Tuesday, January 19, 2010

કાશ્મીરી પંડિતોની વેદનાઃ કૌન સુને ફરિયાદ....


શ્રીનગર, ચાર જાન્યુઆરી, 1990

સ્થાનિક ઉર્દૂ અખબાર આફતાબમાં એક જાહેરખબર પ્રસિદ્ધ થઈ, જે કાશ્મીરી પંડિતો માટે આફત બની ગઈ. આ જાહેરખબર હકીકતમાં પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠન હિઝબ-ઉલ-મુઝાહિદ્દીનનો ફતવો હતો. તેમાં કાશ્મીરને પાકિસ્તાનનું અવિભાજ્ય અંગ જાહેર કરવામાં આવ્યું અને ભારત સાથેના તમામ સંબંધનો વિચ્છેદ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. કાશ્મીરમાં રહેતાં તમામ હિંદુઓને બગલબિસ્ત્રા બાંધીને ભારતમાં જવાનું ફરમાન કરવામાં આવ્યું. એક અન્ય સ્થાનિક અખબાર અલ સફાએ પણ આ જ પ્રકારનો ફતવો જાહેર કર્યો.

ફતવા પછી થોડા દિવસ કાશ્મીરમાં ફેલાઈઃ અરાજકતા, અંધાધૂધી અને અવ્યવસ્થા. હાલના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાના અબ્બુજાન ફારૂક અબ્દુલ્લા તે સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. કાશ્મીરમાં વસતાં હિંદુઓનું સંરક્ષણ કરવું તેમની સરકારની ફરજ હતી, પણ તેમણે તમામ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા. આતંકવાદીઓએ કાશ્મીર ખીણનો કબજો લઈ લીધો. પાક મસ્જિદો નાપાક રેલીઓનું કેન્દ્ર બની ગઈ અને સંપૂર્ણ કાશ્મીરમાં શરિયતનો કાયદો લાગૂ કરી દેવામાં આવ્યો. વીડિયો પાર્લર અને સિનેમાને તાળા મારી દેવાયા. ઇસ્લામિક ડ્રેસ કોડનું પાલન ફરજિયાત બનાવી દેવાયું. પાકિસ્તાનના સ્ટાન્ડર્ડ સમયને અનુસરવાનો આદેશ અપાયો.

* * *

શ્રીનગર, 19 જાન્યુઆરી, 1990

કાશ્મીરી હિંદુઓ અને પંડિતો માટે આ દિવસ કાળો દિવસ સાબિત થયો. જગમોહને જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ તરીકેનો ચાર્જ લીધો. ફારૂખ અબ્દુલ્લાએ રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સૌપ્રથમ કરફ્યુ લાદી દેવાયો. પણ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) અને હિઝબ-ઉલ-મુઝાહિદ્દીનના પાકિસ્તાનપરસ્ત તાલિબાની ગુંડાઓએ કરફ્યુની ઐસીતૈસી કરી અનેક મસ્જિદોમાં જાહેર સભાઓનું સંબોધન કર્યું. આ સભાઓમાં ત્રણ નાપાક સૂત્રોચ્ચાર સતત થયો હતાં-

- કાશ્મીર મેં અગર રહેના હૈ, અલ્લાહ-ઓ-અકબર કહેના હૈ
- યહાં ક્યાં ચલેગા, નિઝામ-એ-મુસ્તફા (નિઝામ-એ-મુસ્તફા એટલે શરિયતનો કાયદો)
- હમેં હિંદુ મહિલાઓ કે સાથ પાકિસ્તાન ચાહિયે, ઉનકે પુરુષો કે સાથ નહીં

પછીના દિવસો કાશ્મીરી હિંદુઓ માટે નરક સમાન થઈ ગયા. તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યાં. અંદાજે 300 જેટલી હિંદુ સ્ત્રી-પુરુષોની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. હાઈ કોર્ટના ન્યાયાધીશ એન કે ગંજુને ઠાર કરી દેવાયા. શ્રીનગરમાં સૌરા મેડિકલ કોલેજમાં કામ કરતી પંડિત નર્સો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને પછી ક્રૂર હત્યા. કાશ્મીરના ગામડાં અને નાનાં-નાનાં શહેરોમાં પણ પાકિસ્તાનતરફી જંગલીઓનું જ સામ્રાજ્ય હતું. ભારતના કાયદા અને વ્યવસ્થા હાંસી ઉડાવવામાં આવી. આ દિવસે કાશ્મીરે પંડિતોએ ભારે હ્રદય સાથે તેમના માદરેવતનને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. હજારો પંડિતો અને હિંદુઓએ જમ્મુ તરફ કૂચ કરી. કેટલાંક દિલ્હી આવ્યાં તો કેટલાંક પંજાબ તેમના સગાસંબંધીઓના આશ્રિતો બન્યાં.
* * *
કાશ્મીરી પંડિતો છેલ્લાં 20 વર્ષથી જમ્મુ અને દિલ્હી સહિત રાહતછાવણીઓમાં ગરીબી અને ગંદકી વચ્ચે રહે છે. છેલ્લાં બે દાયકાથી તેઓ તેમના વતનમાં પાછાં ફરવાની રાહ જોઈ રહ્યાં છે. આ છાવણીઓમાં જ કાશ્મીરી હિંદુઓની એક આખી પેઢી યુવાન થઈ ગઈ છે, જેણે ક્યારેય તેમના વતનની માટીની મહેંક અનુભવી નથી. શું આ કાશ્મીરીઓને કાશ્મીરમાં પાછાં ફરવાનો અધિકાર નથી?

અધિકાર છે, પણ તેઓ ગભરાય છે. કાશ્મીરમાં અત્યારે હિંદુઓ નહીંવત્ છે. હિંદુઓ છે જ નહીં તેમ કહો તો પણ ચાલે. અહીં હિંદુઓને ફરી ઘુસવા ન દેવાની અલિખિત સમજૂતી પાકિસ્તાનપરસ્ત રાજકીય પક્ષો વચ્ચે પ્રવર્તે છે. તેમાં કાશ્મીરી મુસ્લિમોનું મૌન સમર્થન છે અને ભારત સરકાર લાચાર છે. દેશના તમામ રાજકીય પક્ષો વચ્ચે ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમોના મત મેળવવાની સ્પર્ધા ચાલે છે. એક પણ રાજકીય પક્ષ કાશ્મીર પંડિતોનો અવાજ ઉઠાવી મુસ્લિમ મતબેન્કને નારાજ કરવા માગતો નથી. કાશ્મીરી હિંદુઓ-પંડિતો તેમના મતબેન્કના માપદંડમાં ફિટ બેસતાં નથી..અને માનવાધિકારના સંરક્ષકો અને મીડિયાના બુદ્ધિજીવીઓ (હકીકતમાં બુદ્ધુજીવીઓ) શું કરી રહ્યાં છે?

માનવાધિકારનો ઝંડો લઈને ફરતા તિસ્તા શેતલવાડને ગુજરાતના મુસ્લિમોને થયેલા અન્યાય માટે અવાજ ઉઠાવવાનો સમય છે, પણ કાશ્મીરમાંથી નિર્વાસિત થઈને ઠેરઠેર ભટકતાં પંડિતો અને હિંદુઓ સામે જોવાનો સમય નથી. શાંતિના દૂત તરીકે અમર થવાના દીવાસ્વપ્નો જોતા જાવેદ અખ્તરને સોનિયા ગાંધીના ભાષણ લખવા માટે સમય છે, પણ કાશ્મીરી હિંદુઓના દર્દની અભિવ્યક્તિ કરવા તેમની કલમ ફૂંફાડા મારતી નથી. અંગ્રેજી મીડિયા માટે કાશ્મીરના પંડિતોની વેદનાનો મુદ્દો જૂનો છે. અત્યારે રુચિકા ગિરહોત્રા કેસ હોટ ટોપિક છે અને મીડિયામાં માત્ર 'હોટ' જ ખપે છે. વેદના ક્યારેય કોલ્ડ નથી હોતી, હકીકત એ છે કે તેની સામે જોવાની તાકાત જ રહી નથી. મીડિયાની સંવેદનશીલતા ગણતરીબાજ થઈ ગઈ છે, રાષ્ટ્રપ્રેમ એટલે શું તે સમજવાની શક્તિ રહી જ નથી, સ્વાર્થને વશ થઈને સત્ય સામેથી મોં ફેરવી લીધું છે અને સમાધાન કરવાની ટેવ પડી ગઈ છે. ગુજરાતના છહ્મ ધર્મનિરપેક્ષ (સ્યૂડો સેક્યુલર) બુદ્ધિજીવીઓમાં પણ ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનોને બદલો લેવાની એક ફેશન પડી ગઈ છે.

આ કલમખોર અમીચંદો તક મળતાં જ હિંદુઓને બદનામ કરવા મેદાનમાં ઉતરી જાય છે. પણ તેમને કાશ્મીરી હિંદુઓને થયેલા અન્યાય વિશે પૂછો તો 'ઉલટા ચોર કોટવાલ કો દંડે' જેવી નીતિ અખત્યાર કરે છે. ગુજરાતી પત્રકારત્વમાં તો દંભી ધર્મનિરપેક્ષોનો રાફડો ફાડ્યો છે. અહીં દલિતોની વાત કરતાં અપ્પુઓ છે, મુસ્લિમોને અનામતનો લાભ મળવો જ જોઈએ તેવી વાતો કરતાં પપ્પુઓ છે. અખબારોમાં આ પ્રકારના લેખો લખીને જાણીતા થયેલા મંદ બુદ્ધિના અપ્પુ-પપ્પુઓ સાથે ઓળખાણ રાખવા માટે તલપાપડ થઈ રહેલાં મંદબુદ્ધિના ટપુડા-ટપુડીઓની આખી ટોળકી છે..આ પરિસ્થિતિમાં કાશ્મીરી પંડિતોની ચિંતા કોને હોય અને શા માટે હોય....કૌન સુને ફરિયાદ...

2 comments:

સુરેશ said...

અરણ્ય રુદન ..

Keyur Kotak said...

સાવ સાચી વાત..દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિના વાતો આજે અરણ્ય રુદન જ બની ગઈ છે....