Tuesday, January 5, 2010

કાશ, આપણે બાળકો જેવા નિર્દોષ રહી શકતાં હોત...


રાત્રે સાડા બાર વાગે ઘરે પહોંચ્યો. મારા રૂમની લાઇટ ચાલુ કરી. સામે પથારીમાં બે નાની, સુંદર આંખો સાથે મારું બાળક ભવું (ભવ્યા) મારી સામે હસ્યું. મારો દિવસભરનો બધો થાક ઉતરી ગયો. બપોરે સાડા ત્રણની આસપાસ ઓફિસે જવા નીકળું પછી બીજા દિવસે સવારે તેની સાથી તોફાન-મસ્તી થઈ શકે. રાત્રે આવું ત્યારે તે ક્યારેક ઊંઘમાં મલકાતી હોય છે, જાણે પરીઓના દેશમાં હોય. રાતે તે લગભગ જાગતી નથી, પણ ક્યારેક-ક્યારેક તેના બાપનો થાક ઉતારવા જાગી જાય છે. મારો અનુભવ છે કે જે દિવસે હું બહુ થાકી ગયો હોય ત્યારે તે રાત્રે જાગે છે અને પછી અડધો-પોણો કલાક મારી સાથે મસ્તી કરે.

ગઈકાલે હું ઓફિસે બપોરે અઢી વાગે ગયો હતો અને રાત્રે સાડા બારે ઘરે આવ્યો. કાલે ખરેખર હું કંટાળી ગયો હતો, થાકી ગયો હતો. પણ દિકરીનું એક હાસ્ય બધો ભાર હળવો કરી દે છે. બાળકોનું હાસ્ય આપણને ગમે છે, તે આપણને મીઠું લાગે છે, કેમ કે તેમાં નિર્દોષતા હોય છે. તેમાં પ્રેમ સિવાય બીજો કોઈ ભાવ હોતો નથી. બાળકોને ઈશ્વર સાથે સરખાવવામાં આવે છે. તેમનો વ્યવહાર સીધો, સરળ અને સ્પષ્ટ હોય છે. કોઈ ચીજવસ્તુ ગમી જાય તો તાતાથૈયા...ન ગમે તો એં..એઁ...એઁ..ટેં..ટેં...ટેં..બાળકો શુદ્ધતાનું ઝરણું છે. કાશ, આપણે બાળક જેવા નિર્દોષ રહી શકતાં હોત..

આપણું હાસ્ય, આપણી અભિવ્યક્તિ અને આપણો વ્યવહાર તો કેટલો ગણતરીપૂર્વકનો હોય છે! આપણે આપણાં જ મિત્રો, સાથીદારો અને સગા-સંબંધીઓ સાથે નિખાલસતાપૂર્વક વર્તીએ છીએ? નિખાલસતા એટલે ભેળસેળ વિનાનું, મીઠું-મરચું ભભરાવ્યા વિનાનું, સાયલન્સરમાંથી ધુમાડા કાઢ્યાં વિનાનું સ્વાભાવિક વર્તન. બાળકોની અભિવ્યક્તિમાં ગણતરી હોતી નથી અને આપણી અભિવ્યક્તિ ગણતરી વિનાની હોતી નથી. બાળકનો વ્યવહાર હ્રદય સાથે જોડાયેલો છે અને આપણો મગજ સાથે...મગજ સાથે જોડાયેલો છે તેનો વાંધો નથી..વાંધો છે મગજ વિનાના વ્યવહાર સામે...બાળકો વગર વિચાર્યું વર્તન કરે તો મીઠું લાગે છે..પણ કહેવાતા સમજું લોકો બહુ વિચારીને પણ હાસ્યાસ્પદ વર્તન કરતાં હોય છે ત્યારે? હસવું જ આવે છે...

No comments: