Saturday, April 28, 2012

બાબા રામદેવઃ ગુરુ નહીં ગુરુઘંટાલ...


કાળાં નાણું કેવી રીતે બને છે? સામાન્ય રીતે કરવેરામાં ચોરી કરીને ઊભી કરવામાં આવેલી રકમ અને ટ્રસ્ટને દાનપેટે મળેલા રૂપિયામાંથી કાળું નાણું બને છે. આ ધનનું રોકાણ ઉદ્યોગોમાં કરવામાં આવે છે અને તેમાંથી ઊભી થનારી રકમને દેશની જમીન અને હીરા-ઝવેરાતમાં રોકવામાં આવે છે. તેમ છતાં કાળું નાણું વધે તો તેને ચોરીછૂપી વિદેશોમાં મોકલી દેવામાં આવે છે. બાબા રામદેવે તેમના કાળાં નાણાંમાંથી મોટા પાયે જમીનની ખરીદી કરી છે. હકીકતમાં બાબા રામદેવ ભગવા વસ્ત્રોની આડમાં જમીનદાર જ છે, જેમણે પોતાના આડતિયાઓ, ટ્રસ્ટો અને સંસ્થાઓના નામે અબજો રૂપિયાની જમીન પર કબજો કરી લીધો છે.

રામદેવે આચાર્ય બાલકૃષ્ણ, દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટના નામે દિલ્હી-માણા નેશનલ હાઈવે પર હરિદ્વાર અને રુડકી વચ્ચે શાંતરશાહ નગર, બઢેડી, રાજપૂતાના અને બોંગલામાં મોટા પાયે જમીન ખરીદી છે. અહીં 23.798 હેક્ટર જમીન પર પતંજિલ ફેઝ-1, ફેઝ-2 અને પતંજલિ વિશ્વવિદ્યાલય બની છે.

શાંતરશાહ નગર અને તેની આસપાસ રામદેવની 1000 વીઘાથી વધારે જમીન છે. પણ આ ગુરુઘંટાલ રામદેવના આડતિયાઓ અને ટ્રસ્ટોના નામે ફક્ત 30 વીઘા જમીન નોંધાયેલી છે. આ જમીનની ખરીદી કાળાં નાણામાંથી જ થઈ છે. બાબાના ચાટુકરશિરોમણી આચાર્ય બાલકૃષ્ણના પીએનું નામ ગગનકુમાર છે. તેમનો પગાર મહિને રૂ.8,000 છે અને તેમણે 15 જાન્યુઆરી, 2011ના રોજ શાંતરશાહ નગરમાં 1.446 હેક્ટર જમીન ખરીદી છે. આ જમીનની ખરીદી રૂ.35 લાખમાં કરવામાં આવી છે જ્યારે તેનો બજારભાવ ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા છે. આ અગાઉ ગગને રુડકી તાલુકાના બાબલી-કલન્જરી ગામમાં રૂ.1.37 કરોડની જમીન ખરીદી હતી જ્યારે તેના સાચા બજારભાવ રૂ.15 કરોડથી વધારે છે. આ રીતે રામદેવે હરિદ્વારની આસપાસ અબજો રૂપિયાની જમીન ખરીદી છે. મહિને રૂ.8,000નો પગાર ધરાવતા ગગન પાસે જમીન ખરીદવા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા?

શાંતરશાહ નગર, બઢેડી, રાજપૂતાના અને બોંગલામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યા પછી રામદેવની નજર હરિદ્વારની ઔરંગાબાદ ન્યાય પંચાયત પર પડી. આ પંચાયતમાં રાજાજી રાષ્ટ્રીય પાર્કની સરહદ પર સ્થિત ઔરંગાબાદ અને શિવદાસપુર ઉર્ફે તેલીવાલા ગામ સામેલ છે. ઉત્તરાખંડના જમીન સંબંધિત કાયદા અનુસાર રાજ્યની બહારનો કોઈ પણ વ્યક્તિ કે ટ્રસ્ટ રાજ્યમાં 250 ચોરસ મીટરથી વધારે કૃષિલક્ષી જમીન ખરીદી ન શકે. જ્યારે જુલાઈ, 2008માં ઉત્તરાખંડની ભાજપ સરકારે રામદેવે નિયમોમાં તમામ છીંડાનો ઉપયોગ કરીને ઔરંગાબાદ, શિવદાસપુર વગેરે ગામમાં રામદેવને 75 હેક્ટર જમીન ખરીદવાની મંજૂરી આપી હતી. એ પછી તો એકલા ઔરંગાબાદ ગામમાં જ બાબાના ટ્રસ્ટ અને તેમની ચમચામંડળીએ સામ,દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને 2,000 વીઘા જમીન પર કબ્જો કરી લીધો છે. એ જ રીતે શિવદાસપુર ગામમાં રામદેવના પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટે 2,325 વીઘા જમીન પર કબ્જો કરી લીધો છે.

હરિદ્વારમાં રામદેવના સામ્રાજ્યનું ત્રીજું કેન્દ્ર પદાર્થા-ઘનપુરા ગ્રામસભાની આસપાસ છે. અહીં રામદેવે મુસ્તફાબાદ, ઘનપુર, ઘિસ્સુપુરા, રાનીમાજરા અને ફેરુપુરા મૌજામાં જમીનોની મોટા પાયે ખરીદી કરી છે. આ જમીન પતંજલિ આયુર્વેદ લિમિટેડના નામે ખરીદવામાં આવી છે. સરકારે આ જમીન પર ઔષધિ નિર્માણ અને આયુર્વેદિક સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવાના આશય સાથે મંજૂરી આપી હતી. પણ પાછળથી અહીં ફૂડ પાર્ક લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. આ પાર્ક 700 વીઘા જમીન પર કાર્યરત છે. ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના રાજ્યોમાં રામદેવની છાપ સંત કે યોગગુરુ જેવી છે જ નહીં. તેને ઉત્તર ભારતીયો ગુરુઘંટાલ, દલાલ કે જમીનદાર તરીકે જ કહે છે. કેટલાંક લોકો તો તેને રાજકારણીઓના કાળાં નાણાંને સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખાવે છે. એટલે જ તેમને ભ્રષ્ટાચાર સામેની લડતમાં જોઈએ તેવું સમર્થન મળતું નથી અને નહીં જ મળે.

1 comment:

Bapu Kathiyavadi said...

But why are you against him. Whatever he is doing but his cause against black money is right. Are you paid Congrasee