મહારાજા પાર્ટી પ્લોટ. સ્ટેજ પર દિવ્ય અને નંદિની વડીલોના ચરણસ્પર્શ કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ મેળવતાં હતાં અને મિત્રોની શુભેચ્છા. સ્ટેજની ડાબી બાજુ એક અલગ સ્ટેજ પરથી કલાકારો પ્રેમનો રંગ રજૂ કરતાં મધુર ગીતો લહેરાવતા હતાં. દિવ્યના મુખ પર વિજયી મુદ્રા હતી. તેની ચશ્માધારી આંખો મહેમાનો પર ફરતી હતી. સગા-સંબંધીઓ સાથે આંખો ચાર થતાં તેના ચહેરા પર હાસ્ય ફરી વળતું હતું. અચાનક તેની ને મારી આંખો ટકરાઈ. અને?
તેના ચહેરા પરથી હાસ્ય અદ્રશ્ય થઈ ગયું. હું હસું છું કે નહીં તેની તે રાહ જોતો હતો. હું તેની સામે હસ્યો, પણ કટાક્ષ સાથે. તેનો ઘઉંવર્ણો ચહેરો કાળો પડી ગયો અને તેણે મારી સામેથી નજર ફેરવી લીધી. સ્ટેજ પર ચડતાં અમારા અખબારનાં એડિટર-ઇન-ચીફ મિસ્ટર એન્ડ મિસિસ મહેતાની સામે ઝડપથી ચાલીને પગમાં પડી ગયો. મારા ચહેરા પર ફરી એક કટાક્ષભર્યુ હાસ્ય પ્રસરી ગયું. પોતાના ફાયદા માટે ગમે તેની ચરણપાદુકા માથે મૂકીને નાચવાની તેની પ્રકૃત્તિ હતી. સ્ટેજ પર જઇને અભિનંદન આપવાનું મને મન ન થયું. આમ પણ દિવ્યએ મને રીસેપ્શનમાં આમંત્રણ આપ્યું નહોતું. હું નંદિનીના આગ્રહને વશ થઈને સ્ટાફના એક કર્મચારી તરીકે હાજર રહ્યો હતો. તેના માતાપિતાને મળીને ભેટ આપી જમ્યાં વિના પાર્ટી પ્લોટની બહાર નીકળી ગયો.
મારું ઘર 'સાકેત' બહુ દૂર નહોતું. હું ધીમેધીમે ઘરની દિશામાં ડગ માંડતો હતો, પણ મન? મન પાસે રીવર્સ અને ફોરવર્ડ એમ બંને સુવિધા છે. મન કુદરતની અજાયબ ભેટ છે. ક્યારેક ભૂતકાળમાં સરકી આંખો ભીની કરી દે છે તો ક્યારેક ભવિષ્યના સ્વપ્નોમાં ગળાડૂબ કરી દે છે. તે ઝડપથી ત્રણેક વર્ષ પાછળ સરકી ગયું. ગૂજરાત વિદ્યાપીઠમાંથી અમે પાંચ મિત્રોએ પત્રકારત્વનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. હું એટલે કે વાસુ. વાસુ કહીશ એટલે ચાલશે. જાતપાતમાં માનતો નથી. બીજા ચાર મારા સાથીઓ કરન, નંદિની, દિવ્ય અને જક્ષય. જક્ષયે પત્રકારત્વમાં અભ્યાસ કર્યો પણ તક મળતાં જ સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન જતો રહ્યો.
હું, કરન, નંદિની અને દિવ્ય એકસાથે એક ગુજરાતી અખબારમાં જોડાયા હતા. હું અને દિવ્ય ડેસ્ક પર કામ કરતાં હતાં. સમાચારોનો અનુવાદ અને સંપાદન કરતાં હતાં. મેં મનોવિજ્ઞાન સાથે ગ્રેજ્યુએશન કરી પત્રકારત્વ કર્યું હતું. મને કોણ શું બોલી રહ્યું છે તેનાં કરતાં તે શા માટે બોલે છે અને તેની શું અસર થશે તેની ધારણા બાંધવામાં વધારે રસ હતો. હું સાચો પુરવાર થતો હતો ત્યારે મને આનંદ થતો હતો. માણસની નિયતને પારખવાથી તમે લાગણીશીલ છેતરપિંડીથી બચી જાવ છો અને તમે કોઈ લુચ્ચા માણસની નિયત પારખી જાવ પછી તે તમારો દુશ્મન બની જાય છે.
દિવ્ય એમ. કોમ કરીને પત્રકારત્વમાં જોડાયો હતો. તે ફાઇનાન્સ અને મેનેજમેન્ટનો માણસ હતો. જીવનના તમામ નિર્ણયો ગણતરીપૂર્વક પોતાના જ ફાયદા માટે કરવાનો પ્રયાસ કરતો. મિત્રો સાથે બોલવામાં પણ તે અત્યંત કરકસર કરતો હતો. ક્યારેય ખુલ્લીને વાત કરવાનો તેનો સ્વભાવ નહોતો. કરન નીડર, નિર્ભીક, નિખાલસ. તે જાસૂસ જેવો પ્રતિભાશાળી હતો. બહાર ફરવાનું અને વિવિધ માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવાનો તેને શોખ. તેણે રીપોર્ટિંગમાં તક મળી અને ઝડપી લીધી. 'મૈં જિંદગી કા સાઝ નિભાતા ચલા ગયા' ગણગણતો સિગારેટ ફૂંકે રાખે. સ્વભાવ અધીરો. બી. એસસી કરીને પત્રકારત્વમાં જોડાયો હતો. મિત્રો માટે કામ કરવા તલપાપડ રહેતો અને મિત્રો પણ તેની પાસેથી કામ કઢાવવાની તકો શોધતા. અને નંદિની?
અમે બધા પ્રેમથી તેને નંદુ કહેતાં. તે સુંદર અને આકર્ષક હતી. પરંપરા સાથે આધુનિકતાનું મિશ્રણ. સ્વચ્છંદતા અને સ્વતંત્રતાનો મર્મ સમજનાર. મૂળે ગુજરાતી સાહિત્યની વિદ્યાર્થી. સુખી પરિવારની હતી. પ્રેમ, લાગણી, વેદના-સંવેદના, સુખ-દુઃખ તેના પ્રિય વિષયો હતા. વાર્તા અને નવલકથામાં ગળાડૂબ રહેતી. તે પૂર્તિ વિભાગમાં જોડાઈ હતી.
'કૈસે હો સાહબ?' હરપાલસિંહે પૂછ્યું. મન ચાલુ વર્તમાનકાળમાં હાજર થઈ ગયું. સોસાયટીના પ્રવેશદ્વાર પર પહોંચી ગયો હતો.
હું થોડો અપસેટ હતો. તેમ છતાં ચહેરા પર મુશ્કલપૂર્વક હાસ્ય લાવી પૂછ્યું 'આપ કૈસે હો? મોજ મેં હો ના?'
'સબ મૌજ હી કર રહે હૈ..' હરપાલસિંહે પાસે આવીને ધીમેથી કહ્યું, 'વો સુધીરભાઈ કો ઉસકે પાર્ટનરને દગા દિયા..સુધીરભાઈ કી બીવી કો ઉઠા કે હી ભાગ ગયા. ઔરત ચીઝ હી ઐસી હેં...ઉસે પાને કે લિયે કોઈ રિશ્તે-નાતે નહીં દેખતા...' હરપાલસિંહ અમારી સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ છે. મૂળે ઉત્તરપ્રદેશના બાપૂ. તેની પાસે સોસાયટીના બધા સમાચાર મળી જાય. તેની પાસેથી છૂટો પડી ધીમેધીમે ઘર તરફ આગળ વધ્યો. મનમાં હરપાલસિંહના શબ્દો ગૂંજતા હતા..ઔરત ચીઝ હી ઐસી હેં...ઉસે પાને કે લિયે કોઈ રિશ્તે-નાતે નહીં દેખતા..દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યો. મમ્મી ગીતાના પાઠ કરતી હતી. શ્વેતા એક ઘરનું પ્લાનિંગ પૂર્ણ કરવાની તૈયારીમાં હતી. તે આર્કિટેક્ટ એન્જિનીયર હતી અને અમારા પ્રેમલગ્નનું પહેલું વર્ષ ચાલતું હતું.
'વાસુ, તું આવી ગયો..મને પ્લાન પૂરો કરતાં દસથી મિનિટથી વધારે નહીં થાય,' શ્વેતાએ કહ્યું.
'તું શાંતિથી કામ પૂરું કર. હું હિંચકે બેઠો છું,' પાણીની બોટલ ફ્રીઝમાં મૂકતાં મેં કહ્યું.
ઔરત ચીઝ હી ઐસી હેં...ફરી એ જ શબ્દો. ઓસરીમાં હિંચકો આગળ-પાછળ ઝૂલતો હતો અને હું દોઢેક વર્ષ અગાઉ એક સાંજે અમારી ચર્ચાસભામાં પહોંચી ગયો.
શનિવારની સાંજ હતી. કામનું બહુ ભારણ નહોતું. હું, નંદુ, કરન અને દિવ્ય કેન્ટીનમાં નાસ્તો કરતાં હતાં. વિવિધ વિષયો પર ગપગોળા ચાલતાં હતા. મિત્રો વચ્ચે દિશાહિન ચર્ચાની પણ અલગ મજા હોય છે. તેમાં ચર્ચા કરતાં મૈત્રીની મહેંક વધારે હોય છે. તેવામાં નંદુએ જીવનસાથી તરીકે બધાને કેવું પાત્ર ગમે તે વિશે પૂછ્યું. તે સમયે મારો અને શ્વેતાનો પ્રેમ પૂરબહારમાં ખીલ્યો હતો. શ્વેતાના સ્વભાવથી બધા પરિચિત હતા. મેં શ્વેતા જેવી જીવનસંગિની પસંદ છે તેમ કહ્યું. હું વાત પૂરી કરું તે પહેલાં કરને તેની બિનદાસ્સ અદામાં કહ્યું, 'નંદુ, આપણને તો તારા જેવી છોડી ગમે. મારી સાથે લગ્ન કરવા હોય તો કહેજે.'
કરન મજાકિયો હતો તે અમે બધા જાણતા હતા. તેની આ વાતને નંદુએ બહુ ગંભીરતાથી લીધી નહોતી. તેણે કહ્યું, 'સાલ્લા, તારો શું ભરોસો. આખો દિવસ બહાર ફરે છે અને સિગારેટ ફૂંકે છે. તું મારી મમ્મીને બિલકુલ પસંદ નથી. તું ઠરીઠામ થવાનો નથી તેવું તે માને છે. મારી તારી નીડરતા પસંદ છે, પણ અધીરાઈ પસંદ નથી. સિગારેટ પસંદ નથી. પહેલાં સ્વભાવ સુધાર પછી વિચારીશ.' દિવ્ય ચૂપ જ હતો. કરને તેને પૂછ્યું કે, 'પોપટ, તું કેમ ચૂપ છે? પરણવાનું છે કે પછી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર..' અમે બધા હસી પડ્યાં.
'અત્યાર સુધી આ વિશે વિચાર્યું જ નહોતું. હવે વિચારીશ,' દિવ્યએ તેના સ્વભાવ મુજબ ઓછા શબ્દોમાં ગણતરીપૂર્વક જવાબ આપ્યો. તે ઓછું બોલતો એટલે તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી શકાતું નહીં.
તેના ત્રણેક મહિના પછી કરન અને મને પ્રમોશન મળ્યું. અમારા જૂનાં એડિટર-ઇન-ચીફ કુરેશીને નિખાલસ અને મહેનતુ માણસો પસંદ હતા. કામ કરો પછી જ તમે પ્રમોશનના હકદાર છો તેવા સિદ્ધાંતને તેઓ માનતા હતા. જૂની પેઢીને પત્રકાર હતા. પુરુષાર્થને જ પારસમણી માનતા. તેમણે દિવ્યને પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો હતો. દિવ્યની માનસિકતા તે સારી રીતે જાણતા હતા. તે કામ કરવા કરતાં જશ લેવામાં વધારે માને છે અને પોતાને ફાયદો થાય તેવું જ કામ કરે છે તે વાત કુરેશી સારી રીતે જાણી ગયા હતાં. પ્રમોશનના ખુશખબર મળતાં જ નંદુ દોડી આવી અને મને અને કરનને અભિનંદન આપ્યાં. તે પછી દિવ્યને પણ અમને અભિનંદન આપવા પડ્યાં. નંદુએ તે દિવસે કરનને સ્વભાવ સુધારી કારકિર્દીમાં આગળ વધવાની સલાહ આપી. છૂટાં પડતાં પહેલાં તેણએ કરનને મજાકમાં કહ્યું કે, 'તારે થોડું સુધરવાની જરૂર છે. પછી મારા મમ્મી-પપ્પાને મળવાનું નક્કી કરીએ.'
'મેડમ, વિચાર કરીશ,' કરને હસતાં-હસતાં કહ્યું અને નંદુએ તેના માથા પર ટાપલી મારી. તે બંને ધીમેધીમે એકબીજાની નજીક આવી રહ્યાં હતાં. કરન અને નંદુની જોડી જામે તેવું હું ઇચ્છતો હતો, પણ અચાનક એક વર્ષમાં બધું બદલાઈ ગયું. કુરેશીએ માલિક સાથેના મતભેદોના કારણે એડિટર-ઇન-ચીફની ઊંચા પગારની નોકરીને લાત મારી દીધી. તેમના સ્થાને મિસ્ટર મહેતા આવ્યાં.
મહેતા પત્રકારત્વ કરતાં વહીવટદાર વધુ હતાં. સમાચાર કરતાં જાહેરાતનું મહત્વ તેમના માટે હંમેશા વધારે હતું. તેમની આ લાયકાતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યાં હતાં. લોકસભાની ચૂંટણીમાં જાહેરાતોને સમાચાર સ્વરૂપે લખાવીને તેમણે અમારા અખબારને લાખો રૂપિયાની આવક કરાવી દીધી હતી. અમારા અખબારના માલિક અને તેમની વચ્ચે બરોબર મેળ જામી ગયો હતો. વહીવટદારોને જી હજૂરિયા વધારે પસંદ હોય છે. મહેતાએ પણ ધીમેધીમે જી હજૂરિયાની ફોજ ઊભી કરવા માંડી અને આ ફોજનો સેનાપતિ બનવામાં દિવ્યએ બધાને પાછળ પાડી દીધા. લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટેની જાહેરાતો સમાચાર સ્વરૂપે લખીને દિવ્ય મિસ્ટર મહેતાનો જમણો હાથ બની ગયો હતો. તે સમયે ધીમેધીમે તેનું વ્યક્તિત્વ પ્રગટ થયું હતું. દિવ્યની આ પ્રકારની હરકતો કરનને પસંદ નહોતી અને તેને સમજાવ્યો પણ હતો. થોડા દિવસ પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયું.
'જોરદાર, આ જ રીતે કામ કરતો રહીશ તો પ્રગતિ કરીશ,' ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે મિસ્ટર મહેતાએ બધા વચ્ચે દિવ્યની પીઠ થાબડી અને કરનની સામે કરડાકીભરી નજર સાથે જોઈ કેબિનમાં આવવાનું કહ્યું.
'કરન, તું યુવાન છે એટલે સિદ્ધાંતોનો નશો તારા મન પર છવાઈ ગયો છે. આજનું પત્રકારત્વ સિદ્ધાંતવાદી નહીં, સમાધાનવાદી છે. છાપાં જાહેરાતો પર ચાલે છે, કૌભાડોના ઘટસ્ફોટ પર નહીં. અનેક અખબારો વચ્ચે જાહેરાતો મેળવવાની ગળાકાપ પ્રતિસ્પર્ધા ચાલે છે ત્યારે વ્યવહારું અભિગમ અપનાવવો જોઇએ. કૌભાંડો બહાર પાડવાથી જનતામાં જાગૃતિ આવવાની નથી. જીવતી લાશોને ઢંઢોળવાનો કોઈ અર્થ નથી,' મિસ્ટર મહેતાએ ઠંડા કલેજે કહ્યું.
'પત્રકારત્વ મારા માટે કમિશન નહીં મિશન છે. આપણને આપણી જાત પ્રત્યે ધૃણા ન છૂટે અને પોતાની જાતને છેતરવા આ બધી દલીલો બહુ સારી છે, ' કરને ખુમારી સાથે જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને મહેતાને ગુસ્સો ચડ્યો હતો, પણ તેઓ કરનનો સ્વભાવ જાણતા હતા.
'તારા એકના માનવાથી કોઈ ફરક પડવાનો નથી. ચલ, તે વાત જવા દે. આપણે આપણી વાત કરીએ. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારા સિદ્ધાંતવાદી પત્રકારત્વને વળગી રહે, પણ તારા અહેવાલો પ્રસિદ્ધ કરવા કે ન કરવા તે અંગે પૂછવાનું બંધ કરી દે. તું કામ નહીં કર તો પણ હું તને કંઈ નહીં કઉં. તેનાથી ખોટો વિવાદ ટળી જશે,' મિસ્ટર મહેતાએ તેનો ઇરાદો જણાવી દીધો.
મહેતા અને કરન વચ્ચે લોકસભાની ચૂંટણી દરમિયાન જ મતભેદો સર્જાયા હતા. કરન શાસક પક્ષના ટોચના એક નેતાના કૌભાંડો પુરાવા સાથે જાણી લાવ્યો હતો. પણ મહેતાએ અને અખબારના માલિકે તે નેતાને બોલાવી તોળ કરી નાંખ્યો હતો. કરન આ બાબતે મહેતાથી નારાજ હતો. મહેતા તો કરનને નોકરીમાં રાખવા જ તૈયાર નહોતા. પણ અખબારના માલિકે તેનો સારી રીતે ઉપયોગ કરવાના હેતુથી નોકરીએ રાખ્યો હતો. પણ એક દિવસ કરનનો ગુસ્સો તમામ હદ ઓળંગી ગયો. સાંજે ઓફિસમાં ધુંવાપુંવા થતો આવ્યો.
'મિસ્ટર મહેતા, સ્વામી પૂર્ણિમાનંદની લીલાનો ઘટસ્ફોટ કરતો એક્સક્લૂઝિવ અહેવાલ ક્યાં છે?' સ્ટાફ વચ્ચે જ ગુસ્સા સાથે કરને પૂછ્યું.
'તું મારો બોસ છે કે હું?' મહેતાએ બધાની હાજરીમાં પોતાના અપમાનનો વળતો જવાબ આપ્યો.
'હું. હું તારો બોસ અને બાપ બંને છું. બોલ, અહેવાલ ક્યાં છે?' કરન લડી લેવાના મૂડમાં હતો.
'જહન્નુમમાં છે. જા ત્યાં જઇને શોધી લે,' મહેતાએ ઠંડા કલેજે જવાબ આપ્યો. તે સાંભળીને દિવ્ય ખડખડાટ હસ્યો અને તેની પાછળ મિસ્ટર મહેતાની ચમચામંડળીની પાંચથી આઠ બીજા સભ્યો જોરજોરથી હસ્યાં. કરન ગુ્સ્સાથી લાલચોળ થઈ ગયો. હું સમજી ગયો અને આગળ વધીને તેને રોકું તે પહેલાં જ મહેતાના રૂપાળા ગાલ લાલ ટમેટાં જેવા થઈ ગયા.
બધા સ્તબ્ધ થઈ ગયા. મહેતા તો આ પ્રકારની પ્રતિક્રિયાથી ડઘાઈ જ ગયા હતા. અચાનક દિવ્યએ ઊભા થઇને કરનને ધક્કો માર્યો અને ચાલ્યાં જવાનું કહ્યું. કરન ઓફિસની બહાર નીકળી સિગારેટ ફૂંકવા ગયો. મહેતા કેબિનમાં ચાલ્યાં ગયાં. તેની પાછળ દિવ્ય પણ કેબિનમાં ગયો. થોડા જ મિનિટમાં છાપાના માલિક આવી ગયા અને દિવ્ય ઊભો ઊભો તેમને બધું સમજાવતો હતો. કરન આવ્યો ત્યારે તેને કેબિનમાં બોલાવવામાં આવ્યો. તેના અને અખબારના માલિક વચ્ચે પણ ઉગ્ર ચર્ચા થઈ. થોડી વાર પછી કરન કેબિનનું બારણું પછાડી બહાર નીકળી ગયો.
બીજા દિવસે કરનને ફોન કરીને રીપોર્ટિંગમાં જવાને બદલે બપોરે મીટિંગ હાજર રહેવાનું કહેવાયું. અમને બધાને પણ બપોરે એડિટોરિયલ સ્ટાફની મીટિંગમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. કરન એકલો જ ઓફિસે આવ્યો હતો. દરરોજ તે અને દિવ્ય સાથે આવતાં અને રાત્રે સાથે રૂમ પર જતાં. તે બંને એક જ ગામ દિવના હતા અને અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષથી રૂમ રાખી ભાડે રહેતાં હતાં.
'કરન, કેમ ઓફિસે એકલો આવ્યો? દિવ્ય ક્યાં છે?' મેં પૂછ્યું. મને દિવ્યની વર્તણૂંક થોડા દિવસથી વિચિત્ર લાગતી હતી. મહેતાના આગમન પછી કરન પ્રત્યને તેનો અભિગમ બદલાઈ ગયો હતો. તે કરનથી ધીમેધીમે અંતર વધારી રહ્યો હતો.
'ખબર નહીં. સવારે કંઈ કામ છે એમ કહીને નીકળી ગયો છે. રાત્રે મળીશું તેમ કહ્યું છે. હું થોડો ટેન્શનમાં હતો એટલે વધારે પૂછપરછ કરી નહીં,' કરને કહ્યું.
અમે બેઠક રૂમમાં પહોંચ્યા ત્યારે એડિટોરિયલ સ્ટાફની બેઠક શરૂ થવાની તૈયાર હતી. દિવ્યને મહેતાની પાસે બેઠેલો જોઈને મને અને કરનને આશ્ચર્ય થયું. અખબારના માલિક આવતાં જ બેઠક શરૂ થઈ ગઈ. તેમણે આવતાં જ કરનને કઈ સજા કરવી જોઈએ તે વિશે બધાનો અભિપ્રાય પૂછ્યો. કરને માફી માગી લેવી જોઈએ તેવો મત અમારામાંથી મોટા ભાગનાએ રજૂ કર્યો. મહેતાને પૂછવામાં આવ્યુ.
'કરનને નોકરીમાંથી તગડી મૂકવો જોઈએ,' મહેતાએ કહ્યું, 'આજે મને થપ્પડ મારી. આવતીકાલે તે તમને થપ્પડ મારે એવું પણ બને,' મહેતાસાહેબનો ઇશારો અમારા અખબારના માલિક તરફ હતો. તેમની વાતને સમર્થન આપી દિવ્યએ અમને બધાને ચમકાવી મૂક્યાં. તમે જેને પોતાના માનતાં હોય તે જરૂર હોય ત્યારે જ તમારો સાથ છોડી દે, એટલું જ નહીં વિરોધીઓની પાટલીમાં બેસી જાય ત્યારે તમને દુશ્મનના ઘા કરતાં પણ વધારે પીડા થાય છે. તમને સૌથી નિરાશ અને હતાશ કરવાની તાકાત તમે જેમને પોતાના માનતા હોવ છો તેમનામાં હોય છે.
મહેતાએ કરનને કાઢી મૂકવાની જિદ પકડ રાખી. બેઠક પૂરી થઈ ગઈ અને કરનને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. દિવ્ય અમારી સામે જોયા વિના મહેતા સાથે ચાલ્યો ગયો. કરનની આંખોમાં ભીની થઈ ગઈ. મેં તે દિવસે રજા મૂકી કરનની સાથે રહેવાનું નક્કી કર્યું. અમે બંને ઓફિસથી દૂર એક કોફી હાઉસમાં ગયા.
'માણસ આટલો બધો બદલાઈ શકે છે?' કરન ગળગળા અવાજે કહ્યું. તેને નોકરી ગુમાવવા કરતાં પણ દિવ્યના વર્તણૂંકનું દુઃખ વધારે હતું. હું ધીમેધીમે બધું સમજવા લાગ્યો.
'તે બદલાયો નથી. તે તેના વિશે ખોટી ધારણા બાંધી હતી. આટલા વર્ષમાં તું તેના વિશે શું જાણે છે? તે તારા ગામનો છે એટલું જ. તેના પિતા તમારા જિલ્લાના રાજકીય આગેવાન છે. તેની માતા મહિલા સામાજિક કાર્યકર છે. બીજું શું? તેણે ક્યારેય આપણને તેના વિશે કંઈ કળવા દીધું છે અને મહેતા આવ્યાં પછી ધીમે ધીમેથી તે તેનો રંગ દેખાડી રહ્યો છે. રાજકારણીની ઔલાદ અને તે મહેતા પર હાથ ઉપાડીને મોટી ભૂલ કરી,' હું ગુસ્સે થઈ ગયો હતો. કસોટીના સમયે ખરેખર કોણ મિત્ર છે તેનો પરિચય થાય છે. કરનની મુશ્કેલીની આ તો હજુ શરