Saturday, February 13, 2010

ગૉડફાધર (2).....


પ્રકરણ 2

ઓગસ્ટ, 1945ના છેલ્લા અઠવાડિયામાં મિસ કોન્સટેન્જિયા કારલિયોનના લગ્નનું આમંત્રણ તે લોકો અને અન્ય અનેક લોકોને મળી ગયું હતું. નવવધુનો પિતા ડૉન વીટો કારલિયોન પોતાના મિત્રો અને પડોશીઓને ભૂલ્યો નહોતો. જોકે તે પોતે અત્યારે લોંગ આઇલેન્ડ પર એક આલીશાન ઘરમાં રહેતો હતો. તેમાં જ રિસેપ્શન યોજાયું હતું અને તે આખો દિવસ ચાલવાનું હતું. જાપાન સાથેની લડાઈ પૂરી થઈ ગઈ હતી એટલે આનંદ-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવા માટે વધુ મોજીલું વાતાવરણ હતું.

તે શનિવારે ડૉન કારલિયોનના દરબારમાં હાજરી પુરાવા તેના મિત્રો ન્યૂયોર્ક શહેરથી આવવા લાગ્યા. દરેક મહેમાન નવવધુ માટે એક યા બીજી ભેટ લાવ્યા હતા, જે એ વાતનું પ્રતિક હતી કે તે લોકો ગૉડફાધર પ્રત્યે કેટલું માન ધરાવે છે, તેઓ ડૉન પ્રત્યે કેટલા સમર્પિત છે.

ડૉન વીટો કારલિયોનની મદદ મેળવવા તમામ પ્રકારના લોકો આવતાં હતાં અને કોઈને ક્યારેય નિરાશા થવું પડતું નહોતું. તે પોકળ વચનો આપતો નહોતો કે પોતે બહુ વ્યસ્ત હોવાનો ડોળ કરતો નહોતો. તમારે તેની મદદ લેવી હોય તો તે તમારો મિત્ર છે કે નહીં તે જરૂરી નહોતું કે તમે તેના અહેસાનોનો બદલો ચૂકવી શકો તેવી સ્થિતિમાં છો કે નહીં તે વાત પણ મહત્વપૂર્ણ નહોતી. બસ, તમે તેના પ્રત્યે અતૂટ મિત્રતાની જાહેરાત કરો, તેને સંપૂર્ણ વફાદાર થઈ જાવ. પછી મહેમાન ગમે તેટલો ગરીબ અને નિઃસહાય કેમ ન હોય, ડૉન કારલિયોન તેની મુસીબત પોતાના માથે લઈ લેતો. તે એ માણસની સમસ્યાના સમાધાન આડે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવા દેતો નહોતો.

તે દિવસે, પોતાની પુત્રીના લગ્નના દિવસે, ડૉન કારલિયોન લોંગ આઇલેન્ડ પર સ્થિત મકાનના દરવાજે મહેમાનોનું સ્વાગત કરવા ઊભો હતો. તેમાંથી અનેક મહેમાનો પોતાની વર્તમાન સુખસાહેબી માટે ડૉન વીટો કારલિયોનના અહેસાનમંદ હતા અને તે પ્રસંગે ડૉનને 'ગૉડફાધર' કહેવાની છૂટ લઈ રહ્યાં હતાં. બારટેન્ડર તેનો જૂનો સાથીદાર હતો, જેની મદિરા અને સેવાઓ દરેક મહેમાનો માટે ઉપલબ્ધ હતી અને આ જ તેની નવવધુને ભેટ હતી.

ડૉન કારલિયોન દરેક મહેમાનોનું સ્વાગત કરતો હતો. પૈસાદાર કે ગરીબ, શક્તિશાળી કે સામાન્ય માણસ, તેના મનમાં દરેક મહેમાન માટે એકસમાન પ્રેમ હતો. તે કોઈને નાનપ અનુભવવા દેતો નહોતો અને તે જ તેની વિશેષતા હતા.

તેના ત્રણ પુત્રોમાં બે પુત્ર તેની સાથે દરવાજા પર ઊભા હતા. મોટા પુત્રનું નામ સાનતીનો હતું, પણ તેના પિતા સિવાય બધા તેને સોનીના હુલામણા નામે બોલાવતા હતા. સોની ઘાટા વાળવાળો છ ફૂટ લાંબો નવયુવાન હતો. તેનો ચહેરો કામદેવ જેવો સુંદર હતો. તે બળદ જેવો શક્તિશાળી હતો અને કુદરતે તેને બળદ જેવા એક અંગની ભેટ પણ ધરી હતી તે વાત બધા જાણતા હતા. તેના કારણે જ તેની પત્નીને તેની સાથે સહશયન કરવામાં ડર લાગતો હતો. એવું કહેવાતું હતું કે કિશોરાવસ્થામાં તે કોઈ વેશ્યાલયમાં જતો ત્યારે ત્યાંની સૌથી વધારે અનુભવી વેશ્યા પણ તેનું અંગ-ઉપાંગ જોયા પછી તરત જ બમણો ભાવ માગતી હતી.

આજે પણ અનેક સ્ત્રીઓ આશાસ્પદ અરમાનો સાથે સોનીને જોઈ રહી હતી. પણ તે વિશિષ્ટ દિવસે તે તેમનો સમય જ વેડફતી હતી. સોની કારલિયોન પોતાની પત્ની અને ત્રણ બાળકોની હાજરીમાં પણ નવવધુની સહેલી લ્યુસી મેનસિનીને શિકાર બનાવવા એક યા બીજી રીતે તેની આગળપાછળ ફરતો હતો. લ્યુસી પણ સોનીના ઇરાદા સારી રીતે જાણી ગઈ હતી. તે જાણીતી હતી કે સોનીનું હ્રદય પણ તેના જગપ્રસિદ્ધ અંગ-ઉપાંગ જેટલું જ મોટું છે. પણ તેનું હ્રદય તેના પિતા જેટલું નરમ નહોતું. તેનો સ્વભાવ ઉગ્ર હતો અને આ અવગુણને કારણે જ અનેક વખત ઉતાવળિયા નિર્ણય કરતો હતો. તે તેના પિતાના કામકાજમાં રસ દાખવતો હતો, પણ તેનામાં તેના પિતાના વારસદાર બનવાની ક્ષમતા છે કે નહીં તે વિશે અનેક લોકોને શંકા હતી.

બીજો પુત્ર ફ્રેડરિકો, જેનું હુલામણું નામ ફ્રેડ કે ફ્રેડો હતું, કહ્યાગરો અને પ્રામાણિક યુવાન હતો. દરેક ઇટાલિયન પોતાને ત્યાં ફ્રેડો જેવા પુત્ર માટે ઇશ્વરને પ્રાર્થના કરતાં હતાં. તે તેના મોટા ભાઈ જેટલો સુંદર અને આકર્ષક નહોતો, પણ તેનામાં અન્ય તમામ પારિવારિક ગુણ હતા. તે તેના પિતાનો જમણો હાથ હતો, ક્યારેય તેમની સાથે વાદવિવાદ કરતો નહોતો, ક્યારેય કૌભાંડનું સ્વરૂપ ધારણ થઈ શકે તેવા કોઈ કામ કરતો નહોતો. આ તમામ ગુણો હોવા છતાં અંડરવર્લ્ડની દુનિયાને ચલાવવા જરૂરી હ્રદય તેની પાસે નહોતું, જે ઠંડા કલેજે ક્રૂર નિર્ણયો લઈ શકે. તેની પાસે નેતૃત્વ માટે જરૂરી માટે જરૂરી ગુણો નહોતા એટલે તેના પિતાના વારસદાર બની શકે તેવી અપેક્ષા તેની પાસે પણ કોઈ રાખતું નહોતું.

ત્રીજો પુત્ર માઇકલ કારલિયોન પિતા અને ભાઈઓ સાથે ઊભો નહોતો. તે બગીચાના એક ખૂણામાં એક અલાયદી બેન્ચ પર બેઠો હતો. પણ ત્યાં પણ તેના પારિવારિક મિત્રોએ તેનો પીછો છોડ્યો નહોતો.

માઇકલ ડૉનનો સૌથી નાનો પુત્ર હતો અને એકમાત્ર વ્યક્તિ હતો જેણે ડૉનના પ્રસ્થાપિત માર્ગે ચાલવાનો ઇનકાર કરવાની હિમ્મત દાખવી હતી. તે સુંદર હતો, પણ તેની સુંદરતામાં યુવતીઓ જેવી કોમળતા હતી. એક વખત તો ડૉનને પોતાના આ નાના પુત્રની મર્દાનગી પર જ શંકા જાગી હતી. જોકે માઇકલ 17 વર્ષનો થતાં જ તે શંકા ખોટી સાબિત થઈ હતી.

હવે તે સૌથી નાનો પુત્ર પોતાના પરિવારથી અજાણ બનવા એક અલાયદી બેન્ચ પર બેઠો હતો. તેની પાસે તે અમેરિકન યુવતી બેઠી હતી, જેના વિશે બધાએ સાંભળ્યું હતું પણ આજે પહેલી વખત જોઈ હતી. આજે માઇકલે તેની ઓળખાણ બધા સાથે કરાવી હતી. કોઈ તેનાથી પ્રભાવિત થયું નહોતું. લોકોની નજરોમાં તે છોકરી બહુ પાતળી, વધારે પડતી રૂપાળી, યુવતીઓમાં જેટલી સમજણ હોવી જોઈએ તેના કરતાં વધારે સમજદાર અને તેના હાવભાવ કોઈ કુંવારી કન્યા કરતાં વધારે પડતાં સ્વતંત્ર હતા. તેનું નામ પણ લોકોના કાનને ખૂંચે તેવું હતું-કે એડમ્સ.

દરેક મહેમાને જોયું હતું કે ડૉન પોતાના ત્રીજા પુત્ર પ્રત્યે કોઈ વિશેષ ધ્યાન આપતો નહોતો. લડાઈ પહેલા માઇકલ તેમનો સૌથી પ્રિય પુત્ર હતો અને ડૉનના વારસદાર તરીકે તેની પસંદગી થઈ ગઈ હતી. ડૉને તેના દાદામાં જોયા હતા તે તમામ ગુણ માઇકલમાં હતા. પણ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તે તેના પિતાના આદેશની અવગણના કરી લશ્કરમાં ભરતી થઈ ગયો.

એક પારકી સરકાર માટે પોતાનો પુત્ર યુદ્ધમાં શહીદ થઈ જાય તેવું ડૉન ઇચ્છતો નહોતો. માઇકલ લશ્કરમાં ન જોડાઈ શકે તે માટે તેણે પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, પણ તે પરિપક્વ હોવાથી પિતાની ઇચ્છા વિરૂદ્ધ લશ્કરમાં જોડાઈ જતાં તેને કોઈ રોકી ન શક્યું. તે યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડ્યો અને ઘણા મેડલ મેળવ્યાં. લશ્કરમાં કેપ્ટન પદ સુધી પહોંચ્યો. તેની બહાદુરીના કિસ્સા લાઈફ સામાયિકમાં પણ પ્રકાશિત થયા. મિત્રોએ તેને ડૉનને દેખાડ્યાં, જેણે જવાબમાં માત્ર એટલું જ કહ્યું, ''આટલી બધી બહાદુરી તેણે પારકી સરકાર અને પારકા લોકો માટે કર્યા.''

માઇકલ કારલિયોન 1945માં લશ્કરમાંથી નિવૃત્ત થયો ત્યારે તેને તો જાણ જ નહોતી કે તેને વહેલી નિવૃત્તિ અપાવવામાં પણ તેના પિતાનો હાથ છે. તે થોડા અઠવાડિયા ઘરમાં રહ્યો અને પછી કોઈને પૂછ્યાં વિના હનોવર, હૈમ્પશાયરની ડાર્ટમાઉથ કોલેજમાં ભરતી થઈ ગયો. આ રીતે તેણે એક વખત ફરી તેના પિતાનું ઘર છોડી દીધું. હવે તે તેની બહેનના લગ્નમાં અને તેની ભાવિ પત્નીની ઓળખાણ લોકો સાથે કરાવવા ત્યાં આવ્યો હતો.

માઇકલ મહેમાનો વિશે કે એડમ્સને જણાવી રહ્યો હતો. તે પણ રસપૂર્વક તેને સાંભળતી હતી. છેલ્લે તેની નજર એક નાના જૂથ પર પડી જે ઘરના એક ખૂણે ઊભું હતું. તે હતા અમેરિગો બોનાસેરા, બેકર નાજોરિન, એન્થોની કપોલા અને લ્યુકા બ્રાસી. એડમ્સે જોયું કે તે ચારેય વ્યક્તિ બહુ ખાસ આનંદમાં હોય તેવું લાગતું નહોતું. તેણે આ વાત માઇકલને કરી.

માઇકલ હસતાં-હસતાં બોલ્યો, ''તે ચારેય મારા પિતાને અલાયદાં મળવાની રાહ જોઈ રહ્યાં છે. તેઓ મારા પિતાની મહેરબાની મેળવવા માગે છે.''

તે ચારેયની નજર સતત ડૉન કારલિયોનનો પીછો કરતી હતી.

ત્યારે એક કાળી શેવરોલ સેદાન ત્યાં આવી. તેમાંથી બે માણસ બહાર નીકળ્યાં અને ત્યાં ઊભેલી ગાડીના નંબર નોંધવા લાગ્યા. ડૉને તેમના પર ધ્યાન ન આપ્યું, પણ સોની ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.

તે પોતાના પિતા તરફ ફર્યો અને બોલ્યો, ''તે લોકો ચોક્કસ પોલીસવાળા છે.''

''મને ખબર નથી,'' ડૉન કારલિયોને ઉડાઉ જવાબ આપ્યો અને બોલ્યા, ''આ વિસ્તાર મારા પરમ પૂજ્ય પિતાજીનો નથી. તે લોકો ગમે તે કરી શકે છે.''

સોનીનો કામદેવ જેવા પર ચહેરા પર ક્રોધ ફરી વળ્યો.

''સાલ્લો હરામી!'', તે ગણગણાટ કરતો હોય તેમ ધીમેથી બોલ્યો, ''આને કોઈ વાતનું ભાન જ નથી.''

તે ત્યાંથી નીકળ્યો અને ઘરના દાદરા ઉતરી કાળા રંગની સેદાન ઊભી હતી ત્યાં પહોચી ગયો. તે ગુસ્સામાં ડ્રાઇવરના મોં પાસે મોં લઈ ગયો, પણ ડ્રાઇવર પર તેની કોઈ અસર ન થઈ. તેણે પોતાનું પાકીટ કાઢ્યું અને તેને ખોલી તેમાં લીલા રંગનું આઇડેન્ટિટી કાર્ડ સોનીને દેખાડ્યું.

સોની એક પણ શબ્દ બોલ્યા વિના પાછળ હટ્યો, તે જોરથી સેદાન પર થૂંક્યો અને પાછો ફર્યો. તેને આશા હતી કે ડ્રાઇવર ભડકીને તેની પાછળ પડશે, પણ એવું કંઈ ન થયું. સોની તેના પિતા પાસે પાછો આવ્યો.

''એફબીઆઈના અધિકારીઓ છે,'' તેણે પિતાને જણાવ્યું. ડૉન કારલિયોન તે વાત અગાઉથી જાણતા હતા, પણ સોનીને તેની ખબર નહોતી. આ કારણે જ ડૉને તેના ખાસ અને અંગત મિત્રોને અગાઉથી સાવચેત કરી દીધા હતા અને તેમને પોતાની માલિકીની ન હોય તેવી કારમાં આવવાની સૂચના આપી હતી.

આ કારણે સોનીનું ભડકવું ગેરવાજબી હતું. ત્યાં એફબીઆઈના અધિકારીઓની હાજરીથી તેના કોઈ પણ મહેમાન પર મુસીબત આવવાની નહોતી કે કોઈને નુકસાન થવાનું નહોતું.

ત્યારે ઘરની પાછળ બગીચામાં બેન્ડ વાગ્યો. બધા મહેમાનોનું આગમન થઈ ગયું હતું. ડૉન કારલિયોને ઘૂસણખોરોની વાતની કોઈ પરવા ન કરી અને પોતાના બંને પુત્ર સાથે રિસેપ્શનમાં ગયા.

(પ્રકરણ ત્રણ ગુરુવારે)

(મિત્રો, આ અનુવાદનો કોઈ વ્યાવસાયિક ઉદ્દેશ નથી. બ્લોગના મિત્રો અને મુલાકાતીઓ માટે અને તેનાથી પણ વિશેષ મારા શોખને સંતોષવા આ અનુવાદ શરૂ કરવામાં આવ્યો છે. તમને ગમે તો સાહિત્યપ્રેમી મિત્રોને આ અંગે જણાવવા અને શક્ય હોય તો ઇ-મેઇલ કરવા વિનંતી. નીચે ઇ-મેઇલનું સંકેત આપ્યો છે, જેના પર ક્લીક કરીને તમે અહીંથી જ તમારા મિત્રોને આ પોસ્ટ ઇ-મેઇલ કરી શકો છો. )

2 comments:

Nimesh Khakhariya said...

The translation of God Father is awesome. Its an interesting story and the writing is very good so one I start to read can’t stop it. After the one part of story I immediately start waiting for other part. Please continue it try to write one part daily. Thanks for providing us such a good content.

Anonymous said...

કેયુર ભાઈ , આજે જ આપના અનુવાદ ના બે ભાગ વાંચ્યા .....અફલાતુન છે , અપના કેટલાક હિન્દી માં લખેલા લેખો વાંચ્યા હમેશા ની જેમ અદ્ભુત રહ્યા.
તમારા લખાણ ના બંધાણી થતો જાવ છુ...અપના નવા લેખો નો ઈન્તેજાર રહશે .