Wednesday, January 27, 2010

પહ્મ પુરસ્કારોઃ વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ...
ભારત સરકારે 1954માં પહ્મ પુરસ્કારોની શરૂઆત કરી હતી. તેનો હેતુ પોત-પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર નાગરિકોનું સમ્માન કરવાનો હતો જેથી દેશના અન્ય નાગરિકોને રાષ્ટ્રપયોગી કાર્ય કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે. 1954માં 18 પહ્મશ્રી, 23 પહ્મભૂષણ અને છ પહ્મવિભૂષણ એનાયત કરાયા હતા. તેમાં ગુજરાતના વી એલ મહેતાને જાહેર સેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે પહ્મભૂષણ અને શ્રીમતી ભાગ મહેતાને ઉત્કૃષ્ટ સનદી સેવા માટે પહ્મશ્રી મળ્યો હતો. શરૂઆતમાં પહ્મ પુરસ્કારો લાયકાતના ધોરણે એનાયત કરવામાં આવતા હતા અને હવે લાગવગને ધારણે..વ્યક્તિની પ્રતિભાને આધારે અપાયેલા એવોર્ડનું મૂલ્ય વધે છે અને લાગવગને આધારે ગણતરીપૂર્વક એનાયત થયેલા પુરસ્કારો વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ બની જાય છે. વર્ષ 2009 માટે જાહેર થયેલા પહ્મ પુરસ્કારો વિવાદાસ્પદ અને સાથેસાથે હાસ્યાસ્પદ બની ગયા છે. વિવાદ અમેરિકાના હોટેલિયર અને એનઆરઆઈ ભારતીય સંત સિંઘ ચટવાલને પહ્મભૂષણ એવોર્ડ એનાયત કરવાને લઈને થયો છે તો સૈફ અલી ખાનનો સાથ મળવાથી પહ્મશ્રી લોકોમાં હાંસીપાત્ર બની ગયો છે.

અમેરિકામાં બોમ્બે પેલેસ નામની રેસ્ટોરાંની ચેઇન ચલાવતા સંત સિંઘ ચટવાલે અમેરિકા અને ભારતીય બેન્કોને ચૂનો લગાવવાના આરોપસર જેલમાં લટાર મારી આવ્યાં છે. સીબીઆઈએ 1992થી 1994 દરમિયાન તેમની સામે અનેક કેસ કર્યા હતા. નરસિંહરાવની સરકારે કેસ કર્યા અને મનમોહન સિંઘની સરકાર કહે છે તેમના પર લગાવેલા આરોપો પુરવાર થયા નથી. પહ્મ પુરસ્કારો અને વિવાદોને ચોલીદામને જેવો સાથ છે. 1954થી શરૂ થયેલા આ એવોર્ડ શરૂઆતમાં છ વર્ષ સુધી બિનવિવાદાસ્પદ રહ્યાં હતાં અને પહેલી વખત 1961માં વિવાદ માનનીય રાષ્ટ્રપતિની સેવા-સુશ્રુષા કરનાર એક નર્સને લઇને થયો હતો.

તે સમયે જાણીતા પત્રકાર કુલદીપ નૈયર ગૃહ મંત્રાલયમાં સૂચના અધિકારી હતા. તેમણે પહ્મ પુરસ્કારો માટે નામાંકિત થયેલા લોકોની યાદીને નિર્ણાયક સ્વરૂપ આપ્યું હતું. તેમાં એક કુમારી ઇવેન્જેલિન લિઝારેસ હતા. તેમની ભલામણ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કરી હતી. નૈયરે આ મહિલા વિશે જાણકારી મેળવી અને તેના આધારે લિઝારેસનું નામ શિક્ષણ કેટેગરીમાં મૂકી દીધું. આ યાદી જાહેર થાય તેની પહેલાં રાજેન્દ્રપ્રસાદ તેના પર છેલ્લી નજર દોડાવતાં હતા ત્યારે અચાનક તે ચોંકી ગયા. હકીકતમાં તેમણે જે કુમારી લિઝારેસની ભલામણ કરી હતી તે શિક્ષણ જગત સાથે સંકળાયેલા નહોતા પણ એક નર્સ હતા. તેમણે હૈદરાબાદથી કન્નૂર સુધીની રેલયાત્રામાં રાજેન્દ્રપ્રસાદની સારસંભાળ રાખી હતી. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. ટેલીગ્રામ પુરસ્કાર વિજેતાઓ સુધી પહોંચી ગયા હતા અને શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા લિઝારેસે પુરસ્કારનો સ્વીકાર કરવાની હા પણ પાડી દીધી હતી. પછી નૈયરે બીજો ટેલીગ્રામ નર્સ કુમારી લિઝારેસને પણ કર્યો. આ રીતે 1961માં એક જ અટક ધરાવતી બે મહિલાઓને પહ્મશ્રી મળ્યો હતો.

અત્યાર સુધી ભારત સરકારે 2,255 પહ્મશ્રી, 1,068 પહ્મભૂષણ અને 258 પહ્મવિભૂષણ આપ્યાં છે. લગભગ એક પણ વર્ષ એવું પસાર નહીં થયું હોય જ્યારે આ પુરસ્કારો વિવાદનો વિષય નહીં બન્યાં હોય. 2009માં વિવાદ જમ્મુ-કાશ્મીરના હશમત ઉલ્લાહ ખાનને પહ્મશ્રી પુરસ્કાર એનાયત કરવા પર થયો હતો. તેમને આ પુરસ્કાર મશહૂર કન્ની શાલના કારીગર હોવા બદલ મળ્યો હતો. પણ પાછળથી ખબર પડી કે તેઓ કારીગર નથી, પણ શાલની નિકાસ કરવાનો ધંધો કરે છે. તપાસ પછી આ વાતની પુષ્ટિ થઈ છતાં ફારુખ અબ્દુ્લ્લાહની મહેરબાની હશ્મતમિયા પહ્મશ્રીના સ્વામી બની ગયા હતા. 2009માં જ દિલ્હી હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજિન્દર સચ્ચર અને પ્રસિદ્ધ પત્રકાર પી સાંઈનાથે પહ્મશ્રી લેવાનો સપ્રેમ ઇનકાર કરી દીધો હતો. સચ્ચરનું માનવું છે કે કલાકારો, ખેલાડીઓ, વકીલો અને પત્રકારોના કામનું મૂલ્યાંકન કરવાનું કામ સરકારનું નથી તો સાંઈનાથ કહે છે કે પત્રકારો સરકાર પાસેથી પુરસ્કારો લે તે વાત યોગ્ય નથી.

એનડીટીવીના બરખા દત્ત અને વિનોદ દુઆ તથા સીએનએન-આઇબીએનના વહીવટદાર રાજદીપ સરદેસાઈએ વર્ષ 2008માં પહ્મશ્રી પુરસ્કારનો સ્વીકાર કરી ચૂક્યાં છે. પહ્મ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયામાં સૌપ્રથમ રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો, ઉત્કૃષ્ટ સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનો તેમની ભલામણો વડાપ્રધાને રચેલી એક પુરસ્કાર સમિતિને મોકલે છે. આ સમિતિમાં કેબિનેટ અને ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ અને કલા, રમતજગત અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત બિનસરકારી નિષ્ણાતો સામેલ હોય છે. નામ પસંદ થાય તે પહેલાં વિસ્તૃત ચર્ચા થાય છે. પણ ગડબડ ગૃહ મંત્રાલય સુધી નામ પહોંચે તે પહલાં જ થવા લાગે છે. પુરસ્કારશિરોમણી બનવા થનગનતા બાઝીગરો દોડધામ શરૂ કરી દે છે અને તેમના શુભચિંતક રાજકારણીઓ તેમની ભલામણો શરૂ કરી દે છે. અત્યારે તો ઇમેજ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સને ચાંદી છે. તેઓ વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓને નામ અલગ-અલગ મંત્રાલયો સુધી પહોંચાડવાની કસરત કરે છે.

વડાપ્રધાનની પુરસ્કાર સમિતિના સભ્ય રહી ચૂકેલા દિલીપ પડગાંવકરે થોડા સમય પહેલાં ઘટસ્ફોટ કર્યો હતો કે તેમની પાસે અનેક વખત ભલામણ કરવા માગતા લોકો આવતાં હતાં. કુલદીપ નૈયરેનું માનવું છે કે સત્તાના કેન્દ્રની નજીક રહેતાં લોકોને પહ્મ પુરસ્કારો સરળતાથી મળી જાય છે. શાહરૂખ ખાનને વર્ષ 2005માં પહ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. પહ્મ પુરસ્કારોનું આ જ પ્રકારનું અવમૂલ્ય જોઇને કેરળ અને મધ્યપ્રદેશમાં અનેક અરજીઓ દાખલ થઈ હતી જેના પગલે 1993થી 1996 સુધી આ પુરસ્કારો પર બ્રેક વાગી ગઈ હતી. છેલ્લાં થોડા વર્ષોમાં અનેક હસ્તીઓએ આ સમ્માનનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક દત્તોપંત ઠેંગડીએ 2003માં પહ્મભૂષણ, પત્રકાર અને ભૂતપૂર્વ સનદી અધિકારી કે સુબ્રમન્યમે 1999માં પહ્મભૂષણનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપરે 1992 અને 2005માં સરકાર પાસેથી કોઈ પણ સમ્માન ન સ્વીકારવાની નિર્ણય લીધો હતો. જાણીતા કથક નૃત્યાંગના સિતારા દેવીએ 2002માં પહ્મભૂષણનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, આ ભૂષણ સમ્માન નહીં, અપમાન છે. મલયાલી લેખક સુકુમાર અઝિકોડેએ 2007માં પહ્મશ્રીનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે આ સમ્માન સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સિતાર ઉસ્તાદ વિલાયત ખાને 1964, 1968 અને 2000માં પુરસ્કાર પસંદગી સમિતિની યોગ્યતા પર જ સવાલ ઊભા કર્યાં હતાં. અત્યારે પહ્મ પુરસ્કારો એક મજાક બની ગયા છે અને તેનો અંત લાવી દેવો જ ઉચિત છે..

No comments: