Monday, April 2, 2012

શેર, સાધારણ શેર અને પ્રેફરન્સ શેર


કોઈ કંપનીની કુલ મૂડીને નાના-નાના અનેક ભાગમાં વહેંચવામાં ત્યારે દરેક ભાગને શેર કહેવામાં આવે છે અને આ શેર જેના નામે હોય કે જેની માલિકીનો હોય તેને શેરધારક કહેવાય છે. શેરધારક કંપનીમાં હિસ્સેદાર ગણાય છે. અત્યારે ૧૦ અને ૧૦૦ રૂપિયાના શેર પ્રચલિત છે. એક ઉદાહરણ જોઈએ. ધારો કે, કોઈ કંપનીની કુલ મૂડી રૂ. ૪૦ કરોડ છે અને તેને રૂ.૧૦ના હિસ્સામાં વિભાજીત કરવામાં આવે તો એ કંપની પાસે ચાર કરોડ શેર હશે.
સામાન્ય રીતે શેર કે સ્ટોક મુખ્યત્ત્વે બે પ્રકારના હોય છેઃ

(૧) સાધારણ શેર
(૨) પ્રેફરન્સ શેર

સૌપ્રથમ સાધારણ શેર વિશે જાણકારી મેળવી. કોઈ કંપનીના ઇક્વિટી શેરને સાધારણ શેર કહેવાય છે. આ પ્રકારના શેરધારકો કંપનીની માલિકીમાં હિસ્સો ધરાવે છે, જે તેમના પાસેના શેરના હિસ્સાને અનુરૂપ હોય છે. તેઓ પરોક્ષ રીતે મેનેજમેન્ટમાં ભાગ પણ લે છે. તેઓ કંપનીની સાધારણ ર્વાિષક સભામાં ભાગ લઈ શકે છે અને કંપનીના ર્આિથક વ્યવહારોની જાણકારી મેળવી શકે છે. તેઓ કંપનીના બોર્ડમાં ડાયરેક્ટર્સની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પણ ધરાવે છે. આ મતાધિકાર તેમના શેરના હિસ્સાને અનુરૂપ હોય છે. તેઓ કંપની પાસેથી ડિવિડન્ડ મેળવે છે. કંપની તમામ પ્રકારના ખર્ચની ચૂકવણી કર્યા પછી બાકી રહેતા નફામાંથી શેરધારકોને ડિવિડન્ડની વહેંચણી કરે છે. આવો, હવે પ્રેફરન્સ શેર વિશે જાણીએ.

પ્રેફરન્સ શેર એવા શેર છે જે જાહેર જનતાને મળતાં નથી. સામાન્ય રીતે કોઈ પણ કંપની આ પ્રકારના શેર તેના પ્રમોટર્સ કે પ્રમોટર્સના સગાસંબંધીઓ કે મિત્રોને આપે છે. આ પ્રકારના શેરની ખરીદીનો ફાયદો એ છે પ્રેફરન્સ શેરધારકોને સાધારણ શેરધારકો અગાઉ ડિવિડન્ડ મળી જાય છે. બીજું, કોઈ કંપની દેવાળું ફૂંકે ત્યારે તેની સ્થાવર અને જંગમ સંપત્તિનું વેચાણ કરીને સૌપ્રથમ ચૂકવણી તેના લેણદારોને કરવામાં આવે છે. આ ચૂકવણી પછી રકમ બાકી રહે તો પછીની ચૂકવણી પ્રેફરન્સ શેરધારકોને કરવામાં આવે છે અને તેમની મૂડી પરત કરવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિમાં સૌથી છેલ્લી ચૂકવણી સાધારણ શેરધારકોને કરવામાં આવે છે. એટલે કંપની નાદારી નોંધવે તો સૌથી છેલ્લે સાધારણ શેરધારકોને તેમની મૂડી પરત કરવામાં આવે છે. પણ સાધારણ શેરધારકોની જેમ પ્રેફરન્સ શેરધારકોને મતાધિકાર મળતો નથી.

No comments: