કહેવાય છે કે, અતિ આત્મવિશ્વાસ પતનનું મૂળ છે. વ્યક્તિને પોતાની ક્ષમતામાં આત્મવિશ્વાસ હોય તો ધીમેધીમે પ્રગતિના સોપાન સર કરે છે, પણ તે વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતી હોય તો પગતળેથી ક્યારે જમીન સરકી જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. લોકસભાની આ વેળાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેનું સચોટ ઉદાહરણ છે. રાજ્યમાં લોકસભાની 26 બેઠકમાંથી ભાજપના (નરેન્દ્ર મોદીના 24 અને ભાજપને બે ઉમેદવાર) 15 ઉમેદવાર અને કોંગ્રેસના 11 ઉમેદવારો મેદાન મારી ગયા છે. હકીકતમાં મોદીજી અને તેમના અનુયાયીઓ 20 કે તેથી વધુ બેઠક મળવાની આશા હતી.
કલ્પના કરો કે, કોંગ્રેસના મજબૂત ઉમેદવાર શંકરસિંહ વાઘેલા, મધુસૂદન મિસ્ત્રી અને નારણ રાઠવા જીતી ગયા હોત તો? 'ગુજરાત સમાચારે' સાચું જ લખ્યું છે કે, ''શંકરસિંહના પરાજયે મોદીની આબરૂ બચાવી, ભાજપનો 20 બેઠકનો આશાવાદ ઠગારો નિવડ્યો।'' 'દિવ્ય ભાસ્કર'ના નિવાસી તંત્રી અજય ઉમટે સચોટ અવલોકન કરતાં જણાવ્યું છે કે, ''મોદીમેજિક ન ચાલ્યો, પટેલવાદ નડ્યો'' તો 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ પહેલા પાને એન્કર સ્ટોરીમાં હેડિંગ માર્યું છે કે, ''Missile Modi Misfires.'' ટાઇમ્સે આ વાત ગુજરાતને અનુલક્ષીને કરી છે, પણ આ વાત મોદીજીને ભાજપે જે રાજ્યોની જવાબદારી સોંપી તેને પણ લાગૂ પડે છે.
ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિવ-દમણ અને દાદરાનગર હવેલીની જવાબદારી સોંપી હતી। આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની કુલ 78 બેઠકો છે- મહારાષ્ટ્રમાં 40, ગુજરાતમાં 26, ગોવામાં બે, દિવ-દમણમાં એક અને દાદરાનગર હવેલીમાં એક. લોકસભાની વર્ષ 2004ની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં 13, ગુજરાતમાં 14 અને દિવ-દમણ-દાદરાનગર હવેલી-ગોવામાં એક એમ કુલ 28 બેઠક પ્રાપ્ત થઈ હતી. આ વેળાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રભાવથી પક્ષને મહારાષ્ટ્રમાં ફાયદો થવાની અને ગુજરાતમાં બેઠકો વધવાની શક્યતા હતી. પણ ગુજરાતમાં માત્ર એક બેઠકનો ફાયદો થયો જ્યારે મહારાષ્ટ્રમાં તો ચાર બેઠકનું નુકસાન થયું. લોકસભાની 2004ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને 13 બેઠક પર વિજય મળ્યો હતો જ્યારે આ ચૂંટણીમાં તેને માત્ર નવ બેઠક પ્રાપ્ત થઈ. સીધું ને સટ કહીએ તો ચાર બેઠકનું નુકસાન. હવે આપણે ગુજરાતમાં મોદીછાવણીને શા માટે નુકસાન થયું તેની વાત કરીએ. અહીં નુકસાનનો અર્થ ગુજરાતમાં અપેક્ષાથી ઓછી બેઠક મળી તે સંદર્ભમાં છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો જે પ્રભાવ છે તેનો જોતાં મોટા ભાગના લોકો એમ કહેતાં હતાં કે કોંગ્રેસને છથી વધારે બેઠક નહીં મળે। કદાચ કોંગ્રેસના ઉમેદવારો અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોને પણ 11 બેઠક મળી તેનો વિશ્વાસ નહીં હોય. તેમનું ચાલે તો ફેરમતગણતરી કરાવે. કોંગ્રેસને 11 બેઠક મળવાનું કારણ શું? શું કોંગ્રેસ ગુજરાતના મતદારોમાં ફરીથી પોતાની પકડ જમાવી રહી છે? શું નરેન્દ્ર મોદીનો જાદુ રાજ્યમાંથી પણ ઓસરી રહ્યો છે?
પહેલી વાત એ કે, કોંગ્રેસ ગુજરાતના મતદારોમાં પોતાની પકડ પાછી મેળવી રહી છે તે વાત આંશિક રીતે સાચી છે અને તેના માટે કોંગ્રેસ નહીં પણ નરેન્દ્ર મોદીની નીતિઓ જવાબદાર છે। સ્વાભાવિક રીતે મોદીજીનો જાદુ ધીમેધીમે ઓસરી રહ્યો છે. વર્ષ 2002માં હિંદુત્વનો જાદુ હતું, નહીં કે નરેન્દ્ર મોદીનો. તેનું પહેલું પ્રમાણ વિધાનસભાની વર્ષ 2007ની ચૂંટણીમાં જ મળી ગયું હતું. વર્ષ 2002ની ચૂંટણીમાં હિંદુત્વની લહેર પર સવાર થઈને ભાજપે 127 બેઠક મેળવી હતી જ્યારે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના આધારે લડાયેલી વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી એટલે કે દસ બેઠકનું નુકસાન થયું હતું. આ સમયે જ નરેન્દ્ર મોદીએ ચેતી જવાની જરૂર હતી.
તેમણે બ્રાહ્મણ અને પટેલોની અવગણના કરવાનો અભિગમ દાખવ્યો છે। તેની અસર આ ચૂંટણીમાં દેખાઈ છે. ગાંધીનગરની બેઠક પર 'પીએમ ઇન વેઇટિંગ' એલ કે અડવાણીના વિજયની સરસાઈ ઘટી તે તેનું સીધું ઉદાહરણ છે. 2004ની ચૂંટણીમાં અડવાણીને 2.17 લાખની સરસાઈથી જીત મળી હતી જ્યારે આ ચૂંટણીમાં 1.21 લાખની સરસાઈથી વિજય મળ્યો છે. એટલે કે જીતની સરસાઈમાં એક લાખ વોટનો ફટકો પડ્યો છે. તેમના હરિફ સુરેશ પટેલ પટેલવાદના આધારે વડાપ્રધાન પદના દાવેદાર અને અગાઉ ચાર વખત ગાંધીનગરમાંથી જ સાંસદ રહી ચૂકેલા અડવાણીને ટક્કર આપવામાં સફળ રહ્યાં છે. તેમને 3.12 લાખ મત મળ્યાં છે. મોદીજીએ પટેલોની જે અવગણના કરી તેનો સ્વાદ ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણાને પણ ચાખવા મળ્યો છે.
ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણાને અત્યાર સુધી સરળતાથી વિજય મળતો હતો, પણ આ ચૂંટણીમાં વિજય મેળવવામાં હાંફી ગયા। અહીં મહાગુજરાત જનતા પક્ષના ગોરધન ઝડફિયા ઉમેદવાર હતા અને તેમને 1,56,567 મત મળ્યાં છે. જો ઝડફિયા છ હજાર મત વધુ લઈ ગયા હોત તો કોંગ્રેસના ઉમેદવાર મહાવીરસિંહ ગોહિલનો વિજય થયો હોત. આ જ પરિસ્થિત રાજકોટમાં ઊભી થઈ. રાજકોટમાં વલ્લભ કથિરિયાનું પત્તું કાપવા જતાં ભાજપને તે બેઠક ગુમાવવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદીએ અહીં પટેલ ઉમેદવાર કિરણ પટેલને જ ટિકિટ આપી, પણ પટેલ મતદારોમાં તેમની છબી મોદીભક્તની વધારે છે. એટલે વલ્લભ કથિરિયાના સમર્થકો અને ગામડાના પટેલો મોટી સંખ્યામાં મતદાનપ્રક્રિયાથી અળગાં રહ્યાં. તેનો ફાયદો કોંગ્રેસના કુંવરજી બાવળિયાને થયો.
શંકરસિંહ વાઘેલા, મધુસૂદન મિસ્ત્રી અને નારણ રાઠવા હારી ગયા છે તો તે માત્ર નવી સીમાંકન વ્યવસ્થાના કારણે। કપડવંજ બેઠક નાબૂદ થતાં પંચમહાલ પરથી શંકરસિંહને ચૂંટણી લડવાની ફરજ પડી તો સાબરકાઠા બેઠકની ભૂગોળ બદલાઈ ગઈ અને મિસ્ત્રીની મતબેન્કને ફટકો પડ્યો. બાપૂ માત્ર 2,069 મતથી તો મધુસૂદન મિસ્ત્રી 17,155 મતથી હારી ગયા છે. છોટાઉદેપુરમાં નારણસિંહ રાઠવાને દિલ્હીમાં રહેવું વધારે મોંઘુ પડ્યું છે. તેમણે મતવિસ્તારમાં ઓછું ધ્યાન એટલે તેમના જ સમાજના ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાનો વિજય થયો છે. ઉપરાંત આ ત્રણેયના પરાજયમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની હારમાં મોદીમેજિકનું કોઈ પ્રદાન નથી.
મેં થોડા દિવસ પહેલાં સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીની મુલાકાત લીધી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી ભાજપ હારે છે. લોકસભાની ચૂંટણીના પરિણામ તે બાબત થોડી સ્પષ્ટ કરી જાય છે. કોંગ્રેસ પટેલ, કોળી અને બ્રાહ્મણ મતદારોને પોતાની સાથે લેવામાં સફળ થશે અને નરેન્દ્ર મોદી વર્તમાન અભિગમ જાળવી રાખશે તો ખરેખર આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવો મુશ્કેલ બની જશે. શું આ પરિણામો પરથી મોદીજી તેમનો અભિગમ સુધારશે?
No comments:
Post a Comment