Friday, February 12, 2010

ગૉડફાધર....



પ્રકરણ-1

અમેરિગો બોનાસેરા ન્યૂયોર્કની ત્રણ નંબરની ક્રિમિનલ કોર્ટમાં બેસીને ન્યાય મળવાની રાહ જોતો હતો. તે તેની પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરનાર યુવાનોને જેલના સળિયા પાછળ ધકેલવા માગતો હતો. તેના હ્રદયમાં બદલાની આગ ભભૂકી રહી હતી.

બંને યુવાનો બેન્ચની સામે ઊભા હતા. ન્યાયાધીશ તેમની સામે ધૃણાસ્પદ આંખો સાથે જોઈ રહ્યાં હતાં, પણ બોનાસેનાને તેમની આંખોમાં સચ્ચાઈ ઓછી ને દંભ વધારે દેખાતો હતો.

''તમે બંનેએ જંગલી જાનવર જેવું કૃત્ય કર્યું છે,'' ન્યાયાધીશ બોલ્યો.

હા, હા. બોનાસેનાએ વિચાર્યું-તે બંને જાનવર છે, જાનવર!

બંને યુવાનોનું માથું શરમથી ઝૂકી ગયું.

ન્યાયાધીશ આગળ બોલ્યો, ''ઈશ્વરનો પાડ માનો કે તમે યુવતી પર બળાત્કાર કર્યો નથી, નહીં તો હું તમને બંનેને વીસ-વીસ વર્ષ જેલના સળિયા પાછળ ધકેલી દેત.'' તેણે ખચકાટ સાથે બોનાસેર સામે જોયું અને પછી આગળ બોલ્યો, ''પણ આ તમારો પહેલો ગુનો છે, હજુ તમારા બંનેની ઉંમર નાની છે, તમે બંને સારા પરિવારના સંતાનો છો અને કાયદાનું કામ બદલો લેવાનું નથી, એટલે હું તમને બંનેને ત્રણ વર્ષની સજા ફટકારું છું. પણ આ સજા તમે બીજો કોઈ ગુનો કરશો અને તમને પકડીને ફરી અદાલતમાં હાજર કરવામાં આવશે ત્યારે લાગૂ પડશે.''

બોનાસેરાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેની સુંદર યુવાન પુત્રી તૂટેલા જડબા સાથે હજુ હોસ્પિટલમાં હતી અને આ બંને જાનવરોને છોડી મૂકાયાં હતાં. આ તો કેવો ન્યાય? તેણે યુવાનોના માતાપિતાઓને બહુ પ્રેમથી પોતાના લાડકા પુત્રોને ભેટતાં જોયાં. તેઓ હસી રહ્યાં હતાં.

બોનાસેરા પોતાની કમનસીબી પર કપાળ કૂટતો અદાલતમાં ઊભો હતો. બંને યુવાનો અટ્ટહાસ્ય કરતાં તેની પાસેથી પસાર થયા. પછી તેમના માતાપિતા-બે પુરુષ, બે સ્ત્રી-તેની સામેથી પસાર થઈ ગયા. તેમના ચહેરા પર શરમનો ભાવ હતો, પણ આંખો વિજયના ઉલ્લાસથી ચમકી રહી હતી.

બોનાસેરા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો. તે તેમની સામે ફરીને રુંધાયેલા અવાજ સાથે જોરથી બોલ્યો, ''જે રીતે હું રડ્યો છું, તે જ રીતે તમે રડશો. તમારા બાળકોએ મને રડાવ્યો છે તેવી જ રીતે હું તમને રડાવીશ.''

તે લોકો તેમના વકીલો સાથે આગળ વધી ગયા. ખબર નહીં, તેમણે બોનાસેરાનો વિલાપ સાંભળ્યો હતો કે નહીં...

અમેરિગો બોનાસેરા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતો હતો. કાયદા અને વ્યવસ્થામાં તેને અપાર શ્રદ્ધા હતી. પણ હવે તેનું રોમેરોમ બદલાની આગ ભભૂકી ઊઠી હતી. તેને રિવૉલ્વર ખરીદવાનું અને તે બંને જંગલી યુવાનોને શૂટ કરી દેવાનું તેને મન થતું હતું. તે તેની પત્ની તરફ ફર્યો અને બોલ્યો, ''આ લોકોએ તો આપણને મૂર્ખ બનાવ્યા.''

તેણે તરત જ એક નિર્ણય લીધો અને બોલ્યો, ''હવે આપણે ન્યાય મેળવવા ડૉન કારલિયોનની અદાલતમાં ધા નાખવી પડશે.''

* * * * *

જોની ફોન્ટેન લોસ એન્જિલસમાં પોતાની હોટલના એક ઓરડામાં હતાશ પતિની જેમ નશામાં ધૂત થઈને પડ્યો હતો. સવારના ચાર વાગ્યા હતા અને તે તેની દગાબાજ પત્નીનું ખૂન કરવાના ખતરનાક મનસૂબા ઘડવાનો વિચાર કરવા પ્રયાસ કરી રહ્યો હતો. પણ તે પહેલા ઘરે તો આવે. આટલી વહેલી સવારે તે તેની પ્રથમ પત્નીને ફોન કરીને બાળકો વિશે પૂછપરછ કરવા માગતો નહોતો અને તેનું ભવિષ્ય અંધકારમય બનવાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે તે તેના મિત્રોને પણ ફોન કરવા માગતો નહોતો. એક સમયે તે કોઈને સવારે ચાર વાગે ફોન કરતો ત્યારે તેઓ ખુશ થતા હતા, પણ હવે તેઓ જોનીથી કંટાળી ગયા હતા.

તેણે સ્કૉચનો એક વધુ ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો.

તેની પત્ની આવી ગઈ અને તેની સામે આવીને ઊભી રહી. તે અપ્સરા જેવું સુંદર શરીર ધરાવતી હતી. ફિલ્મના પડદે તે વધારે માદક લાગતી હતી. ફિલ્મીરસિકો મારગોટ એશ્ટનને પડદા પર જોવા આતુર રહેતા હતા.

''ક્યાં ગઈ હતી?'' જોનીએ પૂછ્યું.

''કોઈની સાથે રાત રંગીન બનાવવા,'' એશ્ટને જવાબ આપ્યો.

પણ તેણે જોનીના નશાનો ખોટો અંદાજ લગાવ્યો હતો. જોનીએ કોકટેલ ટેબલને એક બાજુ ધક્કો માર્યો અને જોરથી તેનું ગળું પકડી લીધું. પછી મારગોટે હસવાની બીજી ભૂલ કરી. જોનીએ તેના ચહેરા પર જોરથી મુક્કો માર્યો તો તેણે જોરથી રાડ પાડીને કહ્યું, ''જોની, ચહેરા પર નહીં. ફિલ્મની શૂટિંગ ચાલુ છે.''

તે હસતી હતી. જોનીએ તેના પેટમાં મુક્કો માર્યો અને તે ફર્શ પર ઢળી પડી. તે તેની ઉપર પડ્યો. પછી તેણે મારગોટની ધોલાઈ શરૂ કરી. પણ તેના પ્રહારમાં કોઈ દમ નહોતો. તે હસતી હતી. તેના બંને પગ પહોળા થઈ ગયા હતા અને તેનો પોશાક જાંઘની બહુ ઉપર સરકી ગયો હતો. તે હસીને જોનીને ઉશ્કેરતી હોય તેમ બોલી, ''આવ, આવ. તારી તાકાત અજમાવ. તું તે જ ઇચ્છે છે ને!''

જોની ઊભો થઈ ગયો. તેને ફર્શ પર પડેલી સ્ત્રી પ્રત્યે નફરત હતી, પણ તેની અપાર સુંદરતા એક જાદુઈ ઢાલનું કામ કરતી હતી. પછી મારગોટ પણ ઊભી થઈ ગઈ અને બાળકની જેમ નાચવા લાગી. તે બોલી, ''જોની, તું બાળક છે, અક્કલનો કાચો છે. તું એમ માને છે કે જે કઢંગી ગીતો તું ગાય છે તેમાં કોઈ સ્ત્રી સાથે રાત રંગીન કરવા જેવો જ આનંદ મળે. બિચારો જોની. બાય બાય જોની.''

તે તેના બેડરૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

જોની ફર્શ પર બેસી ગયો. તેણે તેના બંને હાથમાં તેનો ચહેરો છુપાવી દીધો. પછી તેણે ન્યૂયોર્ક તે માણસ પાસે પાછાં જવાનો નિર્ણય કર્યો, જેની પાસે તેને જરૂર હતી તેવી શક્તિ અને સમજણ બંને હતા.

તે માણસ હતો તેનો ગૉડફાધર કારલિયોન....

* * * * *

બેકર નાજોરિનના શરીર પર લોટ ચોટી ગયો હતો. તેણે તેની પત્ની, તેની પુત્રી કેથરિન અને તેના નોકર એન્જો સામે જોયું. એન્જોએ યુદ્ધબંદીઓનો ડ્રેસ પહેર્યો હતો અને ત્યાંનું વાતાવરણ ભારે હતું. બેકર તેને ગર્વનરના ટાપુ પર પાછું રવાના કરાવી ન દે તેવા ડરથી તે ધ્રુજતો હતો. તે એ હજારો ઇટાલિયન કેદીઓમાંનો એક હતો, જેને દિવસે કોઈ કામધંધો કરવાની મંજૂરી મળી હતી. આ છૂટછાટ તેની પાસેથી છીનવાઈ ન જાય તેવો ડર સતત તેને સતાવતો હતો. તે સમયે ત્યાં એક ગંભીર બાબતે ચર્ચા થઈ રહી હતી.

નાજોરિને ક્રોધિત સ્વરે પૂછ્યું, ''તે મારા ખાનદાનની આબરુ પર કલંક લગાડી દીધું છે? તું મારી છોકરીના પેટમાં કોઈ યાદગાર નિશાની છોડવા માગતો નથી ને? તને ખબર છે ને કે હવે લડાઈ પૂરી થઈ ગઈ છે એટલે અમેરિકાની સરકાર તને લાત મારીને ફરી સિસલી ભેગો કરી દેશે?''

એન્જાએ તેના હ્રદય પર હાથ રાખ્યો અને રડમસ ચહેરે બોલ્યો, ''હું સોગંધ ખાઈને કહું છું કે મેં તમારા ઉપકારોને ગેરલાભ ક્યારેય લીધો નથી. હું તમારી દિકરીને પ્રેમ કરું છું. હું તેની સાથે લગ્ન કરવા માગું છું. હું જાણું છું કે આવો કોઈ હક મારી પાસે નથી. મને ઇટાલી ભેગો કરી દેવામાં આવશે તો હું ક્યારેય અમેરિકા પાછો નહીં ફરી શકું અને હું કેથરિન સાથે ક્યારેય લગ્ન નહીં કરી શકું.''

નાજોરિનની પત્ની ફિલામેનાએ સીધી વાત કરી, ''આ મૂર્ખતા છોડ.'' તેણે પોતાના પતિને કહ્યું, ''એન્જોને અહીં જ રાખો. આને આપણા ભાઈઓ સાથે લોંગ આઇલેન્ડમાં ભેગી કરી દો.''

કેથરિન રડતી હતી. તે સામાન્ય રંગરૂપ ધરાવતી જાડી છોકરી હતી અને નાની મૂંછો પણ તેને ફૂટી હતી. એન્જો જેવો સુંદર પતિ તેને ક્યારેય મળવાનો નહોતો.

''હું ઇટાલીમાં રહીશ,'' તે જોરથી બોલી, ''તમે લોકોએ એન્જોને અહીં ન રાખ્યો તો હું નાસી જઈશ.''

નાજોરિને પોતાની છોકરી સામે જોયું. તેણે કામ દરમિયાન ઘણી વખત પોતાની છોકરીને તેના નિતંબ એન્જોના પાટલૂનના આગળના ભાગે ઘસતી જોઈ હતી. નાજોરિને વિચાર્યું, કોઈ યોગ્ય કદમ ઉઠાવવામાં નહીં આવે તો એન્જો તેની નિશાની છોડી જશે. એન્જોને અમેરિકામાં રાખવો અને તેને અમેરિકાની નાગરિકતા અપાવવી જરૂરી હતું.

અને આવી વ્યવસ્થા કરી શકે તેવો એક જ માણસ હતો.

ગૉડફાધર. ડૉન કારલિયોન.

(મિત્રો, મારિયો પુઝોની પ્રસિદ્ધ નવલકથા ગૉડફાધરનો અનુવાદ મૂકવાની શરૂઆત કરી છે. તેને ચાલુ રાખવો કે નહીં તેના વિશે જરા પણ ખચકાટ વિના અભિપ્રાય આપવા વિનંતી....)

2 comments:

Manan said...

કેયુરભાઈ ખુબ જ સરસ પહેલ કરી છે આપે....મહેરબાની કરી ને ચાલુ જ રાખજો...બીજા પ્રકરણની રાહ માં જ છું..ભાષા પણ સરળ છે....ખરેખર સરાહનીય....

Rajni Agravat said...

હા, ચાલુ રાખજો પણ સાથે સાથે (આદત મુજબ)એક સલાહ આપુ તો આવી રીતે સારા સારા પુસ્તકોના અનુવાદ કરીને (બ્લોગ ઉપરાંત)પબ્લીશ કરવાનું કંઇક વિચારો ને.