Tuesday, January 12, 2010

સ્વામી વિવેકાનંદઃ અરે, ઓ સિંહો ! 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાંખો


''હે અમૃતના અધિકારીઓ ! તમે ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. તમે આ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ છો ! અરે, ઓ સિંહો ! ઊભા થાઓ ! 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાંખો. તમે અમર આત્માઓ છો. મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો !'' સંગીતના સૂરો રેલાવતી અને ભાવોત્કર્ષ જગાવતી આ વાણી મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેવા અનેક નેતાઓના મહાનાયક સ્વામી વિવેકાનંદની છે. તેમના અગ્નિમંત્રો કરોડો યુવાનો માટે પ્રેરણાસ્રોત સમાન છે. ગઈ કાલે તેમનો જન્મદિવસ હતો. સરકારે તેને રાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કર્યો છે. જન્મ 12 જાન્યુઆરી, 1863, મૃત્યુ ચાર જુલાઈ, 1902, કુલ આયુષ્ય માત્ર 39 વર્ષ, પાંચ માસ, 24 દિવસ!

પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ વિષે સ્વામી વિવેકાનંદે એક પત્રમાં લખ્યું છેઃ 'આ પુરુષે 51 વર્ષની આવરદામાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં પાંચ હજાર વર્ષ જીવી બતાવ્યાં અને ભાવિ પેઢીઓ માટે એ એક આદર્શ બની રહેવાની કોટિએ પહોંચી ગયા.' આ વિધાન તેમના જીવન માટે પણ એટલું સાચું નથી?

માત્ર 30 વર્ષની વયે અમેરિકામાં જઈને હ્રદયસ્પર્શી સચ્ચાઈ વડે સહિષ્ણુતા, સમન્વય અને સંવાદિતાની હિંદુસ્તાનની સંસ્કૃતિનો જયઘોષ કર્યો. 11 સપ્ટેમ્બર, 1893ના શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટના 'હોલ ઓફ કોલંબસ' તરીકે જાણીતા મકાનમાં તેમણે સિસ્ટર એન્ડ બ્રધર્સવાળું ટૂંકું પણ યાદગાર પ્રવચન આપ્યું હતું. તેમાં તેમણે હિંદુસ્તાનનું હાર્દ જગત સમક્ષ ખુલ્લુ કર્યું હતું. હિંદુસ્તાનને જગદગુરુ તરીકે પ્રસ્થાપિત કરતાં સ્વામીજીએ કહ્યું હતું કે, ''અમેરિકાના બહેનો અને ભાઇઓ! જગતના પ્રાચીનમાં પ્રાચીન સંન્યાસીસંઘને નામે હું તમારો આભાર માનું છું, સર્વ ધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું....જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું હું ગૌરવ અનુભવી રહ્યો છું....સર્વ ધર્મો સત્ય છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ...હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધ છું જેણે જુલમનો ભોગ બનેલી તમામ પ્રજાને આશ્રય આપ્યો છે...''

કેવા ભવ્ય શબ્દો! જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું હું ગૌરવ અનુભવી રહ્યો છું! અને આજે? અત્યારે હું હિંદુ છું એવું ગર્વથી કહેવાની હિમ્મત ધરાવતા લોકો ધીમેધીમે લઘુમતીમાં આવી રહ્યાં છે. હિંદુ શબ્દનું હાર્દ સમજ્યાં વિના હિંદુસ્તાનના સ્થાને ભારત કે ઇન્ડિયા શબ્દ લખવાનો જ આગ્રહ રાખતાં બુદ્ધિધનો ધર્મનિરપેક્ષતા અને તુષ્ટિકરણ વચ્ચેનો ભેદ સમજવા છતાં પણ પોતાના અંગત સ્વાર્થ માટે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિવેકાનંદના હિંદુત્વએ મહાત્મા ગાંધીને આકર્ષ્યા હતાં. ગાંધીજીએ કહ્યું હતું કે ''સાચે જ, સ્વામી વિવેકાનંદના લખાણો અનિવાર્ય રીતે આકર્ષક છે.''

1893માં જીવનનું પહેલું પ્રવચન અને પછી નવ વર્ષમાં જ જીવનલીલાનો અંત. આ દરમિયાન સ્વામીજીએ રાષ્ટ્ર, ધર્મ, સમાજ, જીવન, વ્યક્તિ વગેરે તમામ બાબતો વિશે પ્રવચનો આપ્યાં. ધર્મ શું છે તેનો પરિચય કરાવ્યો. ભારતના પતનનું કારણ સમજાવ્યું અને સાંસ્કૃતિક ભારતના પુનરોદ્ધારનો માર્ગ દેખાડ્યો. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ''જો તમારે ભારતવર્ષને પીછાનવું હોય તો વિવેકાનંદના વચનોમૃતોનું અધ્યયન કરો. એમના ગ્રંથોમાં સઘળું ભાવાત્મક છે, અભાવાત્મક કશુંય નથી.'' 'થ્રી ઇડિયટ્સ' જોઇને ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ટીકા કરીને બે વેંત ઊંચા હાલતા લોકોએ વિવેકાનંદના કેળવણી વિશેના વિચારોનો અભ્યાસ કરવો જોઇએ.

સ્વામી વિવેકાનંદે શિક્ષણની વ્યાખ્યા આપતાં કહ્યું હતું કે ''શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તમારા જીવનમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.'' રાષ્ટ્રના ચારિત્ર્યનો આધાર શિક્ષણ વ્યવસ્થા છે. આપણે કારકૂનો અને કારકૂનો જેવી જ માનસિકતા ધરાવતા ઉચ્ચ અધિકારીઓ પેદા કરતી વ્યવસ્થા બદલવી પડશે. સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્રનો પરિચય મને ચોથા ધોરણથી થયો છે. તે પછી વિવેકાનંદના વિચારો પ્રત્યેનું આકર્ષણ સતત વધતું રહ્યું છે અને વધતું રહેશે. તે મારા હીરો હતા, છે અને રહેશે...

ચલતે-ચલતેઃ સ્વામી વિવેકાનંદના પ્રવચનો આપણને મળ્યાં તે માટે આપણે એક અંગ્રેજનો આભાર માનવો જોઇએ. નામ છે જે જે ગુડવિન. બંને ગુરુ-શિષ્યને ભેટો 1896માં ઇંગ્લેન્ડમાં થયો અને પછી ગુડવિનના મૃત્યુ સુધી તેઓ સાથે રહ્યાં. બે જૂન, 1898માં દક્ષિણ ભારતના ઉટકામંડમાં તેમનું મૃત્યુ ત્યારે સ્વામીજીના મુખમાંથી પાંચ શબ્દો સરી પડ્યાં હતા જે ગુડવિનનું તેમના જીવનમાં મહત્વ સમજાવે છે. આ શબ્દો હતાઃ મારો જમણો હાથ ખડી પડ્યો.

1 comment:

shiv said...

ખુબ જ સરસ, કેયુર. ગુગલ માં સર્ચ કરતા આપનો લેખ હાથ લાગ્યો. હજુ આવા જ અને ખુબ જ પ્રેરણાદાયી લેખો લખો એવી અંતર ની અભ્યર્થના સહ શુભેચ્છાઓ...