લલિત મોદીના ભેજાની પેદાશ આઇપીએલ એટલે 'ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ ફારસ.' આ ફારસમાં એક દેશી જોકર છે અને અને વિદેશી. દેશી જોકરની ભૂમિકા બોલીવૂડના સ્વયંભૂ હાસ્યાસ્પદ સુપરસ્ટાર શાહ 'રૂક રૂક' ખાન ભજવી રહ્યાં છે તો વિદેશી જોકરની ભૂમિકા છે આ દેશી જોકરની ટીમ નાઇટ રાઇડર્સના રિંગ માસ્ટર જૉન બકનન. સર્કસના જોકર અને આઇપીએલના આ બંને જોકર વચ્ચે શું ફરક છે? સર્કસના જોકર પોતાને જોકર જ સમજતા હોય છે, નહીં કે રિંગ માસ્ટર. જ્યારે રૂકરૂક ખાન અને બકનન પોતે જોકર હોવા છતાં પોતાને રિંગ માસ્ટર સમજે છે. સર્કસના જોકર પોતાને રિંગ માસ્ટર સમજવા લાગે તો શું હાલત થાય તે આપણને નાઇટ રાઇડર્સની દુર્દશા પરથી જોવા મળ્યું. આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના અત્યાર સુધીના દેખાવ પર એક નજર નાંખીએ.
અત્યાર સુધી કુલ 11 મેચ. એકના એક લાડકા દીકરા જેવો એક વિજય, નવ અવિસ્મરણીય ભૂંડા પરાજય. ટીમના પોઇન્ટ કેટલા? એક, બેને ત્રણ। તેમાં ત્રીજો પોઇન્ટ મેઘરાજાએ દાનમાં આપ્યો છે. રૂકરૂકે ટીમના ખેલાડીઓને કોચિંગ આપવા જેટલા કોચ રાખ્યાં છે તેટલા પોઇન્ટ મળ્યાં હોત તો પણ ટીમની થોડીઘણી આબરૂ રહી જાત. તમને જાણીને નવાઈ લાગશે કે નાઇટ રાઇડર્સ ટીમના ગુરુ બકનન પોતાની સાથે બીજા છ ગુરુઘંટાલ લઇને રૂકરૂક મિયાના દરબારમાં હાજર થયાં છે.
નાઇટ રાઇડર્સની ટીમના ખેલાડીઓને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ સાત-સાત કોચ નીચે ટીમની આબરૂના પાળિયા કેવી રીતે કરવા તેનું સોલિડ માર્ગદર્શન મળી રહ્યું છે. ટીમના મુખ્ય કોચ જૉન બકનન છે. તેમની સહાય માટે ચીફ આસિસ્ટન્ટ કોચ મૈથ્યૂ મૉટ, આસિસ્ટન્ટ કોચ બ્રેઇડ મર્ફી, બોલિંગ કોચ એન્ડી બિકલ, ફિલ્ડિંગ કોચ જૉન ડીબલ, વિકેટકીપિંગ કોચ વેડ સેકૉમ્બ અને ટીમને સૌથી વધુ નુકસાન કરનાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ આસિસ્ટન્ટ કોચ માઇકલ બકનન. આ માઇકલ બકનન કોણ છે? મુંગેરીલાલ જેવા હસીન સપને જોતા જોન બકનનના તરંગી સુપુત્ર.
