Sunday, May 24, 2009

માળો ગૂંથ્યો કરુણાએ અને ભોગ બને બિચારા મનુજી....

દિલ્હી દરબારના સમ્રાટ મનમોહન સિંઘના એકએકથી ચડિયાતા રતન પેટ પકડીને હસી રહ્યાં છે। એક રતને બીજા રતનનાં કાનમાં હસતાં-હસતાં કહ્યું કેઃ મનુજીએ કરુણાના સાગર કુરણાનિધિના પરિવારની ખેંચતાણ દૂર કરવા એક ફેમિલિ કાઉન્સિલરની નિમણૂંક કરવી જોઇએ તો બીજા રતને ત્રીજા રતનના કાનમાં કહ્યું કેઃ કરુણાનિધિએ એક, બે અને ત્રણ વખત સાત-સાત ફેરા ફર્યા અને તેની સજા અત્યારે બિચારા મનમોહન ભોગવી રહ્યાં છે. પહેલી નજરે આ લડાઈ કોંગ્રેસ અને ડીએમકે વચ્ચેની લાગે છે, પણ હકીકતમાં આ લડાઈ કરુણાલીલાનું ફળ છે.

ધીમેધીમે પોતાની જીવનલીલા સંકેલવા તરફ આગળ વધતા તમિળનાડુના 84 વર્ષીય નેતા કરુણાનિધિ ત્રણમાંથી બે પત્ની અને ચાર સંતાનોના દબાણ હેઠળ બરોબર ભીંસમાં આવી ગયા છે. વાત એમ છે કે, કરુણાની બીજી પત્નીનું નામ દવાલુ અમ્માલ છે. Karuna + Davalu = Staline + M K Azhargiri + Selvi અર્થાત્ કરુણા અને દવાલુના સંગમથી સ્ટાલિન અને એમ કે અઝારગિરિ નામના બે પનાતાં પુત્ર અને સેલ્વી નામે એક પુત્રીનો જન્મ થયો છે. સેલ્વીની વાત પછી કરીશું. અત્યારે એક જ માના આ બે દીકરા એકબીજાના જાની દુશ્મન બની ગયા છે તેની વાત કરીએ. દિલ્હીમાં યાદવાસ્થળી ભલે થાય પણ ઘરઆંગણે મહાભારત ન થવું જોઇએ તેમ કરુણા ઇચ્છે છે. એટલે તેમનો સ્ક્રીપ્ટ-રાઇટર આત્મા જાગી ગયો છે અને તેમના કેમિકલ લોચામાંથી એક જબરદસ્ત આઇડિયા બહાર આવ્યો છે.

તેમણે સ્ટાલિનને તમિળનાડુનો મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું છે અને અઝારગિરિને મનુજી-સોનુજીને સોંપી દેવાનું। તેની પાછળ શું કારણ? લોકસભાની આ વેળાની ચૂંટણીમાં અઝારગિરિની દક્ષિણ તમિળનાડુની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંપરાગત રીતે આ વિસ્તાર સ્વ. એમજીઆર અને તેમની પ્રેયસી જયલલિતાનો ગણાય છે. પણ કરુણાપુત્રએ આ વિસ્તારમાં લોકસભાની નવ બેઠક કે ડીએમકેની લોકસભામાં કુલ બેઠકની 50 ટકા બેઠક પર કબજો મેળવી જયા અમ્માને મોંમા આંગળા નાંખતા કરી દીધા છે. પણ તેમની આ સફળતાથી સ્ટાલિન અને કરુણાની લુંગી તળેથી જમીન સરકી ગઈ છે. કરુણા જાણે છે કે અઝારગિરિ તેમનો જ દિકરો છે અને દક્ષિણ તમિળનાડુ જેવા વિસ્તારમાં વિજય મેળવ્યાં પછી આ સ્ટાલિનને નડશે. એટલે તેમણે અઝારગિરિને કેબિનેટ મિનિસ્ટર બનાવી દિલ્હી રવાના કરવાનું વિચાર્યું છે.

કરુણાએ બીજી પત્ની અને તેમના સંતાનોને થાળે પાડવાની ફોર્મ્યુલા બનાવીને હાશ અનુભવી તેવામાં તેમની ત્રીજી સૌથી વહાલી પત્ની રાજથીએ આંખો લાલ કરી. પહેલાં આપણે કરુણા અને રાજથી વચ્ચેના સંબંધનું સમીકરણ સમજી લઇએ. Karuna + Rajathi = Kanimozhi એટલે કરુણા અને રાજથીના પ્રેમાળ અને સુભગ સમન્વયથી કાનિમોઝી નામની પુત્રીનું પારણું બંધાયું છે. કરુણા અને રાજથી કાનિમોઝીને લાડથી કાનિ કહે છે. રાજથી પણ કાનિને મનમોહન સિંઘના દરબારમાં સ્થાનગ્રહણ કરે તેમ ઇચ્છે છે. દવાલુ અને રાજથી વચ્ચે પહેલેથી ચડસાચડસી ચાલે છે. અઝારગિરિ કેબિનેટમાં જાય તો કાનિ કેમ નહીં આવી દલીલ રાજથીની છે. રંગમંચ પર અહીં બીજી પત્ની દવાલુની પુત્રી સેલ્વીનો પ્રવેશ થાય છે.

સેલ્વીનો પોતાને તો રાજકારણમાં સીધો પ્રવેશ કરવાનો શોખ નથી, પણ પડદા પાછળ રહીને કાવાદાવા ખેલવાની તક છોડવી નથી. તેણે તેના પિતાજી કરુણાને કહી દીધું છે કે, કાનિ કેબિનેટમાં જશે તો તમારે દયાને પણ કેબિનેટમાં સ્થાન આપવું પડશે. આ દયા એટલે બીજું કોઈ નહીં પણ ભૂતપૂર્વ ટેલીકમ્યુનિકેશન મંત્રી દયાનિધિ મારન. કરુણાના સ્વર્ગવાસી સાળા મુરાસોલી મારનના સુપુત્ર. સેલ્વી પોતાના મામાના દીકરા દયા માટે દાવ ખેલવામાં જરા પણ ઓછી ઉતરે તેમ નથી. કહેવાય છે કે, સેલ્વીનો મારન પરિવારના ટીવી ચેનલ બિઝનેસમાં ભાગ છે. કરુણા માટે ચિંતાનું કારણ તેમની આ બંને પત્ની અને તેમના સંતાનો જ નથી.

તેમની આ બંને પત્નીઓ તેમના સંતાનો અને ભત્રીજાઓ ઉપરાંત એ રાજા અને ટી આર બાલૂને પણ કેબિનેટમાં સ્થાન મળે તે માટે કરુણાને ધમકાવી રહી છે. કરુણાએ રાજા અને બાલૂને લઇને પોતાની સ્થિતિ મનમોહન સમક્ષ રજૂ કરી ત્યારે ભલાભોળા મનુજીને થયું હશે કે બીજી અને ત્રીજી નંબરની પત્નીઓ રાજા અને બાલૂ માટે આટલો બધા આગ્રહ શા માટે કરી રહી છે?

ચલતે-ચલતેઃ મનમોહન સિંઘ સમક્ષ કરુણાએ અઝારગિરિ, કાનિ, દયા, રાજા અને બાલૂને મંત્રી બનાવવાની માગણી કરી. તેના પર વિચાર કરવાની મનુજીએ હા પાડી. થોડા સમય પછી કરુણાએ એસ એસ પલાનિમાનિકમ, એ કે એસ વિજયન અને ઇલાંગોવાનને રાજ્યકક્ષાના મંત્રી બનાવવા કહ્યું. એટલે મનુજી ફરી વિચારમાં પડી ગયાઃ આ ત્રણેય સાથે કરુણાને શો સંબંધ હશે...તેમને વિચારતા જોઈ તેમના દરબારના રતનો હસતાં-હસતાં કહે છે કે આ તો કરુણાનો માળો છે..

No comments: