Thursday, January 28, 2010

109 વર્ષથી રોશન એક બલ્બ...


તમારા ઘરે કોઈ બલ્બ લગાવો તો તે કેટલા સમય સુધી પ્રકાશ પાથરી શકશે? તમે કહેશો કે વધીને બેથી ત્રણ વર્ષ બલ્બ ચાલે. અસરકારક રીતે ઉપયોગ કરો તો વધીને સાડાથી ચાર વર્ષ અંધકાર દૂર કરી શકે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના કેલિફોર્નિયાના લિવરમોર શહેરમાં એક ફાયર સ્ટેશનમાં એક બલ્બ છેલ્લાં 109 વર્ષથી રોશન છે.

આ સદી કરતાં પણ વધુ આવરદા ધરાવતાં બલ્બનું નામ છે સેંટેનિયલ લાઇટ. તેને 1901માં લગાવવામાં આવ્યો હતો. સૌથી વધુ સમય સુધી પ્રકાશ પાથરનાર બલ્બ તરીકે તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. આઠ જૂન, 2001ના રોજ તેની જન્મશતાબ્દી ઉજવવામાં આવી હતી અને ત્રણ કલાક સુધી વિવિધ સંગીત પીરસી તેને સલામી આપવામાં આવી હતી.

આ બલ્બની પોતાની એક વેબસાઈટ (http://www.centennialbulb.org/) પણ છે, જેમાં તેના હજારો ચાહકોના નામ નોંધાયેલા છે. હજારો કિલોમીટર દૂરથી લોકો આ નાનકડાં આશ્ચર્યને જોવા આવે છે. આ બલ્બની ડીઝાઇન ફ્રાંસીસી મૂળના વિજ્ઞાની એડોલ્ફ શૈલે તૈયાર કરી હતી અને તેનું નિર્માણ શેલ્બી ઇલેક્ટ્રિક કંપનીએ ઓહિયોમાં કર્યું હતું. તેની ક્ષમતા ચાર મેગાવોટ છે. સેંટેનિયલ લાઇટ જેવા આશ્ચર્યજનક બલ્બની ડીઝાઇન કરવા છતાં શૈલેને 'બલ્બના શોધક' ગણાતા થોમસ આલ્વા એડિસન જેવી પ્રસિદ્ધિ મળી નહોતી. અત્યારે આ બલ્બની દેખભાળ સ્ટીવ બન કરે છે. આ બલ્બને અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફોર્ટ વોર્થના બાયર્સ ઓપેરા હાઉસમાં પ્રજ્જવલિત એક બલ્બ સ્પર્ધા પણ પૂરી પાડી રહ્યો છે.

21 સપ્ટેમ્બર, 1908થી ઝળહળતા આ બલ્બનું નામ બેરી બર્ક હતું. ઓપેરા હાઉસ નામ બદલાઈને પેલેસ થિયેટર થયા પછી આ બલ્બ પેલેસ બલ્બ તરીકે ઓળખાતો હતો. અત્યારે આ બલ્બ સ્ટોકયાર્ડ્સ મ્યુઝીયમમાં છે. તેના પર વેબસાઇટ બનવાનું કામ ચાલુ છે. ન્યૂયોર્ક સિટીના એક હાર્ડવેર સ્ટોરમાં એક બલ્બ 1912થી પ્રકાશિત હતો, પણ અત્યારે તે ચાલુ છે કે ઉડી ગયો છે તેની ચોક્કસ જાણકારી નથી.

3 comments:

Anonymous said...

કેયુર ભાઈ , ખુબ સરળ , સચોટ ને માહિતી થી ભરપુર હોય છે તમારું લખાણ , તમારી લેખન શૈલી મારા જેવા ઘણા બ્લોગર્સ માટે ઉદાહરણ ને પ્રેરણા રૂપ છે . તમારા રાજકીય વિષય પરના લેખો અદ્ભુત હોય છે ને ખુબ ઊંડાણ પૂર્વક નું એનાલીસીસ હોય છે. મને અપનો પરિચય અપના બ્લોગ ના લખાણ થીજ થયો હોય આપ વીશી વધુ માહિતી નથી ધરવતો , જો આપે આપના કોઈ પુસ્તકો પ્રકાશિત કર્યા હોય તો તેમની યાદી આપવા વિનતી , મારા જેવા ઘણા વાંચકો ને ગમશે, જો આપ કોઈ દૈનિક કે સમાચાર પત્ર માં કોલમ લખતા હોવ તો તે પણ જણાવશો , મને વાંચવું ગમશે. આવા સરસ બ્લોગ આપવા બદલ અપનો ખુબ ખુબ આભાર !

Anonymous said...

આ અખંડ જ્યોતને ઈન્ટરનેટ ઉપર જોઈ આ લખેલ છે.આ ગેસ્ટબુક ઉપર લખવાની રીત ખબર ન હતી. એટલે પહેલાં એક જ લાઈન લખી છોડી દીધેલ અને મને એમ કે રજીસ્ટ્રેશન પછી ગેસ્ટ બુક ઉપર લખવાનું હશે.

ભારતમાં અંધશ્રદ્ધા ઉપર અખંડ જ્યોત બાબત વાંચતો હતો અને આ અખંડ જ્યોત અદ્દભુત અખંડ જ્યોતની ત્યારે ખબર પડી.

પછી તો આ અખંડ જયોતની સાઈટ ઉપર ઘણું વાંચવા મળેલ. આ અખંડ જયોત ખરેખર અદ્દભુત છે.

Keyur Kotak said...

સૂર્ય મૌર્ય,

હું લેખક નથી...સર્જક નથી..મારા કોઈ પુસ્તકો પ્રકાશિત થયા નથી. ઇકોનોમિક ટાઇમ્સમાં પત્રકાર છું..ડેસ્ક પર કામ કરું છું....ક્યારેક મને થાય ત્યારે સંશોધનાત્મક લેખ લખું છું....મને ગમતી વ્યક્તિઓના સંપાદિત લેખ પણ મૂકું છું..તમારા જેવા મિત્રો તરફથી પ્રોત્સાહન મળે એટલે આનંદ થાય છે...આભાર ન કહ્યું હોત તો ચાલત...ચાલ દોસ્ત...