બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા અંગ્રેજોએ ભારતને કાયમ માટે અલવિદા કહી દેવાનો નિર્ણય લીધો. લોર્ડ માઉન્ટબેટને ભારતમાતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાની તારીખ 14 ઓગસ્ટ નક્કી કરી. તે દિવસે અખંડ હિંદુસ્તાનમાંથી ભારત અને પાકિસ્તાન નામના બે દેશનો જન્મ થવાનો હતો. પણ કેટલાંક જ્યોતિષીઓ જવાહરલાલ નેહરુને મળ્યાં અને 14 ઓગસ્ટનો દિવસ શુભ નથી તેવી ચેતવણી આપી. નેહરુએ આઝાદીની સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો સમય અડધો કલાક આગળ વધારી દીધો અને 15 ઓગસ્ટ, 1947ના પ્રારંભ સાથે ભારત એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો.
આ વાત સાચી છે કે ખોટી તે વિશે કોઈ સ્પષ્ટપણે જણાવી શકતું નથી, પણ એક દિવસના અંતરે અસ્તિત્વમાં આવેલા ભારત અને પાકિસ્તાનની 62 વર્ષની સફર અસામાન્ય રીતે અલગ રહી છે. ભારત કરતાં માત્ર અડધો કલાક પહેલાં અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનની જન્મકુંડળી એટલે કે કરમકુંડળી બદલાઈ ગઈ અને તેને સતત ગ્રહ-નક્ષત્રોનો પ્રકોપ સહન કરવો પડે છે તેવું જ્યોતિષીઓ માને છે. કેટલાક ક્ષેત્રો વચ્ચેનો સંબંધ શાશ્વત હોય છે. રાજકારણ અને જ્યોતિષીઓ વચ્ચેનો સંબંધ પણ સર્વકાલીન છે. લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે. આ ચૂંટણી દરમિયાન પણ અનેક નેતાઓ જ્યોતિષીઓ અને કર્મકાંડને શરણે ગયા છે. કોઈ નેતા મંદિરમાં મધરાતે બકરાઓની બલિ આપે છે તો ક્યાંક 1000 પંડિતો અનુષ્ઠાન કરી રહ્યાં છે. ભાજપના નેતા અને વડાપ્રધાનપદના દાવેદાર શ્રીમાન લાલકૃષ્ણ આડવાણીએ ઉમેદવારીફોર્મ ભરતી વખતે બપોરે 12:39નો સમય કેમ પસંદ કર્યો?
કહેવાય છે કે, બરોબર આ જ સમયે રામે રાવણનો વધ કર્યો હતો। આડવાણીજીને વડાપ્રધાન બનાવવા અત્યારે દેશના પાંચ જ્યોતિષીઓ કામે લાગ્યાં છે. તેઓ ચૂંટણીના મુદ્દાથી લઇને કોની સાથે જોડાણ કરવું તે બાબતે તેમને સલાહસૂચન કરી રહ્યાં છે. તેમના એક મનપસંદ જ્યોતિષી અને હંમેશા કેસરી કુરતો પહેરતાં આચાર્ય રાજ જ્યોતિષ શુક્લા આજકાલ દિલ્હીમાં કોંગ્રેસના હેડ ક્વાર્ટર 24, અકબર રોડમાં અવારનવાર દેખાય છે. ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી સંજય જોશીએ વર્ષ 2006માં તેમની પક્ષના રાજગુરુ તરીકે નિમણૂંક કરી હતી. હવે આ રાજગુરુએ ગુલાટ મારી છે. ગુલાટ મારવો એક ચેપી રોગ છે. તેના વાઇરસ મૂળે રાજકારણીઓમાં છે અને આ વાઇરસ હવે સમાજમાં બધે ફેલાઈ રહ્યાં છે.
દેશમાં જ્યોતિષીઓનો ધંધો અંદાજે 40,000થી 45,000 કરોડ રૂપિયાનો છે। લોકસભાની ચૂંટણી સમયે તેમાં 600થી 800 કરોડ રૂપિયાનો વધારો થઈ જાય છે. એક સમયે દિલ્હીમાં જાલંધરી બાબાના જમાનો હતો. બાબાના દરવાજે નેતાઓનો મેળો જામતો. કાલી માતાના પરમ ભક્ત પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન બનવા થનગનાટ અનુભવતા લાલકૃષ્ણ આડવાણી વારંવાર તેમની સામે ખોળો પાથરતાં હતા. રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર કેન્સરનો ભોગ બન્યાં ત્યારે તેમને મળવા ગયા હતા. વડાપ્રધાન બનતાં પહેલાં આ દુનિયામાંથી તેમની ટિકિટ તો ફાટી તો નહીં જાય ને તેવું તેમણે પૂછ્યું હતું. પણ તેમની જન્મકુંડળીનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ બાબાની ટિકિટ ફાટી ગઈ. જાલંધરી બાબા હવે આ દુનિયામાં નથી.
તમિળનાડુની રાજનીતિની વાત કરીએ તો એઆઇએડીએમકેના અધ્યક્ષા જયલલિતા જ્યોતિષીઓને પૂછ્યાં વિના પી પી પણ કરતાં નથી। તેમણે લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની બેલેન્સશીટ સાથે જન્મકુંડળી પણ મંગાવી હતી. તેમના પક્ષના તમામ 23 ઉમેદવારોએ 20મી એપ્રિલે બપોરે 12.20થી 1.50 વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી. અમ્માને એમજીઆર અને લીલા રંગ પ્રત્યે કેટલું હેત છે તે જગજાહેર છે. અમ્માની જેમ બંગાળમાં દીદી તરીકે જાણીતા મમતા બેનર્જી પણ જ્યોતિષીઓ અને તંત્રમંત્રની મદદ લેવા દોડાદોડ કરી રહ્યાં છે.
તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા દીદીએ થોડા સમય પહેલાં એક જાણીતા અંકશાસ્ત્રી શ્વેતા જુમાનીની સલાહ લીધી હતી અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પક્ષના એકચક્રી શાસનનો કેવી રીતે અંત લાવવો તેની ટિપ્સ મેળવી હતી। જુમાનીએ તેમને પોતાના અંગ્રેજી સ્પેલિંગમાં એક વધુ 'A' જોડી દેવાનું કહ્યું. પણ તેનાથી બહુ ફરક ન પડતાં દીદીની નૈયા પાર કરાવવા હવે તાંત્રિક ભાઈઓ મેદાને પડ્યા છે. થોડા દિવસ પહેલાં કોલકાતાના કાલીઘાટ મંદિરમાં મધરાતે દીદીએ તેમના બે મદદનીશો સાથે આવીને વિશેષ પૂજા કરી હતી. પછી આગલી સવારે તેમના કેટલાંક સમર્થકોએ 50 બકરાનો ભોગ ચડાવ્યો હતો. અમ્મા અને દીદી ઉપરાંત એક ઓર દીદી પણ પથ્થર એટલા દેવ પૂજી રહ્યાં છે.
આ દીદી સંજય દત્તની દીદી છે। પ્રિયા દત્તમાં અસ્વાભાવિક ધાર્મિકતા આવી ગઈ છે. તેમણે લોકસભા ચૂંટણી જીતવા મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક, ધ માઉન્ટ મેરી ચર્ચ અને હાજી અલીની દરગાહ પર માથું નમાવ્યું છે. મહારાષ્ટ્રના બધા નેતા ચૂંટણીના મેદાનમાં ઉતરતાં પહેલાં ઓસ્માનાબાદ જિલ્લાના તુળજા ભવાનીના મંદિર તરફ દોટ મૂકે છે. દોટ મૂકવામાં તો ગુજરાતના નેતા પણ બહુ પાછળ નથી.
કહેવાય છે કે, ગુજરાતના એક નેતાએ વિશેષ યજ્ઞ કરવા આશારામની મદદ માંગી છે। આ યજ્ઞ 30 એપ્રિલના રોજ સંપન્ન થયો છે અને તેનું ફળ કેવું મળે છે તે 16 મેના રોજ જાણવા મળશે. કદાચ આ નેતાને યજ્ઞ કરવાની પ્રેરણા ગુજરાતની ઘેલી જનતાના નાથ નરેન્દ્ર મોદીમાંથી મળી હશે. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા 17 પૂજારીઓ પાસે રુદ્રાભિષેક કરાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે. ઓમ નમઃ શિવાય....
ચલતે-ચલતેઃ મધ્યપ્રદેશમાં વિદિશા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર પટેલને જ્યોતિષીઓએ છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવાની સલાહ આપી હતી. તેઓ છેલ્લી ક્ષણે ફોર્મ ભરવા હાજર થયા, પણ કેટલાંક દસ્તાવેજો ઘરે રહી ગયા હતા. તે દસ્તાવેજો લઇને પટેલ મહાશય કલેક્ટર ઓફિસે પહોંચે તે પહેલાં સમયમર્યાદા પૂરી થઈ ગઈ અને તેઓ ઉમેદવારી જ નોંધાવી શક્યા નહીં. તેનો ફાયદો આ જ બેઠક પર ચૂંટણી લડતા સુષ્મા સ્વરાજને થયો. પટેલે તરત જ સુષ્મા સ્વરાજના જ્યોતિષીને ફોન લગાવ્યો તો તેમણે કહ્યું કે, તમારા નસીબમાં આ વખતે ચૂંટણી લડવાનો યોગ જ નહોતા.
No comments:
Post a Comment