Monday, January 4, 2010

તમારા મનનું રીમોટ કન્ટ્રોલ બીજાના હાથમાં તો નથી ને....


બુદ્ધ ભગવાનના જીવન સાથે એક બહુ જાણીતો પ્રસંગ જોડાયેલો છે. એક વેળા ગૌતમ બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા હતા. તેમનાથી નારાજ એક વ્યક્તિ આવીને તેમના પર અપશબ્દોનો મારો ચલાવ્યો. થોડા સમય પછી તે થાકી ગયો. બુદ્ધ ચહેરા પર કોઈ પણ ભાવ લાવ્યાં વિના ભાવ વિના તેને સાંભળતા રહ્યાં. તેમને તે વ્યક્તિ પર ગુસ્સો ન આવ્યો, ક્રોધ ન ચડ્યો અને સામેની વ્યક્તિને એક પણ શબ્દ ન કહ્યો. બુદ્ધને નિર્લજ્જ અને નફ્ફટ કહીને પેલો માણસ થાકીને ચાલ્યો ગયો. તમે તેને બુદ્ધનો સંયમ કહી શકો, પણ હું તેને બુદ્ધનું પોતાના મન પરનું પ્રભુત્વ કહું છું. મન પરનો વિજય કહું છું. આ પ્રસંગ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.

તમારું વર્તન અન્ય કોઈ વ્યક્તિની વર્તણૂંક પર આધારિત ન હોવું જોઈએ એમ હું નથી કહેતો, કારણ કે તે તમારા હાથમાં નથી. કોઈ વ્યક્તિ તમારી સાથે સારી-નરસી જેવી વર્તણૂંક કરે છે તેની પ્રતિક્રિયા તમે મને-કમને આપો જ છો. તમે ચૂપચાપ એક બાજુએ જઇને બેસી જાઓ છો કે કોઈ જવાબ ન આપો તે પણ એક પ્રકારે પ્રતિક્રિયા જ છે. મનોવિજ્ઞાન Action અને Reaction વચ્ચેનો ભેદ સારી રીતે સમજાવે છે. સામાન્ય રીતે તમે જે કોઈ કાર્ય કે કામગીરી કરો છો તેને Action કહેવાય છે. પણ અન્ય કોઈ વ્યક્તિની વર્તણૂંકને આધારે તમે જે વર્તન કરો છો ત્યારે તે Action નહીં પણ Reaction છે. હવે ગૌતમ બુદ્ધનું ઉદાહરણ શું સૂચવે છે તે વિચારો.

બુદ્ધ ચૂપ રહીને સમજાવે છે કે, સામેની વ્યક્તિ જેવું ઇચ્છે છે તેવી પ્રતિક્રિયા આપવી કે ન આપવી તે તમારા હાથમાં છે. તમારું હિત શેમાં છે તે વિચારીને પ્રતિક્રિયા આપવી. તેના પર તમારો જ કાબૂ હોવો જોઈએ. બુદ્ધે જે ગુસ્સો કર્યો હોત તો વાત વધારે વણસી હોત. એક બીજું ઉદાહરણ આપું. તમને ઓફિસમાં કોઈ વ્યક્તિ જાણી જોઈને ચીડવવા માગતી હોય અને તમે ગુસ્સે થઈને કોઈ પ્રતિક્રિયા આપો તેવું ઇચ્છતી હોય તે વ્યક્તિ Actionમાં છે તેમ કહેવાય. તેના જવાબમાં તમે ગુસ્સે થાવ કે તેનો ઇરાદો જાણીને શાંતિ રાખો તો તે Reaction છે. તમે કેવું Reaction આપો છો તેના આધારે તેની અસર નક્કી થાય છે. ગુસ્સો કરનાર સામે ગુસ્સો કરશો તો લડાઈ થશે અને જાણીજોઈને તમને ચીડવીને બદનામ કરવા માગતા લોકો સામે શાંતિથી જાળવશો તો તમને ચીડવનાર વ્યક્તિના પ્રયાસમાં નિષ્ફળતા મળશે. બુદ્ધ ચૂપ રહીને આપણને સમજાવે છે કે, Reaction ક્યારે આપવું અને ક્યારે ન આપવું.

સામાન્ય રીતે આપણે મોટે ભાગે Action કરતાં Reaction આપવામાં વધારે વ્યસ્ત હોઇએ છીએ. તમે વિવેકબુદ્ધિ વિના જેવા સાથે તેવાની નીતિ દાખવો ત્યારે Reaction આપતા હોવ છો. તે સમયે તમારા વર્તણૂંકનું રીમોટ કન્ટ્રોલ તમારા હાથમાં નહીં, પણ સામેની વ્યક્તિના હાથમાં હોય છે. તમે બીજા કોઈના હાથનું રમકડું છો. તે જેમ રમાડે છે તેમ તમે રમો છો. તે તમારી પાસે અજાણતાં જેવું વર્તન કરાવવાની ઇચ્છા રાખે છે તેવી જ રીતે તમે વર્તો છો. તમારા મન પર તમારો નહીં પણ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓનો કાબૂ છે. આ ખરેખર બહુ જોખમી બાબત છે. તમે તમારી મરજી પ્રમાણે વર્તતા નથી, પણ તમે બીજાની મરજીના ગુલામ છો. Reaction ક્યારે આપવું અને કેવું આપવું તેની સમજણ બહુ મહત્વની છે..Reaction તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.

(ખાસ નોંધઃ છેલ્લે એક વાત કરું...જ્યારે જ્યારે ખોટા માર્ગે ચાલુ છું ત્યારે મિત્રોએ એવા Reaction આપ્યાં છે જેનાથી મને મારી ભૂલ સમજાઈ છે અને તે ભૂલ ફરી ન કરવાનું મેં નક્કી કર્યું છે...આ પોસ્ટને કોઈ Reactionનું Reaction માનવાની ગેરસમજણ ન કરવી... )

2 comments:

Rajni Agravat said...

હા, સાચી વાત... ઓશો પણ બુધ્ધને ટાંકીને કહેતા ને કે હમ સબ અલગ અલગ કિસમ કે "બટન" હૈ...

કેયૂર કોટક said...

રજનીભાઈ,

બુદ્ધ એમ જ સમજાવે છે કે બટન ક્યારે દબાવવું અને ક્યાં દબાવવું...