હકીકતમાં બકનન અને તેમના સુપુત્ર સહિત બાકી બધા કોચ ઓસ્ટ્રેલિયામાં નવરી બજાર ગણાતા હતા। આ નવરી બજારોની મંડળીને ટીમના કોચિંગની જવાબદારી સોંપવાની ભલામણ શાહરૂખને કોણે કરી? આ પ્રશ્ન ટીમની માલિકીમાં હિસ્સો ધરાવતી જુહી ચાવલાએ પૂછ્યો હતો. જવાબમાં શાહરૂખે કહ્યું કે, તેના એક અંગત ફિલ્મી મિત્રનું નામ આપ્યું હતું. જવાબ સાંભળીને જુહીના ચહેરા પર ખડખડાટ હાસ્ય ફરી વળ્યું હતું. તેના આ ફ્લોપ ફિલ્મી મિત્રએ બકનન કોચ હતો ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન જોઇને તેના નામની ભલામણ કરી હતી. પણ તેને જાણ નહોતી કે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બકનનના જાલિમ તુક્કાથી વાકેફ હતા. સ્ટીવ વો અને કાંગારૂઓ બકનનું કોઈ સૂચન માનતા નહોતા અને રૂકરૂક તેને પૂછ્યાં વિના પાણી પીતા નહોતા. પરિણામ આપણી નજર સામે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન ગણાય છે અને નાઇટ રાઇડર્સ પણ ચેમ્પિયન ગણાય છે, પણ ભૂંડા હાલે પરાજયનો સ્વાદ ચાખવામાં.
બકનન આણીમંડળીએ નાઇટ રાઇડર્સને ગોટાળે ચઢાવી છે. ટીમના ખેલાડીઓએ ભારત અને દક્ષિણ આફ્રિકામાં ફિલ્ડિંગ પ્રેકટિસ કરી હતી. ટીમના ફિલ્ડિંગ કોચ જૉન ડીબલ છે છતાં ખેલાડીઓને બકનન અને મૈથ્યૂ કોટે પણ ફિલ્ડિંગની ટિપ્સ આપી. છેવટે ટીમ મેદાનમાં ઉતરી ત્યારે કયા સ્થાને કયો ખેલાડી ઊભો રહેશે તે સ્પષ્ટ નહોતું. ઉપરાંત ટુર્નામેન્ટ ચાલુ થાય તે પહેલાં કેપ્ટનની જેમ ખેલાડીઓને પણ રોટેશન વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે તેવી સૂચના અપાઈ હતી. એટલે સારો દેખાવ કરનાર ખેલાડીને પણ રોટેશન મુજબ બહાર જ બેસવું પડે. આ વ્યવસ્થાને કારણે ટીમમાં સામેલ દક્ષિણ આફ્રિકાના ખેલાડી મોર્ન વાનને શરૂઆતની મેચોમાં બહાર બેસવું પડ્યું. તે જ રીતે દક્ષિણ આફ્રિકાના એક અન્ય ખેલાડી અને ટ્વેન્ટી-20ના ધુરંધર ગણાતા ચાર્લ લૈંગવેલ્ટને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ન ફેંકાઈ ગઈ ત્યાં સુધી અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળ્યું.
બકનનઆણી મંડળી લલિત મોદીના ફારસની ત્રીજી સીઝનમાં પાછી ફરે તેવી કોઈ શક્યતા નથી. પણ કોલકાતા નાઇટ રાઇડર્સની થોડી ઘણી પ્રતિષ્ઠા હતી તેના પર પાણી ફરી વળ્યું છે. પહેલી સીઝનમાં તેને સૌથી વધુ સ્પોન્સર્સ મળ્યાં હતા. તેમને ટીમ પ્રત્યે બહુ મોટી અપેક્ષાઓ હતી, પણ ગાંગુલીની આગેવાનીમાં ટીમે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વખતે ચાર કેપ્ટનનું બહાનું બનાવી ગાંગુલીને દૂર કરવાનો કારસો રચી શાહરૂખે મેકુલમને કેપ્ટન બનાવી દીધો તો ટીમ છેલ્લેથી પહેલું સ્થાન મેળવવા આગળ વધી રહી છે.
ચલતે-ચલતેઃ હાર કર જીતનેવાલે કો બાઝીગર કહેતે હૈ, પર અચ્છે ખેલાડીઓ સાથે હારનેવાલે કોં ક્યા કહેતે હૈ? શાહ 'રૂકરૂક' ખાન.
No comments:
Post a Comment