Friday, May 29, 2009

અનિલ અંબાણીની હત્યાનું પહેલું ષડયંત્ર ચાર વર્ષ પહેલાં રચાયું ત્યારે...


10 જૂન, 2005. મુંબઈના તત્કાલિન પોલીસ વડા એ એન રૉય ઝડપથી બેલાર્ડ એસ્ટેટમાં સ્થિત રીલાયન્સ સેન્ટરમાં પહોંચ્યા. સેન્ટરના ત્રીજા માળે અનિલ અંબાણીની ઓફિસ છે. તેમને જોઇને છોટે અંબાણી અને તેમનો સ્ટાફ ચોંકી ગયો. સામાન્ય રીતે પોલીસ વડાને તેમના આગમનની આગોતરી જાણ કરવાની કોઈ જરૂર નહોતી, તેમ છતાં જે પરિસ્થિતિમાં તેઓ આવ્યાં હતા તેમાં તેમનું આગમન અનપેક્ષિત અને અસધારણ હતું. તે સમયે અનિલ અંબાણી અને તેમના બિગ બ્રધર મુકેશ અંબાણી વચ્ચે રીલાયન્સના વિભાજનને લઇને વિવાદ ચરમ સીમાએ હતો. આ સંજોગોમાં રૉયનું અચાનક આગમન કોઈ ખાસ બાબત હોવાનો ઇશારો કરતી હતી અને એવું જ હતું.

તેમણે જે વાત કરી તે સાંભળીને છોટે અંબાણી ચોંકી ગયા. રૉયના કહેવા મુજબ, દુબઈમાં રહેતો અંડરવર્લ્ડ ડૉન ઇકબાલ મિર્ચી અને મુંબઈમાં રહેતાં તેના સાથીદાર અનિલ અંબાણીની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. તેમની પાસે તેના પુરાવા પણ હતા. મુંબઈ પોલીસના પોલીસ અધિકારીઓએ અને જાસૂસી તંત્રએ ફોન પર થયેલી વાતચીતના કેટલાંક અંશ રેકર્ડ કર્યાં હતા. તેના પરથી તેઓ એવા તારણ પર આવ્યાં હતા કે, કોઈ વ્યક્તિ દાઉદના સાથીદાર મિર્ચીને આ કામ માટે મોં માંગી રકમ આપવા તૈયાર હતી.
પોલીસ અધિકારીઓએ થ્રીવે કોન્ફરન્સ કોલ રેકર્ડ કર્યા હતા। તેમાં બે લોકો ઉપરાંત મિર્ચીના મોટા ભાગના કેસ લડતો મુંબઈનો એક વકીલ પણ સામેલ હતો। રૉય ગયા પછી અનિલ અંબાણીએ માતા કોકિલાબહેન, પત્ની ટીના અંબાણી અને તેમના સૌથી વધુ વિશ્વસનિય બે સાથીદારોમાંથી એક અમિતાભ ઝુનઝુનવાલાને વાત કરી હતી.

આ વાતની જાણકારી અમેરિકામાં પોતાના બાળગોપાલ સાથે વેકેશનની મજા માણતા છોટે અંબાણીના એક સાથીદારને મળી ત્યારે તેણે મુંબઈ પાછાં ફરવાની તૈયારી દેખાડી. પણ ટીના અંબાણીએ વેકેશનની મજા માણીને પાછાં ફરવાની અને ચિંતા ન કરવાની સલાહ આપી. પણ ન્યૂયોર્કથી પાછાં ફર્યા બાદ આ અધિકારીને જાણવા મળ્યું કે, રૉય છોટે અંબાણીને મળીને ગયા પછી 48 કલાકમાં જ થ્રી-વે કોન્ફરન્સ કોલની ટેપ અને તેની વાતચીતનું લેખિત વિવરણ પોલીસ રેકર્ડમાંથી ગાયબ થઈ ગયા હતા. એટલું જ નહીં આ કૉલને સાંભળનાર અને તેના કેટલાંક અંશને રેકર્ડ કરનાર ક્રાઇબ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારી ધનંજય કમલાકરને આ કામથી દૂર કરી દેવાયા. આ કમલાકર એટલે કોણ?

કમલાકર અંડરવર્લ્ડની હાલચાલ પર નજર રાખવા અને મુંબઈમાં ગયા વર્ષે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કરને તૈયાર કરવા માટે જાણીતા છે. તેઓ તેમણે એકત્ર કરેલા પુરાવા વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે. આ પુરાવા હજુ પણ મુંબઈ પોલીસ પાસે હશે કે નહીં તે વિશે તેઓ ચૂપકીદી સેવી લે છે. શું અનિલ અંબાણીની હત્યાનું આ પહેલું ષડયંત્ર હંમેશા માટે કોયડો બનીને રહી જશે?

1 comment:

Nimesh Khakhariya said...

nice information with a very good writing. continue to give these type of information as u wrote the story of assasination of Rajiv Gandhi and the life of Prabhakarn. continue writing whole these things. Best Luck.