Saturday, April 28, 2012

અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં કોણે સંડોવ્યા?


તમને સૌથી વધુ નફરત કોણ કરે છે? 
તમને સૌથી વધુ કોણ ધિક્કારે છે? 
તમારી સૌથી વધુ અવગણના કોણ કરે છે?
તમારા સારા કામની પ્રશંસા થતી હોય ત્યાંથી ચૂપચાપ સરકી કોણ જાય છે?
તમારું કામ સારું ન દેખાય પણ ભૂલો ઊડીને આંખે વળગે એવી તક તરત જ કોણ ઝડપી લે છે?

આ પાંચેય પ્રશ્રોનો જવાબ એક જ છેઃતમારા પ્રતિભાથી અસુરક્ષિતતા અનુભવતી વ્યક્તિ, તમારા કરતાં ઊંચો હોદ્દો ધરાવતી, પણ ઓછી કાબેલિયત ધરાવતી વ્યક્તિ. અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં કોણે સંડોવ્યા? અમિતાભના સંદર્ભમાં ઉપરોક્ત પ્રશ્રોનો વિચાર કરીએ. 1990ના દાયકામાં અમિતાભ બચ્ચને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની અસીમ લોકપ્રિયતાથી કોણ ડરતું હતું? તેમને સૌથી વધુ નફરત કોણ કરતું હતું? તેમની કાર્યનિષ્ઠાની ઇર્ષા કોને હતી? તેમની રાજીવ ગાંધી સાથેની નિકટતા કોની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી? તેમના સારાં કામ કોણ સાંખી શકતું નહોતું? તેમની અવગણના કોણ કરતું હતું? આ તમામ જવાબો પણ તમને એક જ વ્યક્તિ તરફ દોરી જાય છે અને એ વ્યક્તિથી છેઃવી પી સિંહ.

1990નો એ દાયકાના એ અંતિમ વર્ષો હતાં. એ વખતે હું પાંચમા ધોરણમાં ભણતો હતો અને પહેલી વખત 'કાળો અંગ્રેજ'  શબ્દ કાને પડ્યો હતો. દિવ્યાની ટીચર ગુજરાતી વિષયનો પીરિયડ લેતાં હતાં અને અચાનક એક પત્થર અમારા ક્લાસમાં પડ્યો.  તેના પર કાગળ વીંટાળેલું હતું અને વિદ્યાર્થીઓને છોડી દેવાની ધમકી આપી હતી. સવારે સાડાઆઠ વાગે જ સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા અને બહાર આવીને જોયું તો કોલેજિયનો વી પી સિંહની નનામી બાળતાં હતાં. તેઓ વી પી સિંહને કાળો અંગ્રેજ કહેતા હતા. તેમની  આંખોમાં આક્રોશ હતો. અનામત આંદોલનની આગ આખા દેશમાં ભભૂકી ઉઠી હતી. દેશને અનામતની આગમાં હોમી દેનાર આ જ વી પી સિંહે અમિતાભ બચ્ચનનું નામ જાણીજોઈને બોફોર્સ પ્રકરણમાં સંડોવ્યું હતું. અમિતાભ બચ્ચને જે રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો એ જોઈને જ વી પી સિંહ ધ્રુજી ગયા હતા. અમિતાભને 1982માં 'કૂલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન પેટમાં ઇજા થઈ ત્યારે અમિતાભની લોકપ્રિયતા વિશે વી પી સિંહે સાંભળ્યું હતું. પણ અમિતાભે અલ્હાબાદમાં લોકસભાની ચૂંટણીમાં જે રીતે વિજય મેળવ્યો તેને જોઈને વી પી સિંહની આંખો ફાટી ગઈ હતી.

ઇન્દિરા ગાંધીની હત્યા થઈ પછી રાજીવ ગાંધી વડાપ્રધાન થયા હતા અને તે તેમના જિગરજાન મિત્ર અમિતાભ બચ્ચનને પણ રાજકારણમાં ખેંચી લાવ્યા હતા. 1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે રાજીવ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની જવાબદારી સંભાળતા વી પી સિંહને અલ્હાબાદની બેઠક પરથી ટિકિટ આપવા આદેશ કર્યો હતો. પણ વી પી સિંહ કોઈ પણ સંજોગોમાં અમિતાભને ટિકિટ આપવા તૈયાર નહોતા. વાત એમ હતી કે અલ્હાબાદમાં એ બેઠક પરથી ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારતીય લોકદળના ઉમેદવાર હેમવંતી નંદન બહુગુણાએ ઉમેદવારી નોંધાવી હતી. વી પીએ કમને અમિતાભને ટિકિટ આપી, પણ તેમને એમ હતું કે બહુગુણા સામે અમિતાભ હારી જશે. પણ પરિણામ આવ્યું તો તેઓ ચકિત થઈ ગયા. હેમવંતી નંદન બહુગુણાની ડીપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ઉત્તરપ્રદેશના રાજકારણમાં સોપો પડી ગયો હતો. બહુગુણા ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને તેમની સામે અમિતાભને 68 ટકા મત મળ્યાં હતાં. ઉત્તરપ્રદેશમા રાજા તરીકે જાણીતા વી પીને પણ આટલી જંગી સરસાઈ સાથે વિજય મળ્યો નહોતો. અમિતાભના વિજયની ઉજવણી આખા ઉત્તરપ્રદેશે કરી હતી. અલ્હાબાદમાં અમિતાભનું વિજય સરઘર જોઈને અને રાજીવ ગાંધીના અમિતાભ પ્રત્યેના પ્રેમને જોઈને વી પી સમસમી ગયા હતા. તેમણે રાજીવને અમિતાભથી દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. તેનું એક ઉદાહરણ જોઈએ.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ પછી રાજીવ ગાંધી દેશમાં વિવિધ સ્થળે જતાં હતાં અને સભાઓ સંબોધતા હતા. આવી જ એક સભામાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ હતા. સભામાં મંચ પર રાજીવ ગાંધી બોલવા ઊભા થયા ત્યારે જનતાએ તેમને બોલવા ન દીધા અને અમિતાભને સાંભળવાનો આગ્રહ કર્યો. રાજીવ ગાંધીએ પ્રેમથી માઇક અમિતાભના હાથમાં આપી દીધું અને રેલી પૂર્ણ થયા પછી અમિતાભને કહ્યું હતું કે, તને તારી લોકપ્રિયતાનો અંદાજ નથી, મને છે! રાજીવ ગાંધી અને અમિતાભના સંબંધોમાં અહંકાર ક્યારેય આડખીલીરૂપ બન્યો નહોતો, વી પી સિંહે પ્રયાસો કર્યા હોવા છતાં. એ રેલીની જાણકારી મળ્યાં પછી વી પી સિંહે તેમના ચમચાઓ વતી રાજીવ ગાંધીની કાનભંભેરણી કરી હતી. તેમણે રાજીવ ગાંધીને પરોક્ષ રીતે ચેતવ્યા હતાં કે, તેઓ આ રીતે અમિતાભને આગળ વધારશે તો ભવિષ્યમાં રાજીવને હાંસિયામાં ધકેલીને અમિતાભ દેશના વડાપ્રધાન બની જશે. આ વાત સાંભળીને રાજીવ ગાંધી હસી પડ્યાં હતાં અને કહ્યું હતું કે, તો વી પી સિંહ રાજકારણ છોડી દેશે! વી પી સિંહ સહિત કોંગ્રેસના કેટલાંક નેતાઓને અમિતાભ પ્રત્યે ખુન્નસ છે તે રાજીવ જાણતા હતા.

