Wednesday, January 6, 2010

ઇતિહાસ સાથે ચેડાં કરતી સોનિયા ગાંધી આણી મંડળી...


ડીસેમ્બરના અંતે 'દલાલનગર' દિલ્હીમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો. પ્રસંગ હતો સોનિયા ગાંધી એન્ડ સન્સના હેડ ક્વાર્ટર માટે નવા મકાનના ખાતમુહૂર્તનો. આ મકાનનું નામકરણ 'ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ' અર્થાત્ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરવામાં આવ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાનું અત્યારે 125મું વર્ષ ચાલી રહ્યું છે અને સોનિયા આણી મંડળી આખું વર્ષ તેના કાર્યક્રમ યોજશે. તેની શરૂઆત ખાતમુહૂર્તના આ કાર્યક્રમ સાથે થઈ. તેમાં સોનિયાભક્ત નેતાઓ નવી નવી ખરીદેલી સફેદ ગાંધી ટોપી પહેરીને હાજર હતાં. પાછળ એક મોટા બેનર પર જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું વિશાળ પોસ્ટર હતું. જાણે 125 વર્ષ જૂની કોંગ્રેસનો ઇતિહાસ જવાહરલાલથી શરૂ થાય છે! આ પોસ્ટર લોકશાહી દેશ ભારતમાં વંશવાદ કેટલો પ્રબળ છે તેનો પુરાવો છે. આ કાર્યક્રમમાં પોસ્ટર ઉપરાંત પણ એવી અનેક બાબતો જોવા મળી જે સૂચવે છે કે કોંગ્રેસમાં લોકશાહીને કોઈ સ્થાન નથી અને સોનિયા માઈનોના ચરણપૂજકોને જ પ્રાધાન્ય મળશે.

આ આખા કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાપક એલન હ્યુમનો એક પણ વખત ઉલ્લેખ સુદ્ધાં કરાયો નહોતો. વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના ભાષણોમાં ભારતની પ્રગતિનો સંપૂર્ણ શ્રેય રાજીવ ગાંધી અને તેમની દીર્ઘદ્રષ્ટિને આપ્યો. સોનિયા માઇનોએ રાજીવ ગાંધીની આરતી ઉતારી અને તેમના ગુણગાન કરવામાં કોઈ કચાશ ન રાખી. સોનિયાને પોતાની જાત પર થોડી શરમ આવી હશે એટલે તેમણે કોંગ્રેસના ઇતિહાસમાં મહાત્મા ગાંધીના યોગદાનનો નામ પૂરતો ઉલ્લેખ કર્યો. સૌથી શરમજનક બાબત એ છે કે, દેશને આર્થિક ઉદારીકરણના યુગમાં પ્રવેશ કરાવનાર વડાપ્રધાન પી વી નરસિંહરાવનો ઉલ્લેખ આ કાર્યક્રમ એક પણ વખત ન થયો. વડાપ્રધાન મનમોહન સિંઘ પણ તેમના પ્રદાનને ભૂલી ગયા. વંશવાદી માનસિકતા કેટલી સંકીર્ણ અને અસહિષ્ણુ હોય છે, તેનું આ જીવંત ઉદાહરણ છે.

સોનિયા માઇનો રાજીવ ગાંધીને એક મહાન નેતા અને દીર્ઘદ્રષ્ટા ગણાવે છે ત્યારે રાજીવ ગાંધી અને નરસિંહરાવ વચ્ચેના વ્યક્તિત્વનો તુલનાત્મક અભ્યાસ જરૂરી બની જાય છે. 23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું તે પહેલાં રાજીવ ગાંધીએ રાજકારણમાં આવવાનું વિચાર્યું પણ નહોતું. તે પાયલોટની જિંદગી સાથે ખુશ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી ગાંધીભક્તોએ મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય પ્રણવ મુખર્જીને હાંસિયામાં ધકેલી 'અસ્વાભાવિક રાજકારણી' રાજીવનો રાજ્યાભિષેક કરી દીધો. ઇન્દિરા ગાંધીની હત્યાથી દેશભરમાં ફરી વળેલી લાગણીની લહેર પર સવાર થઈને રાજીવ ગાંધી 404 લોકસભા બેઠક સાથે વડાપ્રધાન બન્યાં. પછી રાજીવ ગાંધીના નેતૃત્વનો કમાલ જુઓ.

1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીના પક્ષને લોકસભામાં બહુમતી મેળવવા જરૂરી 272 બેઠકો પણ મળી નહોતી. તેમણે તેમના શાસનમાં સામ પિત્રાડાની સહાયથી એકમાત્ર 'ટેલીકમ્યુનિકેશન રીવોલ્યુશન' સિવાય મોટા ભાગની રાષ્ટ્રીય નીતિમાં ભોપાળું વાળ્યું. પહેલાં મુસ્લિમોના હ્રદય જીતવા શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફગાવી બંધારણમાં ફેરફાર કર્યો. પછી રિસાયેલા હિંદુઓને મનાવવા અયોધ્યામાં રામમંદિરના તાળાં ખોલ્યાં. વિદેશી નીતિમાં પણ તેઓ ખાસ ઉકાળી શક્યા નહોતા. શ્રીલંકા અને પ્રભાકરનના નેતૃત્વમાં ચાલતી એલટીટીઈની લડાઈમાં બિનજરૂરી હસ્તક્ષેપ તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેનું પરિણામ છેવટે તેમની હત્યા સ્વરૂપે આવ્યું હતું. આ સમયે વિદેશ પ્રધાન નરસિંહરાવ હતા. તેઓ દીર્ઘદ્રષ્ટા હતા. તેઓ એલટીટીઈ સામે ભારતીય સૈન્યને લડવાના પક્ષમાં નહોતા. તેઓ ભારતીય જનતામાં કેટલા લોકપ્રિય હતા અને મહાન નેતા હતા તેનો અંદાજ વર્ષ 1991માં યોજાયેલી વચગાળાની ચૂંટણીના પરિણામના અભ્યાસ કરશો તો આવી જશે.

આ ચૂંટણીના પ્રચારમાં જ એલટીટીઈએ રાજીવ ગાંધીની હત્યા કરી હતી. પણ તેનો કોંગ્રેસનો બહુ ફાયદો થયો નહોતો. કોંગ્રેસ તે વખતે પણ બહુમતી મેળવી શકી નહોતી. તેમણે જુદાં જુદાં પક્ષોનો ટેકો લઈને સરકાર બનાવી હતી. હવે તે સમયે પ્રવર્તતી ભારતીય સ્થિતિ પર એક નજર કરીએ. પંજાબ, અસમ અને કાશ્મીરમાં આતંકવાદી પરાકાષ્ઠાએ હતો. રાજીવ ગાંધીએ એક તરફ 1986માં રામજન્મભૂમિ મંદિરના તાળો ખોલી નાંખ્યા હતા અને 1989માં નવા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું તો બીજી બાજુ શાહબોનો કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફગાવી કોમી ભસ્માસુરને જન્મ આપી દીધો હતો. આ ભસ્માસુરને નાથવાનો સૌથી મોટો પડકાર નરસિંહરાવ સામે હતો. આર્થિક દ્રષ્ટિએ પણ દેશની સ્થિતિ કંગાળ હતી. દેશ નાદાર નોંધાવાને આરે હતો. ભારતનો સોનાના ભંડારની વિશ્વના બજારમાં હરાજી થઈ ગઈ હતી. આ બધા પડકારો વચ્ચે નરસિંહરાવે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી. રાવ કુશળ નેતા હતા. વિદ્વાન હતા. સાત જેટલી ભાષાના જાણકાર હતા. સામાજિક, આર્થિક અને રાજકીય વિષયથી સારી રીતે પરિચિત હતા. ખરેખર દીર્ઘદ્રષ્ટા રાવ હતા. દેશમાં ઉદારીકરણ શરૂ થયાને બે દાયકા થવા આવ્યાં છે. લોકોનું જીવનધોરણ સુધર્યું છે. જનતાની સરેરાશ આવકમાં વધારો થયો છે. યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. વિદેશી ભંડોળ છલકાઈ ગયું છે.

રાજીવ ગાંધી સ્વપ્નદ્રષ્ટા હતા. દેશને આધુનિકતા સાથે એકવીસમી સદીમાં લઈ જવાનું તેમનું સ્વપ્ન હતું. હકીકતમાં સ્વપ્નો જોવા સહેલાં છે, પણ તેને સાકાર કરવા બહુ અઘરાં છે. રાવે ક્યારેય મોટી મોટી ગુલબાંગો પોકાર્યા વિના એકવીસમી સદીના ભારતનો પાયો નાંખી દીધો હતો......તેમનું પ્રદાન સોનિયા માઇનો એન્ડ કોર્પોરેશન જાણીજોઇને યાદ કરતું નથી...ઇતિહાસ સાથે ચેડાં કરી રાવની સિદ્ધિઓ રાજીવ ગાંધીને ચડાવવાનો કારસો રચાઈ રહ્યો છે...રાવના પ્રદાનને ઇતિહાસના પાનાં પરથી ભૂંસી નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે...પણ દેશને વિકાસના પંથે અગ્રેસર કરતી યુવા પેઢી રાવના પ્રદાનને ભૂલી જાય તેવી બેકદર નથી...

No comments: