Friday, May 29, 2009

જે શિક્ષણ ચારિત્ર્યબળ અને સિંહ જેવી હિંમત ખીલવી ન શકે તેને શિક્ષણ કહી શકાય?


આજે તમે જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છો તેનાં અમુક તત્વો સારાં છે, પણ તેના ગેરફાયદાં વધારે છે. આ શિક્ષણમાંથી માનવ ઘડાતો નથી. આ શિક્ષણ નકારાત્મક છે અને તેના કરતાં તો મૃત્યુ વધારે સારું. આ શિક્ષણમાંથી છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન મૌલિક શક્તિવાળો એક પણ માણસ પાક્યો નથી. આ શિક્ષણપ્રથા તો માત્ર કારકુન ઉત્પન્ન કરનારું યંત્ર છે.

જુઓ તો ખરા, માણસો કેવી શ્રદ્ધાહીન, આસ્થાહીન બનતા જાય છે। તેમને દેશ કરતાં વિદેશનું વધારે ઘેલું લાગ્યું છે. ભારત બહારની વસ્તુઓ અને પ્રજાઓને લગતી નાનામાં નાની વિગતો પર પ્રભુત્વ મેળવવાનું તેમને ગમશે, પણ તમે એમને વેદ, ગીતા કે રામાયણ વિશે પૂછશો તો તેમની જીભ પર તાળાં વાગી જશે.

આપણા પંડિતો બાળકોને પોપટ બનાવવાનું કામ કરે છે। અનેક વિષય ગોખાવીને એમના મગજને ક્ષીણ કરી મૂકે છે. ભલા ભગવાન! સ્નાતક થવા માટે કેટલી ધમાલ અને થયા કે થોડા દિવસ પછી બધું જ ફરી ટાઢું ટપ! આપણો ધર્મ અને રીતરિવાજો ખરાબ અને પશ્ચિમના લોકોનો ધર્મ અને રીતરિવાજ સારાં છે તે સિવાય આ પંડિતો બીજું શું શીખવે છે! ભૂખનો હાઉ તેમને સતાવવા માંડે છે. આ ઉચ્ચ શિક્ષણ જાય કે રહે તેથી આપણે શું? તેના કરતાં તો લોકો થોડીઘણી હુન્નરઉદ્યોગની કેળવણી લેતા હોય તો વધારે સારું જેથી કંઈ ને કંઈ કામધંધો કરી રોટલો તો રળી શકે. બીજાના બારણે ધક્કાં ખાઇને સેવાચાકરીની યાચના કરવાનું તો નહીં રહે.

જેના પરિણામે સદીઓથી આપણી સંકલ્પશક્તિ કુંઠિત થઇને મૃતપ્રાય થઈ ગઈ છે તેને આપણે શિક્ષણ કહીશું? જે માણસને ધીમધીમે યંત્ર જેવો બનાવતું જાય તે શિક્ષણ? જે શિક્ષણ ચારિત્ર્યબળ, પરોપકારની ભાવના અને સિંહના જેવી હિંમત ખીલવી શકતું નથી તેને શું શિક્ષણ કહી શકાય?

સેન્ટર પોઇન્ટઃ તમે અત્યારે શાળાઓમાં અને કોલેજમાં જે શિક્ષણ પામો છો તે તમને અજીર્ણથી પીડાતા રોગીઓ જ બનાવે છે. તમે કેવળ યંત્રની જેમ કાર્ય કરો છો અને કૂવામાંના દેડકા જેવું જીવન જીવો છો

No comments: