Saturday, January 2, 2010

આપણે સામે ચાલીને અંગ્રેજોને હિંદુસ્તાન આપ્યું હતું..


હિંદુસ્તાન અંગ્રેજ લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા પણ આપણે તેઓને રાખ્યા હતાં. આપણા દેશમાં તેઓ વેપાર અર્થે આવ્યા હતા. રાજ્ય કરવાનો તેમનો ઇરાદો નહોતો. કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? તેઓને માલ કોણ વેચી આપતું?

ઇતિહાસ સાક્ષી છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. આપણે તેઓને મદદ કરતાં. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? હિંદુસ્તાનના ખરા સેવકે બરોબર શોધ કરી મૂળ તપાસવું પડશે. તબીબ તો એ જે દરદનું મૂળ શોધે.

અંગ્રેજી વેપારીઓને આપણે ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગપેસરો કરી શક્યા. તેમ જ જ્યારે આપણા રાજાઓ માંહોમાંહે લડ્યા ત્યારે તેઓએ કંપની બહાદુરની દાદ માગી. કંપની બહાદુર વેપારમાં ને લડાઈના કામમાં કુશળ હતી. તેમાં તેને નીતિ-અનીતિની નડતર ન હતી. વેપાર વધારવો અને પૈસા કમાવા એ તેનો ધંધો હતો. તેમાં આપણે મદદ આપી ત્યારે તેમણે લીધી ને પોતાની કોઠીઓ વધારી. કોઠીઓનો બચાવ કરવા તેણે લશ્કર રાખ્યું. તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે. આ વખતે હિંદુ-મુસલમાન વચ્ચે પણ વેર ચાલતું હતું. તેમાં કંપનીને લાગ મળ્યો. આમ બધી રીતે કંપનીનો કાબૂ જામે તેવું આપણે તેને સારુ કર્યું. એટલે આપણે અંગ્રેજોને હિંદુસ્તાન આપ્યું તેમ કહેવું વધારે સાચું છે.

(દોસ્તો, 'હિંદ સ્વરાજ' વાંચી રહ્યો છું ત્યારે ગાંધીજીના જે વિચારો મને સારા લાગે છે તેને સંપાદિત કરીને અહીં મૂકી રહ્યો છું. જે વાંચીએ તેમાંથી સારું લાગે તેને મિત્રો સાથે વહેંચવાનો શોખ છે.)

1 comment:

vkvora Atheist Rationalist said...

આપણે સામે ચાલીને અંગ્રેજોને ભારત સોંપેલ એવી જ રીતે ભારતમાં ઈસ્લામના શાસકોને આમંત્રણ પણ પૃથ્વીરાજ ચૌહાણથી આપણે આપેલ. પછીથી મુહમ્મદ ગોરીઓએ અને મુહમ્મદ ગજનવીઓએ લાઈન લગાડેલ.

શરીયતનો કાયદો હીન્દુસ્થાનમાં લાગે એ માટે ઔરંગઝેબને શીવાજી એ ઉશ્કેરલ અને શરીયતનો કાયદો પણ લાગ્યો. પછી તો ઔરંગઝેબના જીહજુરીયાઓને આવા શીવાજીઓને પાંસરો કરવા ધર્માતંરણનું હથીયાર ઉગામ્યું અને શીવાજીના કારણે હીન્દુસ્થાનનો ધાર્મીક નકશો બદલાઈ ગયો. હવે બાળ ઠાકરે હીન્દુ હીન્દુનું ગાણું ગાય છે પણ એમનું પાપ ૭૧ પેઢી સુધી નહીં ધોવાય.