Sunday, April 1, 2012

આઝાદી અગાઉ અને આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને જ વિકાસ થયો છે


સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ની બીજી ઇનિંગ્સ શરૂ થઈ પછી એક પછી એક કૌભાંડો પરથી પર્દાફાશ થઈ રહ્યો છે. ટુજી સ્પેકટ્રમ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ, અંતરિક્ષ-દેવાસ કૌભાંડ, કોલસા કૌભાંડ અને હવે અનાજ કૌભાંડ...ગુજરાત સરકારના ગોટાળા પણ કેગના અહેવાલમાં બહાર આવી રહ્યાં છે. પણ ભારતીયોને ભ્રષ્ટાચારની નવાઈ ન લાગવી જોઈએ. આ દેશનો ઇતિહાસ જુઓ તો તમને ખ્યાલ આવશે કે રાજકારણીઓએ સૌથી વધુ કામગીરી કરી હોય તો એ ભ્રષ્ટાચાર કરવાની છે. આપણા મોટા ભાગના શાસકો ભ્રષ્ટાચારી જ હતા અને આ દેશનો એક પણ રાજકીય પક્ષ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. સર્વસામાન્ય માન્યતા એવી છે (સામાન્ય રીતે આ પ્રકારની માન્યતાઓ ખોટી જ હોય છે) કે આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી છે. કહેવાનો અર્થ એ છે કે આઝાદી અગાઉ દેશમાં ભ્રષ્ટાચાર નહોતો. હકીકતમાં આ એક ભ્રમ છે. આપણે અત્યારે જેટલાં ભ્રષ્ટ છીએ એટલા જ ભ્રષ્ટાચારી આઝાદી અગાઉ પણ હતા. ખરેખર તો આઝાદી અગાઉ અને આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચારીઓ અને કાળાં બજારિયાઓનો જ વિકાસ થયો છે.

1937માં છ રાજ્યોમાં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં મદ્રાસ, સંયુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર અને ઓરિસ્સામાં સંપૂર્ણ બહુમતી મળી હતી અને તેનું મંત્રીમંડળ રચાયું હતું. અન્ય બે રાજ્યો બોમ્બે અને ઉત્તર-પશ્ચિમી પ્રાંતમાં કોંગ્રેસે ગઠબંધન સરકાર રચી હતી. ત્યારે કોંગ્રેસના પ્રધાનોએ ગાંધીજીના તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દીધા હતા. તેઓ કોંગ્રેસના પ્રધાનોના આચરણો અને ગોટાળથી વ્યથિત થઈ ગયા હતા. તેમણે 1939માં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભયંકર ભ્રષ્ટાચાર સાથે સમજૂતી કરવાને બદલે સંપૂર્ણ કોંગ્રેસને દફન કરવા હું કોઈ પણ હદે જઈશ.જવાહરલાલ નેહરુ પણ દુઃખી થઈ ગયા હતા.તેમણે બળાપો કાઢતાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓને અને કાળા બજારિયાઓને જાહેરમાં ફાંસના માંચડે લટકાવી દેવા જોઈએ. જોકે દેશ આઝાદ થયો પછી તેમના શાસનકાળમાં તેમણે કોઈ ભ્રષ્ટાચારીને ઊની આંચ આવવા દીધી નહોતી એ સત્ય હકીકત છે.

ચાચાજી નહેરુના શાસનકાળની શરૂઆતમાં જ એ ડી ગૌરવાલાએ યોજના પંચના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, નહેરુના મંત્રીમંડળમાં કેટલાંક પ્રધાન ભ્રષ્ટ છે. આ વાતની પુષ્ટિ સંથાનમ સમિતિએ વર્ષ 1964માં કરી હતી. તેમાં સંથાનમે લખ્યું હતું કે, છેલ્લાં 16 વર્ષ દરમિયાન (1948થી 1964 દરમિયાન) કેટલાંક પ્રધાન ગોટાળા કરીને જ ધનિક થઈ ગયા છે. નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ જ જીપ કૌભાંડનો પર્દાફાશ સંસદમાં કર્યો હતો અને નેહરુ મહોદયને તેમના જમાઈ બહુ પસંદ નહોતા એ જગજાહેર વાત છે. તેમના પછી તેમના દિકરી ઇન્દિરા ગાંધી સત્તા પર આવ્યા અને મોરારજી દેસાઈએ તેમને ભ્રષ્ટાચારના ગંગોત્રી ગણાવ્યા. ગાંધી પરિવારનો વારસો રાજીવ ગાંધી અને નરસિંહ રાવે આગળ વધાર્યો. તેમની સરકારે ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી દીધી અને વર્ષ 1995 સુધીમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચારનું સ્વરૂપ ગ્રહણ કરી લીધું હતું. નરસિંહરાવની ગોડમેન ચંદ્રાસ્વામી અને શસ્ત્રોનો સોદાગાર અદનાન ખગોશી સાથેની મૈત્રી બહુ જાણીતી છે. (રાવે દેશના અર્થતંત્રને સમાજવાદની બેડીઓમાંથી મુક્ત કરાવવાનું સાહસિક કદમ ઉઠાવ્યું હતું અને આ બાબતે દેશ તેમનો કૃતજ્ઞ રહેશે). આ લોકો સરકારની નીતિમાં પણ હસ્તક્ષેપ કરતા હતા. ભૂતપૂર્વ ગૃહ સચિવ એન એન વોહરાએ 1995માં લખ્યું હતું કે માફિયાઓ સમાંતર સરકાર ચલાવી રહ્યાં છે.

એ પછી ભાજપ સત્તામાં આવ્યું. એણે દેશની રાજનીતિની ચાલ, ચારિત્ર્ય અને ચહેરો બદલવાનો દાવો કર્યો હતો. પણ તેમણે કોંગ્રેસને પણ શરમાવે તેવા પરાક્રમો કર્યા. એનું એક ઉદાહરણ જોઈએ. તહેલકા નામના જાણીતા અંગ્રેજી સાપ્તાહિકે વાજપેયી સરકારમાં શસ્ત્રોની દલાલીનો ભાંડો ફોડ્યો ત્યારે આ સરકારે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીઓ કરવાને બદલે પત્રકારોને જ જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં તહેલકાને ફાઇનાન્સ કરતી કંપની ફર્સ્ટ ગ્લોબલ પર ભાજપની સરકારે એટલા બધા દરોડા પડાવ્યાં કે એણે દેવાળું ફૂંક્યું. એ સમયે ભાજપના પ્રમુખ બંગારુ લક્ષ્મણને લાંચ લેતાં ટીવીના પર્દે બધાએ જોયા. પણ તેઓ અત્યારે પણ છૂટથી ફરે છે. એ જ રીતે આ ભ્રષ્ટાચારી જનતા પક્ષ અર્થાત્ ભાજપનો બીજો ચહેરો દિલીપસિંહ જુદેવ છે. તેઓ પણ સરેઆમ લાંચ લેતા ઝડપાઈ ગયા અને પૈસા ખુદા તો નહીં પર ખુદાસે કમ ભી નહીં એવો તેમનો સંવાદ એક અંગ્રેજી અખબારની હેડલાઇન પણ બન્યો હતો. પણ ભ્રષ્ટાચારી જનતા પક્ષે તેમને શિરપાવ આપી સાંસદ બનાવ્યાં.

હકીકતમાં કોંગ્રેસ હોય કે ભાજપ, આ બધા ચોરના ભાઈ ઘંટીચોર છે. ખરેખર આપણો દેશ દંભીઓનો છે. આપણે એક મોંએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ગાળો ભાંડીએ છીએ, પણ સાથેસાથે કામ કઢાવવા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપીએ છીએ. સૌપ્રથમ આપણે આપણું ચારિત્ર્ય બદલું જોઈએ. હકીકતમાં આ ભ્રષ્ટાચારીઓ આપણું જ પ્રતિનિધિત્વ કરે છે....

1 comment:

vkvora Atheist Rationalist said...

vaah !!! Vah !!!!


ફર્સ્ટ ગ્લોબલ પર ભાજપની સરકારે એટલા બધા દરોડા પડાવ્યાં કે એણે દેવાળું ફૂંક્યું.

હકીકતમાં કોંગ્રેસ હોય કે ભાજપ, આ બધા ચોરના ભાઈ ઘંટીચોર છે. ખરેખર આપણો દેશ દંભીઓનો છે. આપણે એક મોંએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ગાળો ભાંડીએ છીએ, પણ સાથેસાથે કામ કઢાવવા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપીએ છીએ.