Saturday, April 7, 2012

`સરદાર' અને 'મૂર્ખના સરદાર' વચ્ચે ફરક છે...


ઉન્માદ અને આવેશ અસામાન્ય મનોસ્થિતિ છે. સમાજ આવી અસાધારણ મનોસ્થિતિમાં આવી જાય ત્યારે પ્રજા ગાંડીઘેલી થઈ જાય છે. આવી પ્રજાને ભરમાવવી બહુ સહેલી છે. ક્યારેક ધર્મના નામે તો ક્યારેક જાતિના નામે પ્રજા ભરમાઈ જાય છે અને તેમને દ્રષ્ટિભ્રમમાં નાંખતા રાજકારણીઓ લાંબો સમય શાસન કરવામાં સફળ નિવડે છે. આ સંજોગોમાં પ્રજા રાજકારણ અને રાજનીતિ વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. જનતા સરદાર અને મૂર્ખના સરદાર વચ્ચેનો ફરક ભૂલી જાય છે. પણ રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે ફરક છે. રાજકારણ લોકપ્રિય શબ્દ છે જ્યારે રાજનીતિજ્ઞ સન્માનજનક શબ્દ છે. રાજકારણી લોકપ્રિય હોય છે, પણ રાજનીતિજ્ઞ તો સન્માનિય હોય છે.

અત્યારે રાજકારણ અને રાજકારણી શબ્દ અત્યંત લોકપ્રિય અને પ્રચલિત છે. સામાન્ય રીતે આપણે રાજકારણીને રાજનીતિજ્ઞ માનીએ છીએ અને રાજનીતિજ્ઞને રાજકારણી માનીએ છીએ. ઓક્સફર્ડ ડિક્શનરીમાં રાજકારણી (Politician) અને રાજનીતિજ્ઞ (Statesman)નો સ્પષ્ટ અર્થ સમજાવવામાં આવ્યો છે. આ શબ્દકોશ મુજબ, રાજકારણી એટલે એવી વ્યક્તિ જે પોતાના ફાયદા માટે કે સત્તા મેળવવા સંગઠનમાં જુદી જુદી સ્થિતિનો ઉપયોગ કરવામાં માહેર હોય (Politician = a person who is good at using different situations in an organization to try to get power or advantage for himself or herself). આ વ્યાખ્યા સ્પષ્ટપણે રાજકારણીનો અર્થ સ્પષ્ટ કરે છે. તેમાં રાજકારણીનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે તેમનો હેતુ સત્તા મેળવવાનો કે પોતાનો હિત સાધવાનો હોય છે. આ પ્રકારના વ્યક્તિઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પોતાને પક્ષ કે સંગઠનથી પર સમજતા હોય છે. વ્યક્તિગત સ્વાર્થ સાધવા આ પ્રકારની વ્યક્તિઓ દેશ અને દેશની જનતાના હિતનું બલિદાન આપવા માટે જરાય ખચકાટ અનુભવતા નથી. જ્યારે રાજનીતિજ્ઞ માટે દેશનું હિત સર્વોપરી હોય છે.

ઓક્સફર્ડ ડિક્શનરીમાં રાજનીતિજ્ઞનો અર્થ જણાવતા કહેવામાં આવ્યું છે કે, રાજનીતિજ્ઞ એવી વ્યક્તિ છે જે શાણી, અનુભવી અને સન્માનિત રાજકીય નેતા છે (Statesman = a wise, experienced and respected political leader). અહીં રાજનીતિજ્ઞના ત્રણ ગુણો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યાં છે. આ પ્રકારની વ્યક્તિ શાણી, અનુભવી અને સન્માનને પાત્ર હોય છે. તમને શાણી વ્યક્તિ અને સ્વાર્થી વ્યક્તિ વચ્ચેનો ભેદ ખબર હોય તો રાજકારણી અને રાજનીતિજ્ઞને સરળતાથી સમજી શકો. સ્વાર્થી વ્યક્તિ સફળ હોઈ શકે છે, પણ તેને શાણી વ્યક્તિ ન કહી શકાય. સ્વાર્થી રાજકારણી પોતાનો સ્વાર્થ સાધવા કાવાદાવા કરીને આગળ વધી શકે છે. એ દેશની જનતાને ભરમાવીને લાંબો સમય સુધી શાસન પણ કરી શકે છે. તમે તેને સફળ કહી શકો પણ શાણો નહીં. શાણો રાજકારણી એ છે કે જે કોઈ પણ પગલું ભરતા અગાઉ પોતાના દેશ અને સમાજનો વિચાર કરે છે. માત્ર પોતાના સ્વાર્થ ખાતર કે સત્તા મેળવવા એ ક્યારેય કોઈ કદમ ઉઠાવતો નથી. સરદાર પટેલ શાણાં રાજકારણી હતા. તેઓ રાજનીતિજ્ઞ હતા. તેમના રાજકારણમાં દેશહિત સર્વોપરી હતું. તેઓ સત્તાપિપાસુ નહોતા. ગાંધીજીએ નેહરુને વડાપ્રધાન બનાવ્યા ત્યારે તેમણે ધાર્યું હોત તો બળવો કરીને વડાપ્રધાન બની શક્યા હોત. પણ તેમણે સત્તા કરતાં દેશહિત મહત્વનું છે એવો સંદેશ આપ્યો.

રાજનીતિજ્ઞનો સૌથી મહત્વનો ગુણ છે કે દેશની જનતામાં તેના પ્રત્યે સન્માન હોવું. સન્માનિત વ્યક્તિ લોકપ્રિય હોય છે, પણ લોકપ્રિય વ્યક્તિ હંમેશા સન્માનિત હોતી નથી. ગાંધી, સરદાર અને જયપ્રકાશ લોકપ્રિય હોવાની સાથે સન્માનિત પણ હતા. તેમનું જીવન અનેક દેશવાસીઓ માટે આદર્શ સમાન છે. તેમના ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. તેમના સિદ્ધાંતો દિવાદાંડી સમાન છે. તેની સામે દેશમાં અત્યારે અનેક રાજકારણીઓ લોકપ્રિય છે, પણ તેમાંથી એક પણ સન્માનને પાત્ર નથી. તેમનું જીવન પ્રંપચોથી ખદબદે છે. ખુશામતિયાઓથી ઘેરાયેલા આ રાજકારણીઓએ પ્રત્યે જનતામાં ધૃણા છે. તેઓ પોતાની સત્તા જાળવવા પોતાના જ પક્ષ અને દેશના હિતની બલી ચડાવી રહ્યાં છે. તેઓ પોતાનું હિત જાળવવા દેશના વિવિધ વર્ગોને એકબીજા સાથે લડાવી રહ્યાં છે....પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના સબકો સન્મિત દે ભગવાન....

No comments: