Saturday, April 21, 2012

બાબા રામદેવઃ કરચોર નંબર વન...


ગુરુ અને ગુરુ ઘંટાલમાં ફરક છે, પણ બાબા રામદેવના ચેલાઓ અને ચેલીઓ તેમજ તેમના આંદોલનને સમર્થન આપતી આ દેશની 'ઇમોશનલ ફૂલ' જનતા આ ભેદને સમજતી નથી. આપણો દેશ લાગણીપ્રધાન છે. ભારતીયોને લાગણીના પ્રવાહમાં વહીને છેતરાઈ જવાની અને તેના પર પાછો ગર્વ અનુભવવાની ટેવ પડી ગઈ છે. રાજકીય આંદોલનોમાં સક્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તમારી પાસે રાજકારણ સંબંધિત માહિતી અને સમજણ હોવા જોઈએ. તેમાં લાગણીને કોઈ અવકાશ નથી. પણ ભારતમાં આ બાબતે ઊલટી ગંગા વહે છે. અહીં માહિતી મેળવવા અને સતત માહિતગાર રહેવાની કોઈને દરકાર નથી તેમજ સમજણ મેળવવાની ક્ષમતા નથી. રાજકીય મૂર્ખતા ભારતીયોનો આનુવંશિક ગુણ છે. આ સંજોગોમાં બાબા રામદેવ જેવા ગુરુ ઘંટાલ રામલીલા મેદાનમાં તાયફો કરી શકે છે, ભીંસમાં આવે તો મંચ પરથી માંકડછાપ ઠેકડો મારી શકે છે, પોલીસના ડંડાથી બચવા પોતાની અનુયાયી મહિલાનો ડ્રેસ મેદાનના એક ખૂણામાં ઉતરાવી શકે છે અને સ્ત્રીના લિબાસમાં ઊભી પૂછડીએ નાસી શકે છે. આ કળિયુગના રણ-છોડે ફરી દિલ્હીમાં ધામા નાંખ્યા છે અને કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંદોલન કરવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે કહ્યું કે, ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓનો પર્દાફાશ થયા પછી સરકાર સત્તાસ્થાને રહે એવું ફક્ત ભારતમાં જ શક્ય છે. પણ આ દેશમાં કાળાં નાણાંના ઢગલાં ખડકીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરનાર બાબાઓ, કાબાઓ અને ગુરુ ઘંટાલો સરકાર સામે આંદોલન કરી શકે એ પણ શક્ય નથી? 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભ્રષ્ટાચારી જ છે. આ દેશમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે. પણ સવાલ નૈતિકતાનો છે. આપણા પોતાના ઘર કાચના બનેલા હોય ત્યારે બીજાના ઘર પર પત્થર ફેંકવાનું કેટલું યોગ્ય છે? બીજા લોકોને પ્રામાણિકતાના પાઠ ભણાવતા પહેલા આપણે પોતે ઇમાનદાર હોવા જોઈએ અને બાબા રામદેવ ભ્રષ્ટાચારનો ઘુઘવાતો દરિયો છે. તેમના અબજો રૂપિયાના સામ્રાજ્યના પાયામાં કાળું નાણું છે. તેમને સરકાર સામે આંદોલન કરવાનો અધિકાર જ નથી. તેઓ પોતે કાણાં નાણાંનો અસ્ખલિત સ્રોત છે. ચાલો, તેમની કેટલીક કરતૂતો વિશે જાણકારી મેળવીએ. 

યોગગુરુ નહીં કરચોર નંબર વન

સરકારને ભ્રષ્ટાચારી કહેનાર રામદેવ દેશના સૌથી મોટા કરચોરોમાં સામેલ છે. ડેવિડ ધવન કરચોર નંબર વન ફિલ્મ બનાવવાનું વિચારતાં હોય તો તેમાં મુખ્ય અભિનેતા તરીકે સૌથી ઉપયુક્ત નટ બાબા રામદેવ જ છે. રામદેવની કરચોરીનો પર્દાફાશ ઉત્તરાખંડના હરિદ્વારા વેચાણવેરા વિભાગે વર્ષ 2004માં કર્યો હતો. એ સમયે બાબા રામદેવે યોગગુરુ સ્વરૂપે પ્રસિદ્ધ થઈ રહ્યાં હતા. ચારે તરફ તેમની ચર્ચા હતી. ટીવી ચેનલો તેમની પાસેથી રૂપિયા લઈને તેમની આરતી ઉતારતી હતી. દેશના અલગ-અલગ શહેરોમાં તેમની યોગ શિબિરોમાં પગ મૂકવાની જગ્યા મળતી નહોતી. તેમના ઉદ્યોગસાહસ દિવ્ય ફાર્મસીની દવાઓ પર લોકો તૂટી પડ્યા હતા. જેને જરૂર હતી એ તો ખરીદતા જ હતા, પણ કેટલાંક દોઢ ડાહ્યાંઓએ સાવેચતીના ભાગરૂપે તેનું સેવન કરવાની શરૂઆત કરી દીધી હતી. પણ તમને ખબર છે કે નાણાકીય વર્ષ 2004-05માં રામદેવની આ કંપનીએ કેટલા રૂપિયાનું વેચાણ દેખાડ્યું હતું? 

ફક્ત રૂ.6,73,000. એ સમયે રામદેવના હરિદ્વાર આશ્રમમાં રોગીઓના ટોળાં જામતાં હતાં. પોસ્ટઓફિસ મારફતે પણ લાખો રૂપિયાની દવાઓ દેશવિદેશમાં મોકલવામાં આવતી હતી. રામદેવની લીલાઓ જોઈને ઉત્તરાખંડના વેચાણવેરા વિભાગને આ આંકડો ખોટો હોવાની શંકા ગઈ એટલે હરિદ્વારની પોસ્ટઓફિસ પાસેથી માહિતી માંગવામાં આવી. તેમાંથી જે આંકડા મળ્યાં તેને જોઈને વેચાણવેરા અધિકારીઓને તો પાક્કી ખાતરી થઈ ગઈ કે બાબા રામદેવ ન તો સાધુ છે, ન સંત છે, પણ પાક્કો વેપારી છે. એ ગુરુ નથી, ગુરુ ઘંટાલ છે. પોસ્ટઓફિસના આંકડા મુજબ, એ વર્ષે રામદેવની દિવ્ય ફાર્મસીએ 3,353 પાર્સલો મારફતે 2,509.256 કિલોગ્રામ માલ બહાર મોકલ્યો હતો. આ ઉપરાંત રૂ.13,13,000 મૂલ્યના વીપીપી પાર્સલ રવાના થયા હતા. એ જ વર્ષે ફાર્મસીને રૂ.17,50,000ના મની ઓર્ડર પણ મળ્યા હતા.તમામ આંકડાઓનો આધારે વેચાણવેરા વિભાગના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સેલ (એસઆઇટી)એ દિવ્ય ફાર્મસીની વિવિધ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તેમાં વેચાણવેરાની ચોરી મોટા પાયે પકડાઈ. આ દરોડા પાડવામાં મુખ્ય ભૂમિકા જગદીશ રાણા નામના વેચાણવેરા અધિકારીએ ભજવી હતી. તેઓ એ સમયે હરિદ્વારના વેચાણવેરા વિભાગમાં ડેપ્યુટી કમિશનર હતા. તેમના કહેવા મુજબ, એ વર્ષે ગુરુ ઘંટાલ રામદેવે રૂ.પાંચ કરોડના વેચાણવેરાની ચોરી કરી હતી. તેઓ આ કરચોરી કેવી રીતે કરે છે? 

સામાન્ય રીતે કંપનીઓ કરચોરી કરવા માટે પોતાના પરિવારના સભ્યોના નામે ટ્રસ્ટ બનાવતાં હોય છે. રામદેવે પણ અનેક ટ્રસ્ટોની માયાજાળ રચી છે. તેમની દવાઓનું ઉત્પાદન કરતી કંપની દિવ્ય્ ફાર્મસી વેચાણવેરો ન ભરવો પડે એટલે દવાઓના સ્ટોકને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દે છે. વર્ષ 2004માં દિવ્ય ફા્ર્મસીએ વેચાણવેરા વિભાગને જેટલી રકમનું વેચાણ દેખાડ્યું હતું, તેના કરતાં પાંચ ગણા મૂલ્યની એટલે કે રૂ.30,17,000ની દવાઓ 'દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ'ને ટ્રાન્સફર કરી હતી. આ ટ્રસ્ટનું સંચાલન બાબા રામદેવના લાલિયા, બાલિયા અને પાલિયા જ કરે છે. આવકવેરાના રિટર્નમાં બાબા રામદેવે જણાવ્યું કે આ દવાઓ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વહેંચવામાં આવે છે. હકીકતમાં આ દવાઓનું વેચાણ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ દ્વારા થતું હતું અને એ પણ તગડા ભાવે. રામદેવ ગરીબોના નામ આ પ્રકારના જુદાં જુદાં ટ્રસ્ટ ચલાવે છે અને દિવ્ય ફાર્મસી આ ટ્રસ્ટોને દવાઓનો મોટો સ્ટોક ટ્રાન્સફર કરે છે, જેથી વેચાણવેરો ભરવો ન પડો. તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તરાખંડના વેચાણવેરા વિભાગમાં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલી યોગપીઠ ટ્રસ્ટનું હજુ સુધી રજિસ્ટ્રેશન પણ થયું નથી. નિયમ પ્રમાણે, રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કોઈ પણ ટ્રસ્ટ કોઈ ચીજવસ્તુનું વેચાણ કરી ન શકે. પણ આ ટ્રસ્ટોમાંથી દરરોજ લાખો રૂપિયાની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લાં થોડા વર્ષ દરમિયાન દિવ્ય ફાર્મસીએ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ અને અન્ય સ્થાનોમાં અબજો રૂપિયાની દવાઓનો સ્ટોક ટ્રાન્સફર કર્યો છે, જેના વેચાણ પર વેચાણવેરો ભરવો જરૂરી છે. અહીં સવાલ એ થાય છે કે, બાબા રામદેવ આ કાળાં નાણાંનું કરે છે શું? બાબા રામદેવે આ નાણાંમાંથી ઉત્તરાખંડના હરિદ્વારમાં જમીનનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. (ક્રમશઃ)

1 comment:

કેશવ said...

વિદ્વાન મિત્ર:
આપે આ લેખ પ્રકાશીત કરી ભારતની અને ગુજરાતની મહાન સેવા કરી છે. આવો પ્રકાશ પડતા રહો તેવી અભિલાષા. અભાર.
કેશવ