Sunday, January 24, 2010

માતૃભાષાનું સંરક્ષણ અને માતૃભાષા વંદનાયાત્રા...


ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને તેના ભવિષ્યને લઇને ચિંતિત સજ્જનો માટે સારા સમાચાર છે. એક, અમદાવાદમાં ચાલી રહેલાં વિશ્વ ગુજરાતી સમાજના પરિષદના સંમેલનમાં બિનનિવાસી ગુજરાતી (એનઆરજી) વડીલોએ ગુજરાતી ભાષામાં નવેસરથી પ્રાણ ફૂંકવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. બીજું, ગુજરાતમાં જ ગુજરાતી ભાષાની અવગણના કરતાં બૃહદ ગુજરાતી સમાજમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાના પ્રયાસરૂપે 30મી જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી જૂનાગઢથી સુરત સુધી માતૃભાષા વંદનાયાત્રા નીકળશે.

અત્યારે અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજની ચોથી પરિષદ ચાલી રહી છે. તેમાં બીજા દિવસે શનિવારે વિશ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓએ ગુજરાતી ભાષાના નવસંચારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શા માટે? આ બિનનિવાસી ગુજરાતીઓ (એનઆરજી)ની બીજી પેઢી વિદેશોમાં જવાન થઈ ગઈ છે. તેમના ઘેર ધનના ઢગ થઈ રહ્યાં છે, પણ ગુજરાતી સંસ્કાર અને સંસ્કૃતિનો ક્રમશઃ હ્રાસ થઈ રહ્યો છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારના યુવાન સભ્યોને કમાણી કરતાં આવે છે, પણ તેમની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે જીવતાં આવડતું નથી. આ વાત વડીલ બિનનિવાસી ગુજરાતીઓને ખટકે છે. તેઓ તેમની આગામી પેઢીમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવું ઇચ્છે છે અને આ માટે તેમણે માતૃભાષાના ખોળામાં માથું મૂક્યું છે. આ અબ લૌટ ચલે...

ભાષા સંસ્કૃતિનો આયનો છે. ભાષા સંસ્કૃતિનો આત્મા છે અને સંસ્કૃતિનું હાર્દ ભાષા છે. અમેરિકાના જાણીતા કવિ રાલ્ફ વાલ્ડો એમર્સને કહ્યું છે કે, ભાષા જે તે પ્રજાના ઇતિહાસ, તેની પરંપરા અને સંસ્કૃતિનો દસ્તાવેજ છે. ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જેટલું ચોખ્ખું ગુજરાતી ભાષામાં જોવા, જાણવા અને માણવા મળે તેટલું અન્ય કોઈ ભાષા ન મળે. વિદેશમાં વસતા ગુજરાતીઓ આ સો મણના સત્યથી વાકેફ થઈ ગયા છીએ અને ગુજરાતીમાં જ રહેતાં આપણે ગુજરાતીઓ તેની ઉપેક્ષા કરી રહ્યાં છે, આંખ આડા કાન કરી રહ્યાં છીએ.

ગુજરાતમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષા સતત વધતી જાય છે. થોડા દિવસ પહેલાં મને જાણકારી મળી છે કે વિવિધ ખાનગી બેન્કોએ એક્ઝિક્યુટિવના પદ માટે સળંગ અંગ્રેજી માધ્યમમાં (પહેલાં ધોરણને અંગ્રેજી માઘ્યમમાં) ભણેલા યુવાનોને લેવાનો અલેખિત અને અઘોષિત નિયમ બનાવી દીધો છે. આ વાત બેન્કમાં જ ઉચ્ચ હોદ્દા પર કાર્યરત મારા એક સંબંધીએ કરી છે. આ વાત સાંભળીને મને રાજ ઠાકરેનો મરાઠી ભાષા પ્રત્યેની બળજબરી થોડી ઘણી વાજબી લાગી હતી. આર્થિક ઉદારીકરણના યુગમાં અંગ્રેજી ભાષાની જાણકારી જરૂરી છે, પણ ગુજરાતી કે અન્ય કોઈ પણ પ્રાદેશિક ભાષાની ઉપેક્ષા કે અવગણના કરવાનું કેટલે અંશે યોગ્ય છે!?

ગુજરાતમાં ગુજરાતી ભાષાનો મૃત્યુઘંટ વાગે તે પહેલાં કંઈ કરવાના આશય સાથે ગાંધીનિર્વાણ દિને 30મી જાન્યુઆરીથી જાણીતા ગુજરાતી લેખક ગુણવંત શાહ માતૃભાષા વંદનાયાત્રા ગુજરાતના આદ્યકવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢથી શરૂ કરશે. જૂનાગઠથી વાયા ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, નડિયાદ, વડોદરા, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ થઈને કવિ નર્મદની ભૂમિ સુરતમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરી થશે. ગુણવંત શાહના નેજા હેઠળ આ યાત્રામાં રાજકોટનો ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની, સુરેન્દ્રનગરના મોતીભાઈ પટેલ, વલસાડના રમેશભાઈ દેસાઈ, અમદાવાદના ડૉ. ઉષા ઉપાધ્યાય અને ડૉ. પી જી પટેલ જોડાશે. તેમાં બધા લોકો સ્વેચ્છાએ અને સ્વખર્ચે જોડાશે.....ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે...

ચલતે-ચલતેઃ મને એવું લાગ્યું કે આવનારી પેઢી તો આપણી સાચી ઓળખસમી માતૃભાષાથી વિમુખ થતી જાય છે. એ પારકી થઈ જાય એ પહેલાં આપણે જ કંઈક કરવું પડશે- ગુણવંત શાહ (ચિત્રલેખાના પત્રકાર જ્યોતિ ઉનડકટ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યા મુજબ, ચિત્રલેખા-1 ફેબ્રુઆરી, 2010)

No comments: