શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? તે પણ નહીં. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની વિશિષ્ટ શક્તિ અથવા તો સમર્થ અને શુભ સંકલ્પો કરતા શીખવવાની કેળવણી તરીકે વર્ણવી શકાય. શિક્ષણ એટલે કેવળ શબ્દોને મેળો નહીં.
માનવનું ઘડતર એ જ દરેક સાચા શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ। શિક્ષણ એટલે તમારા મગજમાં એકઠો થઈને આત્મસાત્ બન્યા વિના જીવનભર ઉત્પાત મચાવ્યા કરનારો માહિતીનો ઢગલો નહીં. જીવન ઘડનારા, સાચા માનવીનું નિર્માણ કરનારા, ચારિત્ર્ય વિકસાવનારા વિચારોને આત્મસાત્ કરવાની આપણને ઘણી જરૂર છે. જો તમે કેવળ પાંચ જ વિચારને આત્મસાત્ કરી તમારા જીવન સાથે, સ્વભાવ સાથે એકરૂપ કરી શક્યા હો, તો એક પુસ્તકાલયના ગ્રંથોને કંઠસ્થ કરનારનાં કરતાં તમારામાં વિશેષ જ્ઞાન છે એટલું માનજો.
यथा खरश्चंदभारवाही भारस्य वेत्ता न तु चंदनस्य
ચંદનકાષ્ઠનો ભારો લઈ જનાર ગધેડો લાકડાના ભારને જ જાણે છે, ચંદનની સુગંધને અનુભવી શકતો નથી। જો માહિતીના સંચયનું નામ જ શિક્ષણ હોય તો પુસ્તકાલયોને મહર્ષિઓ કહેવા જોઈએ અને જ્ઞાનકોશને ઋષિઓ કહેવા જોઈએ.
અત્યારે પ્રવર્તી રહેલી શિક્ષણપ્રથાને હું શિક્ષણ કહેતો નથી। મારે મન શિક્ષણ એટલે સંગીન પ્રકારની કેળવણી. કેવળ પુસ્તકિયા જ્ઞાનથી કશું વળવાનું નથી. જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય, જેનાથી મનનું બળ વધે, જેનાથી બુદ્ધિ વિશાળ બને અને જેના વડે માણસ પોતાના પગ પર ઊભો રહી શકે તેવાં શિક્ષણની આપણને જરૂર છે.
સેન્ટર પોઇન્ટઃ જીવનના પ્રશ્નો શી રીતે ઉકેલવા એ શોધવામાં જે ઉપયોગી નીવડી શકે તેનું નામ જ ઉચ્ચશિક્ષણ
No comments:
Post a Comment