સંતાનવૃદ્ધિને મર્યાદામાં મૂકવાની જરૂર છે એ બાબતમાં તો બે અભિપ્રાય હોઈ જ ન શકે. પણ તેનો એકમાત્ર માર્ગ જમાનાઓ થયા આપણને વારસામાં અપાયેલો સંયમ - બ્રહ્મચર્ચ - છે. એ એક રામબાણ ઉપાય છે અને તેના પાલન કરનારનું તે કલ્યાણ કરે છે. દાક્તરી વિદ્યાવાળા જનનમર્યાદા માટે કૃત્રિમ સાધનોની શોધો કરવાને બદલે જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો સદાના માટે મનુષ્યજાતિના સદા માટે આશીર્વાદ મેળવશે.
કૃત્રિમ સાધનો એ દુરાચારને ઉત્તેજન આપવા જેવું છે. પુરુષને તેમ જ સ્ત્રીને તે આંધળાંભીંત કરી મૂકે છે. અને આ ઉપાયોને જે પ્રતિષ્ઠા અપાઈ રહી છે તેથી સામાજિક માન્યતાઓને જે કંઈ દાબ માણસ ઉપર રહે છે તેને પણ ઊડતાં વાર નથી લાગવાની. કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા જ ઊપજે. રોગ કરતાં ઇલાજ જ વધુ ઘાતક નીવડવાનો.
પોતાના કર્મના ફળમાંથી બચી જવાની કોશિશ કરવી એ ખોટું છે, અનીતિમય છે. જે અકરાંતિયો થઈ વધુ ખાઈ લે તેને પેટમાં ચૂંક આવે અને પછી ઉપવાસ કરવો પડે એ જ સારું છે. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકી દઈ ભૂખ ઉપરાંત ઠાંસીને ખાઈ લીધા પછી તેના કુદરતી પરિણામમાંથી બચવા ખાતર પાચક ઓસડ લેવાં એ ખોટું છે. પણ માણસ પોતાની પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના પરિણામમાંથી બચી જાય એ તેથીયે જુદું છે. કુદરત કોઈની દયા ખાતી નથી અને પોતાના નિયમોના ઉલ્લંઘનનું પૂરેપૂરું ભાડું લે છે. સાત્વિક અને શુભ પરિણામ તો વાસનાઓના નિગ્રહથી જ મેળવી શકાય. બીજા બધા ઉપાયોનાં પરિણામ વિષમ જ આવે.
ગાંધીગંગાઃ કૂતરાંબિલાડાંની પેઠે થતી પ્રજાવૃદ્ધિ બેશક અટકાવવી જોઈએ
No comments:
Post a Comment