Friday, May 1, 2009

'ગુજરાતમાં ભૌતિક પ્રગતિ થઈ છે, પણ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે'




કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ કે પતનનો આધાર તેના સામાજિક અને આર્થિક માળખા પર હોય છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે તેના આધારે જ સામાજિક માળખું આકાર લે છે. ક્યારેક એવી સામાજિક ઘટનાઓ બને છે જે આ પ્રક્રિયાને કામચલાઉ રીતે સ્થગિત કરી દે છે, પણ થોડા સમયમાં આર્થિક ફેરફારોને અનુરૂપ સામાજિક ફેરફારોની ગાડી ફરી પાટે ચઢી જાય છે. 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને ત્યારથી લઇને અત્યાર સુધી ગુજરાતના આર્થિક પરિવર્તનોને આધારે તેના સામાજિક અને રાજકીય માળખામાં કેવા પરિવર્તન થયા તે અંગે રાજ્યના જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી સાથે થયેલી વાતચીતઃ

રાજ્યની સ્થાપના સમયે....
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યના અર્થકારણમાં લોહાણા, જૈન, ભાટિયા, પારસી, ખોજા, મેમણ જેવી વેપારી પ્રજાનું વર્ચસ્વ હતું જ્યારે શૈક્ષણિક તંત્ર પર બ્રાહ્મણોનો દબદબો હતો. આ કારણે સ્વાભાવિક રીતે સમાજ પર ઉજળિયાત વર્ણનું પ્રભુત્વ હતું. રાજકારણમાં તમે જુઓ તમને મહેતા, મહેતા, મહેતા.. જ દેખાશે. રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. આપણા રાજ્યના પહેલાં મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને બીજા મુખ્યમંત્રી બલવંતરાય મહેતા હતા. આ સ્થિતિ 1974 સુધી લગભગ જળવાઈ રહી. પણ તે પછી રાજ્યના સામાજિક-આર્થિક-રાજકીય પરિવર્તનનો પવન ફૂંકાયો તેના મૂળિયાં 1970ના દાયકાના અંતમાં હરિત ક્રાંતિએ નાંખી દીધા હતા.
હરિત ક્રાંતિ અને સામાજિક-આર્થિક પરિવર્તન...
દેશમાં 1970ના દાયકાના અંતે કૃષિ વિજ્ઞાની એમ સુબ્રમન્યમની આગેવાનીમાં હરિત ક્રાંતિ શરૂ થઈ. તેનો સૌથી વધારે ફાયદો પંજાબ અને ગુજરાતના ખેડૂતોને થયો. ખેતીવાડીની આવક વધી, પટેલ કોમની આવકમાં વધારો થયો એટલે તેમણે ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી. તેની સાથે જ રાજ્યના ઔદ્યોગિક- રાજકીય ફલક પર એક નવા યુગની શરૂઆત થઈ હતી. 70ના દાયકાથી લઇને 1995 સુધી રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પટેલ કોમનો ફાળો સૌથી વધારે છે એમ કહી શકાય. ખેતીવાડીમાં સમૃદ્ધ થયેલા ખેડૂતોએ દરેક ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું. કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, શૈક્ષણિક, હીરા ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં પટેલ કોમનો દબદબો વધ્યો.

પી ફોર પટેલ, પી ફોર પાવર....
અર્થકારણ અને રાજકારણને સીધો સંબંધ છે. સામાન્ય રીતે સંપત્તિ આવે એટલે સત્તા મેળવવાની આકાંક્ષા જન્મે. આર્થિક રીતે સમૃદ્ધ થયેલા પટેલોએ રાજકારણમાં ઝંપલાવ્યું. હરિત ક્રાંતિ પછી સમૃદ્ધ થયેલા ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. તેમાં 1976માં ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં કટોકટી લાદતાં નાગરિકોમાં રાજકીય જાગૃતિમાં વધારો થયો હતો. તે પછી પટેલ જ્ઞાતિના લોકોએ વધારેને વધારે રાજકારણમાં ઝંપલાવ્યું. તેમાંના મોટાભાગના લોકોનો ઝુકાવ જૂનાં જનસંઘ અને વર્તમાન ભારતીય જનતા પક્ષ (ભાજપ) તરફ હતો, કારણ કે ભાજપ પા પા પગલી માંડતું હતું અને તેમાં વર્ચસ્વ સરળતાથી સ્થાપી શકાય તેમ હતું. 1974 પછી રાજ્યમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ એમ પટેલ ત્રણ મુખ્યમંત્રી મળ્યાં. તે પછી ધારાસભ્યોના નામ પર નજર કરો તો પણ તમને પટેલ, પટેલ, પટેલ....નામ વધારે જોવા મળશે. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી પટેલોનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો ગાળો હતો. પટેલોએ વર્ચસ્વ સ્થાપિત કર્યું પણ તે અપેક્ષાથી વિપરીત લાંબો સમય ટકી શક્યું નહીં.

પટેલ પાવરનો વિલય....
1991માં આર્થિક ઉદારીકરણનો પવન ફૂંકાયો અને રાજ્યના દરિયાકિનારે ઔદ્યોગિકરણ શરૂ થયું. તેમાં સ્વાધ્યાય પરિવારે સામાજિક વિકાસનું જબરદસ્ત કામ કર્યું. છેવાડાના લોકો સુધી તેમના અધિકારો સુધીની માહિતી પહોંચી. શિક્ષણનો વ્યાપ વધ્યો અને 90ના દાયકાના અંતે જે અનામત આંદોલન થયું તેની અસર એક દાયકા પછી વીસમી સદીના અંતિમ દાયકામાં જોવા મળી. ગુજરાતની વસતીમાં 13 ટકા પટેલ છે અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) 40 ટકા છે. આ વાત રાજકીય પક્ષો સમજ્યાં અને ધીમેધીમે પટેલ પાવરનો વિલય થયો. ઉપરાંત પટેલ જ્ઞાતિની યુવા પેઢી રાજકારણ કરતાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું વધારે પસંદ કરી રહી છે.

નરેન્દ્ર મોદીનું આગમન નિર્દોષ ઘટના નહોતી...
કેશુભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેથી નિર્ગમન અને નરેન્દ્ર મોદીનું આગમન નિર્દોષ ઘટના નહોતી। સામાન્ય રીતે એવી માન્યતા છે કે, વર્ષ 2002માં આયોજિત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને બચાવવા કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા. પણ હકીકતમાં કેશુભાઈનું જવું પટેલ પાવરના વિલયનો સંકેત છે જ્યારે નરેન્દ્ર મોદીનું આગમન ઓબીસી પાવરનો ઉદય છે. તમે જુઓ કે, મોદીના આગમન પહેલાં ભારતીય જનતા પક્ષ બ્રાહ્મણ, જૈન અને પટેલોના પક્ષ તરીકે ઓળખતો હતો જ્યારે અત્યારે ભાજપમાં આ ત્રણેય કોમ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને તેમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીઓનું વર્ચસ્વ વધી ગયું છે.

1960થી 2009: સામાજિક-રાજકીય અધઃપતન...
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને જાળવી રાખવાની અપેક્ષા રાખી હતી। પણ તે પછી ગુજરાતના લોકો નૈતિક અધઃપતન તરફ ક્રમશઃ અગ્રેસર થઈ રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ વધ્યું છે, રોજગારી વધી છે, વેપાર-વાણિજ્યની પ્રગતિ થઈ છે, વિવિધ સંપ્રદાયોનો ફેલાવો વધ્યો છે. સામાન્ય રીતે આ સંજોગોમાં પ્રજાનું નૈતિક સ્તર ઊંચું આવવું જોઇએ. પણ સત્ય, અહિંસા અને પ્રામાણિકતાનું સ્થાન અત્યારે ભ્રષ્ટાચાર અને હિંસાએ લીધું છે. આપણા રાજ્યમાં ભૌતિક પ્રગતિ થઈ છે, પણ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. અત્યારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજકારણમાં વેપારીઓ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. તેઓ અહિંસક અને શાંતિપ્રિય હતા. તેમના માટે સાધનશુદ્ધિ મહત્વની હતી. જ્યારે પટેલ અને ઓબીસી વર્ગ માટે સાધનશુદ્ધિ કરતાં આધિપત્ય વધારે મહત્વપૂર્ણ છે. સમાજ પહેલાં સંગઠિત હતો પણ છેલ્લાં બે દાયકામાં તેના જાતિ અને સંપ્રદાયને આધારે ટુકડે-ટુકડા થઈ ગયા છે.

રથયાત્રા પહેલાનું અને તે પછીનું ગુજરાત...
ભાજપે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રથયાત્રા કાઢી તે પહેલાં ગુજરાતમાં ભાજપનું કમાન બ્રાહ્મણ, જૈન જેવી શાંતિપ્રિય જ્ઞાતિઓના હાથમાં હતું એટલે ત્યારે નરમ હિંદુત્વ જોવા મળતું હતું। પણ તે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે પછાત વર્ગના લોકોને પોતાની સાથે જોડ્યાં. રથયાત્રા આંદોલનમાં આ વર્ગના લોકોએ જ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એટલે રથયાત્રા અને બાબરી વિધ્વંસ પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગનું મહત્વ ક્રમશઃ વધતા ઉગ્ર હિંદુત્વ જોવા મળે છે. આ ઉગ્ર હિંદુત્વ વિચારસરણીમાં વિશ્વાસ ધરાવતા લોકો અત્યારે નરેન્દ્ર મોદીના ટેકેદારો છે.

ગોધરા-અનુગોધરાકાંડ પહેલાંનું અને તે પછીનું ગુજરાત...
ગોધરા-અનુગોધરાકાંડ પહેલાંના ગુજરાતની ઓળખ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધીના વેપારી અને શાંતિપ્રિય રાજ્ય તરીકે હતી, પણ 2002ના કોમી રમખાણો પછી ગુજરાતને દુનિયાના લોકો કેવી રીતે જુએ છે તેની આપણને બધાને જાણ છે। ગોધરા-અનુગોધરા કાંડ પછી ગુજરાતમાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે સ્પષ્ટ તિરાડ પડી ગઈ છે. તે પહેલાં પણ રાજ્યમાં કોમી રમખાણો થયા હતા, પણ તે ઉપરછલ્લાં અને સ્થાનિક હતા, જ્યારે 2002માં થયેલા કોમી તોફાનો એક એક્શન-રીએક્શનની સ્વાભાવિક ઘટના નહોતી. તે ગુજરાતના સમાજને હિંદુ અને નોન-હિંદુ લાઇનમાં વિભાજીત કરવાનો એક પ્રયોગ હતો અને તેમાં જબરદસ્ત સફળતા મળી હતી. હકીકતમાં ગોધરા-અનુગોધરા કાંડ સમગ્ર ભારતીય સમાજને હિંદુ વિરૂદ્ધ નોન-હિંદુ લાઇનમાં વિભાજીત કરવાનું પ્રથમ પગથિયું છે કે પ્રયોગ હતો.

ગુજરાત અને આતંકવાદ..
આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, પણ તમે એક બાબત ખાસ ધ્યાનમાં લેજો કે જે જે વિસ્તારમાં આતંકવાદ પગપેસરો કરવામાં સફળ રહ્યો છે તેમાં તેમને સ્થાનિક લોકોની સહાય મળી છે। સ્થાનિક લોકો પોતાના જ રાજ્ય કે દેશ વિરૂદ્ધ આતંકવાદીઓને ક્યારે સહાય કરે? જ્યારે તેને પોતાના રાજ્ય કે દેશની નીતિથી અસંતોષ હોય. મોટે ભાગે અસંતુષ્ટ કે પીડિત લોકો આતંકવાદના સહાય કરતાં જોવા મળે છે. ગુજરાતમાં આતંકવાદના મૂળિયા રથયાત્રાએ નાંખ્યા અને તેમાં ગોધરા-અનુગોધરાકાંડે ખાતર પૂરું પાડ્યું છે. તમે જુઓ કે તે પછી ગુજરાતમાં આતંકવાદી હુમલાઓની શરૂઆત થઈ છે.

સંપ્રદાયોમાં વધારો, નૈતિકતામાં ઘટાડો...
રાજ્યની સ્થાપના પછી દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી વધારે સંપ્રદાયોનો ફેલાવો થયો હશે। હકીકતમાં સંપ્રદાયોનો વધારો થવાનો અર્થ એ નથી કે તેનાથી પ્રજામાં ધાર્મિકતા અને નૈતિકતા વધે છે. ગુજરાતમાં સંપ્રદાયોના વિકાસ થવા પાછળ એકમાત્ર કારણ લોકોની પોતાની આગવી ઓળખ ઊભી કરવાની મનોવૃત્તિ છે. તમે જોશો કે છેલ્લાં બે દાયકામાં રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પ્રવૃત્તિ, આશારામ બાપુ વગેરે અનેક લોકોએ પોતાના પંથ કે સંપ્રદાય ઊભા કરી દીધા છે. તેમાં જે લોકો ભળે છે તેમના મોટા ભાગના લોકોને ધર્મ કરતાં પોતાની સાંપ્રદાયિક ઓળખ ઊભી કરવામાં વધારે રસ છે. આ સંપ્રદાયો અને તેમના અનુયાયીઓને ઇશ્વરની શોધ અને નૈતિક ગુણો પ્રસ્થાપિત કરવામાં ઓછો રસ છે.

મહિલાઓની સ્થિતિ યથાવત્..
મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. રોજગારીના વિવિધ ક્ષેત્રોમાં પણ મહિલાઓની હાજરી વધી છે. પણ સામાજિક સ્થિતિમાં બહુ મોટો ફરક પડ્યો નથી. ગુજરાતી સમાજ આજે પણ મહદ્ અંશે પુરુષપ્રધાન જ છે.

શ્રેષ્ઠ મુખ્યમંત્રી....
જીવરાજ મહેતા. તેઓ ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બને તેના સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે વેપારી ગુજરાતમાંથી ઔદ્યોગિક ગુજરાત બનાવવાનો પાયો નાંખ્યો હતો. રાજ્યમાં ઔદ્યોગિક વસાહતો નાંખવાની શરૂઆત તેમણે કરી હતી. તેમણે ગુજરાતને જે દિશા આપી તેને અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રીએ બદલી નથી. તેમણે નાંખેલા પાયા પર જ બધા મુખ્યમંત્રી ચણતર કરી રહ્યાં છે. ચીમનભાઈ પટેલ પણ ખરા. નર્મદા યોજનાનું સૌથી વધારે અમલીકરણ તેમના શાસનકાળમાં થયું. તેમણે કલ્પસર યોજના બનાવી. તેઓ કુશળ આયોજક હતા.

નબળા મુખ્યમંત્રી...
જૂની પેઢીમાં ઘનશ્યામ ઓઝા અને નવી પેઢીમાં દિલીપ પરીખ. અત્યારે દિલીપ પરીખ ધંધુકાની બજારમાંથી પસાર થાય તો કોઈ ઓળખે પણ નહીં કે, એક દિવસ આ ભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા.

રાજ્યમાં સૌથી વધુ શાસન કરવાનો વિક્રમ ધરાવતા નરેન્દ્ર મોદી...
જીવરાજ મહેતાએ પાયો નાંખ્યો, ચીમનભાઈ પટેલે અમલીકરણ કર્યું અને નરેન્દ્ર મોદી તેનો સારામાં સારો પ્રચાર કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સરેરાશ મુખ્યમંત્રી છે. તેમને તમે કુશળ પ્રચારક કે 'પ્રચારપુરુષ' કહી શકો. તેમણે સમગ્ર દુનિયાનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું છે. સ્વ. વી પી સિંહ એવું કહેતા કે, 'Politics is management of contradiction.' જ્યારે નરેન્દ્ર મોદીનું રાજકારણ contradiction ઊભા કરવાનું છે.

No comments: