Saturday, January 16, 2010

ગાંધીજીઃ કુશળ સીઈઓ અને સિદ્ધાંતવાદી નેતા

ગાંધીજીના સ્વદેશાગમન વેળાએ થયેલું ભવ્ય સ્વાગત (ફોટો સૌજન્યઃ ગાંધી ફાઉન્ડેશન)

ભારતીય લોકશાહી માટે ટવેન્ટી 10 એટલે કે 2010નું વર્ષ મહત્વપૂર્ણ છે. 2010ના પહેલા મહિનામાં ભારતીય ગણતંત્ર કે પ્રજાસત્તાક તંત્ર 60 વર્ષ પૂર્ણ કરશે અને ડીસેમ્બર મહિનામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેની સ્થાપનાના 125 વર્ષ પૂર્ણ કરશે. એક અન્ય તવારીખ ચાલુ વર્ષના પહેલાં જ મહિના સાથે જોડાયેલી છે. તે પ્રસિદ્ધ ઓછી છે, પણ તેનું મહત્વ અનેક પ્રસિદ્ધ તવારીખ કરતાં પણ વધારે છે, કારણ કે આ તવારીખ પાછળથી અનેક તવારીખનું કારણ બની હતી. તવારીખ એટલે ઇતિહાસ અને આ ઐતિહાસિક ઘટના હતી મહાત્મા ગાંધીનું હિંદુસ્તાનમાં પુનરાગમન.

ગાંધીજીના પુનરાગમન પછી આઝાદી સુધીના સમયગાળાને ઇતિહાસકારો 'ગાંધીયુગ' તરીકે ઓળખાવે છે. દેશની બંધારણીય આઝાદીની લડતનો ઇતિહાસ કોંગ્રેસની સ્થાપના સાથે શરૂ થાય છે અને 1905માં બંગભંગની લડત સુધીનો ગાળો પહેલો તબક્કા ગણાય છે. 1905થી 1915માં ગાંધીજીના આગમન સુધીનો એક દાયકો આઝાદીની લડતનો બીજો તબક્કો ગણાય છે. અને ગાંધીજીના આગમન પછીનો તબક્કો? ઇતિહાસકારો તેને આઝાદીની લડતનો ત્રીજો કે નિર્ણાયક તબક્કો કહેવાને બદલે 'ગાંધીયુગ' કહેવાનું વધારે પસંદ કરે છે. 1915 પછી આઝાદીની લડતનો કાળ ગાંધીયુગમાં ફેરવાઈ જાય છે. દેશની આઝાદીની લડતનું કેન્દ્ર ગાંધીજી બની જાય છે. આખી લડત ગાંધીજીની આસપાસ ફરે છે. ગાંધીજી અને સ્વાતંત્ર્ય સંગ્રામ એકબીજામાં ભળી જાય છે, ઓગળી જાય છે, એકાકાર થઈ જાય છે. આ ગાળામાં ગાંધીજીની ભૂમિકા રાજ્યશાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ) અને મેનેજમેન્ટ બંને શાખાના અભ્યાસુઓ માટે મહત્વપૂર્ણ છે.

ભારતમાં આગમન પછી ગાંધીજી કોઈ બહુરાષ્ટ્રીય કંપનીના સીઈઓની જેમ કોંગ્રેસનું સમાજના વિવિધ તબક્કાઓમાં વિસ્તરણ કરે છે અને આ માટે એક અસરકારક ટીમ ઊભી કરે છે. સાથેસાથે તે સિદ્ધાંતવાદી રાજનીતિજ્ઞની માફક તેમના અનુયાયીઓમાં રાજકીય સંસ્કારો પ્રતિસ્થાપિત કરે છે. દક્ષિણ આફ્રિકામાં બે દાયકા સુધી લડત ચલાવ્યા પછી સ્વદેશ પરત ફરનાર ગાંધીજી સામે સૌથી મોટો પડકાર હતો-આઝાદીની લડતમાં કોમન મેનને જોડવાનો. તેમના આગમન સુધી કોંગ્રેસની પહોંચ ઉચ્ચ શિક્ષિત વર્ગ સુધી મર્યાદિત હતી અને અંગ્રેજો માટે જોખમરૂપ નહોતી. તેના પર વકીલો અને અંગ્રેજીભાષી વ્યાવસાયિકોનું વર્ચસ્વ હતું. ગાંધીજી આ મહત્વપૂર્ણ બાબત સમજી ગયા અને કોંગ્રેસનો પાયો મજબૂત કરવાનું કામ ઉપાડ્યું. કોઈ પણ બુલંદ ઇમારત માટે પાયો મજબૂત હોવો જોઈએ અને તે નાંખવાનું કામ 'નેતા' કરી શકે, રાજકારણી નહીં. લીડર રાજનીતિજ્ઞ હોય છે જ્યારે રાજકારણીઓને નીતિમત્તા સાથે સ્નાનસૂતકનો સંબંધ હોતો નથી. ગાંધીજીએ કોંગ્રેસને મજબૂત કરવા ભારતીય સમાજને સમજી એક કુશળ યોજના બનાવી હતી.

પ્રથમ, ગાંધીજીએ કંપનીના સીઈઓની જેમ કોંગ્રેસનો વ્યાપ વધારવા પ્રાદેશિક વિસ્તરણની નીતિ અપનાવી. તેમણે કોંગ્રેસની પ્રાદેશિક સમિતિઓ બનાવી અને પ્રાદેશિક નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું. બીજું, જેમ કોઈ બહુરાષ્ટ્રીય કંપની વિવિધ જૂથો સુધી પહોંચવા જુદી જુદી વ્યૂહરચના અપનાવે તેમ ગાંધીજીએ સમાજના વિવિધ તબક્કા સુધી પહોંચવાની યોજના બનાવી. કોંગ્રેસ 1915 સુધી ખેડૂતોથી વિમુખ હતી. ગાંધીજીએ સૌપ્રથમ ખેડૂતોને લક્ષ્યાંક બનાવ્યાં અને તેમના શોષણ સામે અવાજ ઉઠાવ્યો. ચંપારણ સત્યાગ્રહ અને બારડોલીના સત્યાગ્રહ દ્વારા ખેડૂતો કોંગ્રેસનું અભિન્ન અંગ બની ગયા. ત્રીજું, મહિલાઓને આઝાદીની લડત સાથે જોડી દીધી. આધુનિક ઇતિહાસના કોઈ પણ જંગમાં સૌથી વધુ મહિલાઓને જોડવામાં સફળતા ગાંધીજીને મળી હતી. ચોથું, તેમણે હિંદુ-મુસ્લિમ એકતા સાધવા અને અસ્પૃશ્યતા નાબૂદ કરવા હાકલ કરી. આ રીતે દલિતો અને મુસ્લિમો પણ આઝાદીની લડત સાથે જોડાયા. તેમણે સમાજના વિવિધ તબક્કાને કોંગ્રેસ સાથે જોડવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી અને તેમની આ યોજનાને વાસ્તવિક સ્વરૂપ આપ્યું તેમના અનુયાયીઓએ.

પોતાના સાથીદારો કે અનુયાયીઓની ક્ષમતા પીછાણવી અને તેને અનુરૂપ તેમને કામગીરી સોંપવી તે એક કળા છે. સારો નેતા કે લીડર બનવા માગતી વ્યક્તિમાં આ કળા હોવી જોઈએ. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના સંગઠનની જવાબદારી સોંપી. સરદાર સંગઠનના માણસ હતા અને તેમણે કોંગ્રેસમાં શિસ્ત અને સહકારનું વાતાવરણ ઊભું કર્યું હતું. યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાની જવાબદારી જવાહરલાલને સોંપી, દક્ષિણ ભારતમાં રાષ્ટ્રવાદની જ્યોત જલાવવાનું કામ સી રાજગોપાલચારીએ કર્યું. મુસ્લિમોને કોંગ્રેસ સાથે જોડાવાની જવાબદારી મૌલાના અબુલ કલામ આઝાદને સોંપી. ગાંધીજીએ રચનાત્મક કામગીરીની વહેંચણી પણ કરી. જે બી કૃપલાનીને ખાદી કેન્દ્રો સ્થાપવાની કામગીરી સોંપી, જે સી કુમારપ્પાને કૃષિ અર્થતંત્રમાં સુધારણા લાવવાની જવાબદારી સોંપી, ઝાકિર હુસૈને શૈક્ષણિક કાર્યની જવાબદારી ઉપાડી લીધી.

દેશને આઝાદી મળ્યાં પછી ગાંધીજીના હાથ નીચે તૈયાર થયેલા નેતૃત્વએ દેશની જવાબદારી સંભાળી અને લોકશાહીના મૂળિયા મજબૂત કર્યા. મેનેજમેન્ટ અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ગાંધીજીની લીડરશિપના ગુણોનો અભ્યાસ કરવો જોઇએ. રાજ્યશાસ્ત્રના અભ્યાસુઓને તેમાંથી એક નેતા કેવો હોવો જોઈએ તેની જાણકારી મળશે તો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને એક કંપનીના સીઇઓ બનવા જરૂરી ગુણોનું દર્શન થશે....

ચલતે-ચલતેઃ મને વિશેષાધિકાર અને એકાધિકાર પ્રત્યે નફરત છે. જેમાં સાધારણ મનુષ્ય સહભાગી ન થઈ શકે તેનો હું ત્યાગ કરું છું-ગાંધીજી

No comments: