે સરસેનાપતિ બનતી વખતે જન્મનું વર્ષ 1950 ગણવાનું માન્ય રાખ્યું હતું અને અગાઉ તેમને તમામ પ્રમોશનમાં જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવ્યાં હતાં. સિંહે અગાઉ જે સમાધાન કર્યા એ તેમને સુપ્રીમમાં આડા આવ્યા. તેમનો કેસ નબળો પડી ગયો. સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધિશ આર એમ લોઢા અને એચ એલ ગોખલે સમજી ગયા હતા કે સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહે સમાધાન કર્યું છે અને સરકાર તેનો જ ઉપયોગ કરી રહી છે. પછી આ બંને ન્યાયાધિશોએ જે ચુકાદો આપ્યો તે સલામી આપવાને લાયક છે.

તેમણે ધાર્યું હોત તો સિંહની અરજી ફગાવી શક્યા હોત. પણ તેઓ જાણતા હતા કે સિંહ મહત્વાકાંક્ષી છે, પણ તેઓ દેશ માટે લડ્યાં છે અને આદર્શ કૌભાંડ અને સુકના જમીન કૌભાંડમાં સૈન્ય અધિકારીઓ સામે કડક હાથે કામ લીધું છે. તેમની સામે નાણાકીય ગોટાળાના કોઈ આક્ષેપ નથી. તેઓ સમજી ગયા હતા કે સિંહને પૈસા કરતાં પદ વધારે વહાલું છે. તેમણે સિંહને અરજી પાછી ખેંચી લેવા કહ્યું. એટલું જ નહીં આ બંને ન્યાયાધિશોએ સિંહની સેવાની પ્રશંસા કરીને ટકોર કરી કે તમારી સેવા કાબિલેદાદ છે, પણ તમે જે વર્તણૂંક કરી રહ્યાં છો એ સરસેનાપતિના પદને લાયક નથી. સુપ્રીમ કોર્ટની ટકોર સિંહ સમજી ગયા હતા અને તેમને પીછેહટ કરવાની ફરજ પડી. આ રીતે હકીકતમાં સિંહ જન્મતારીખના વિવાદમાં સાચા હોવા છતાં તેમણે પ્રમોશન મેળવવા જન્મના વર્ષ સાથે જે સમાધાન કર્યું તેના જ ફળ તેઓ ભોગવી રહ્યાં છે. તેઓ ચાલુ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થશે એ વાત લગભગ પાક્કી થઈ ગઈ છે. પણ તેમના જીવનમાંથી એક સંદેશ જરૂર મળે છે કે સિદ્ધાંતો માટે લડવું હોય તો પદની ખેવના છોડવી ન રાખવી.

1 comment:

vkvora Atheist Rationalist said...

સરકારમાં નોકરી કરવી અને જન્મ તારીખ ખોટી લખવી... અહીંથી ભૃસ્ટાચાર સરુ થાય છે.....