1915ની સાલમાં હરદ્વારમાં કુંભમેળો હતો. તેમાં જવાની મને તીવ્ર ઇચ્છા નહોતી. પણ મારે મહાત્મા મુનશીરામજીનાં દર્શને તો જવું જ હતું. કુંભના સમયે ગોખલેની સેવકસમાજે એક મોટી ટુકડી મોકલી હતી. તેની વ્યવસ્થા શ્રી હ્રદયનાથ કુંઝરેને હાથ હતી. મરહૂમ દાક્તર દેવ પણ તેમાં હતા. આમાં મદદ કરવા મારી ટુકડીને પણ લઈ જવી એવો ઠરાવ હતો. મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહેલી ટુકડી લઈને મારાથી પહેલાં હરદ્વાર પહોંચી ગયા હતા. હું રંગૂનથી વળી તેમની સાથે જોડાઈ ગયો.
કુંભનો દિવસ આવ્યો.. મારે સારું એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની ભાવનાથી હરદ્વાર ગયો નહોતો. મને તીર્થક્ષેત્રોમાં પવિત્રતાની શોધે જવાનો મોહ કદી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં. મેળામાં સત્તર લાખ માણસો આવ્યા હશે એમ કહેવાયું હતું. આમાં અસંખ્ય માણસો પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાના સારુ આવેલા એને વિશે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માની ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.
પથારીમાં પડ્યો પડ્યો હું વિચારસાગરમાં ડૂબ્યો. ચોમેર ફેલાયેલા પાખંડમાં મજકૂર પવિત્ર આત્માઓ પણ છે. તેઓ ઇશ્વરના દરબારમાં સજાપાત્ર નહીં ગણાય. જો હરદ્વારમાં આવા સમયે આવવું જ પાપ હોય તો મારે જાહેર રીતે વિરોધ કરીને કુંભને દિવસે તો હરદ્વારનો ત્યાગ જ કરવો જોઈએ. જો આવવામાં ને કુંભને દહાડે રહેવામાં પાપ ન હોય તો મારે કંઈક ને કંઈક કડક વ્રત લઈને ચાલતા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, આત્મશુદ્ધિ કરવી જોઈએ. મારું જીવન વ્રતો ઉપર રચાયેલું છે, તેથી કંઈક કઠિન વ્રત લેવાનો નિશ્ચય કર્યો.
કલકત્તા અને રંગૂનમાં મારે નિમિત્તે યજમાનોને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું, તેથી મેં ખોરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાનો ને અંધારા પહેલાં જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો મેં જોયું કે, જો હું મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ. તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવાનું ને રાત્રિભોજનત્યાગનું વ્રત લીધું. બન્નેની કઠિનાઈનો પૂરો વિચાર કરી લીધો. આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનો નિશ્ચય કર્યો. માંદગીમાં દવારૂપે ઘણી વસ્તુઓ લેવી ન લેવી, દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી, આ બધી વાતો વિચારી લીધી, ને નિશ્ચય કર્યો કે ખાવાના કોઈ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા.
2 comments:
http://vkvora2001.blogspot.com/
ભલું થાજો આ ઈન્ટરનેટ, બ્લોગ અને યુનીકોડ વાળાઓનું. દુનિયાના વીવીધ પ્રકારની વીચાર શક્તીના ન્યુ ઝીલેન્ડ, ભારત. યુરોપ, આફ્રીકા અને અમેરીકામાં વસતા લોકો અહીં ભેગા થયા છે. માથા વગર ધડ બાર ગાઉ સુધી લડતું હતું કે બે દીવસ લડતું હતું એવા સતા, પુરા કે સતીઓના પાળીયા ગુજરાતના ગામડે ગામડે જોવા મળશે. હાથીનું ડોકું માનવ શરીર ઉપર, ભટ્ટ ચારણોની પ્રશસ્તી અને સૌરાષ્ટ્રની રસધારવાળા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. રામાયણ, મહાભારત, રામ, કૃષ્ણ, વગેરે કથાના પાત્રો મટી જીવંત બની ગયા. વલ્લભ ભાઈ પટેલે મસ્જીદ તોડી સોમનાથ મંદીરના નીર્માણમાં જે રસ લીધો કે ગોધરા કાંડ પછી ગુજરાતના તોફાનો કે તોફાનો પછી નરેન્દ્ર મોદીએ જે રસ લીધો એનાંથી ભારતમાં કોંગ્રેસ અને બીજેપીના નેતાઓમાં ફરીથી આશા જાગી કે હજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ એમાં નવા નવા જીંવત કે કાલ્પનીક પાત્રો ઉમેરતા જશે.
http://vkvora2001.blogspot.com/
ગાંધીજીએ ૧૯૧૫માં કુંભમેળાની મુલાકાત લીધેલ. વ્રતથી આત્માની શુદ્ધી અને પાપ પ્રાયશ્ચિત થાય છે અને આત્માને પવીત્ર બનાવવા અને પુણ્ય કમાવવા તીર્થયાત્રા કરવી જોઈએ એમ ગાંધીજીનું માનવું છે. ઈશ્ર્વર એ સત્ય છે અને પ્રાર્થનાથી નીર્મળ થવાય છે એ મૃત્યુ સુધી ચાલ્યું અને મૃત્યુ પછી ઠેર ઠેર પુતળા કે બાવલા ઉભા કરવાની હરીફાઈ થઈ.
Post a Comment