રાજીવ ગાંધીના વડાપ્રધાન પદના કાર્યકાળ હેઠળ વી પી સિંહ નાણાં પ્રધાન હતા અને તેમણે તેમના મંત્રાલયનો દૂરપયોગ રાજીવ ગાંધીના જ મિત્રો પર દરોડા પડાવવા કર્યો હતો. તેમાં ધીરુભાઈ અંબાણી પણ હડફેટે ચડી ગયા હતા. હકીકતમાં વી પી સિંહ અંદરખાને રાજીવ ગાંધીને વડાપ્રધાન પદને લાયક ગણતા જ નહોતા (વી પી સિંહ એવું માનતા હતા કે તેઓ એકમાત્ર દેશના વડાપ્રધાન બનવાને લાયક છે, બાકી બધા નાલાયક!)  તેઓ રાજીવ ગાંધીને ધિક્કારતાં હતાં, પણ સત્તામાં રહેવા રાજીવ ગાંધીના હાથ નીચે કામ કરવા કમને તૈયાર થયા હતા. આ દરમિયાન અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ અને કોંગ્રેસમાં અમિતાભની લોકપ્રિયતા વધી રહી હતી. રાજીવ ગાંધી પણ અમિતાભથી ખુશ હતા. અમિતાભ અલ્હાબાદના સાંસદ તરીકે સારું કામ કરતાં હતાં એટલે વી પી અને ઉત્તરપ્રદેશમાં તેમના માણસોના પેટમાં તેલ રેડાયું હતું. વી પી અઠંગ રાજકારણી હતા. તેઓ જાણતા હતા કે ઉગતા રાજકારણીને નાથવો હોય તો એ જ્યાંથી ચૂંટણી લડ્યો હોય એ જ વિસ્તારમાં તેને ધૂળ ચટાડવી. તેમણે અલ્હાબાદમાં જ અમિતાભની સાંસદ તરીકેની છબી ખરડાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા અને સાંસદ તરીકે અમિતાભને મળતું ભંડોળ લગભગ સ્થગિત કરાવી દીધું હતું. અલ્હાબાદમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન સુપરસ્ટારે હોસ્પિટલો, શાળા, કોલેજે વગેરે લોકોપયોગી સંસ્થાઓ સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. પણ કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર પાસેથી ભંડોળ ન મળતાં અમિતાભ બચ્ચન અલ્હાબાદમાં જનોપયોગી કાર્યો આગળ ધપાવી શકતા નહોતા. બીજી તરફ વી પીના જ માણસોએ અમિતાભ વિરૂદ્ધ અલ્હાબાદમાં પ્રચાર શરૂ કરી દીધો હતો. તેઓ અમિતાભની રાજકીય યાત્રાને અલ્હાબાદમાં જ અટકાવી દેવા ઇચ્છતા હતા.

અમિતાભને આ વાતની જાણકારી મળી હતી તેમ છતાં તેમણે રાજીવ ગાંધીને વી પી સિંહ વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરી નહોતી. પણ રાજીવ ગાંધીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વી પીને આકરી ભાષામાં તેમની ઔકાત દેખાડી દીધી હતી. એ વખતે વી પી સમસમી ગયા હતા, પણ ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ ગાળામાં હોવિત્ઝર તોપ ખરીદવા માટે ભારત સરકારે બોફોર્સ એબી કંપની સાથે સોદો કર્યો હતો. તેમાં રાજીવ ગાંધી સહિત બીજા કેટલાંકે રૂ.64 કરોડની કટકી કરી હોવાના આરોપ મૂકાયા. એ સમયે રાજીવ ગાંધી સંરક્ષણ પ્રધાન હતા અને વી પી સિંહને તેમની મહત્વાકાંક્ષા સંતોષવાની તક મળી ગઈ. તેમણે દેશની જનતા સામે સારું દેખાડવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીને બદનામ કરવાની એક પણ તક ન છોડી. બોફોર્સ મામલો આખા દેશમાં ગજાવ્યો અને 1984માં વિક્રમી બહુમતી સાથે ચૂંટાઈ આવેલી કોંગ્રેસને 1989માં વિરોધ પક્ષની પાટલી પર બેસવાની ફરજ પડી. અત્યારે બોફોર્સ મામલે અમિતાભ બચ્ચનને કોણે સંડોવ્યા તેવો પ્રશ્ન પૂછી સંસદમાં ધમલ મચાવે છે એ જ ભાજપે વી પી સિંહને બહારથી ટેકો આપીને વડાપ્રધાન બનાવ્યા.

વડાપ્રધાન આવ્યા પછી તેમણે પહેલું કામ રાજીવ ગાંધી અને તેમના સાથીદારોને હેરાન-પરેશાન કરવાનું કર્યું. તેઓ જાણતા હતા કે તેમના મજબૂત હરિફ રાજીવ ગાંધી જ છે. તેમણે અમિતાભ બચ્ચનું નામ જાણીજોઈને આ મામલમાં સામેલ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. તેઓ એક તીર વડે બે નિશાન તાકવા માગતા હતા. એક, આખો મામલો અખબારો છવાયેલો રહે અને બે, અમિતાભ ફરી અલ્હાબાદથી સાંસદની ચૂંટણી લડે તો તેમને હરાવવા એક મજબૂત બહાનું મળી જાય. પણ અમિતાભ તેમની આ રાજરમત સમજી ગયા હતા. તેમણે સાંસદ તરીકે રાજીનામું આપી દીધું...


ચલતે-ચલતેઃ હું રાજકારણમાં ઝીરો છું - અમિતાભ બચ્ચન

No comments: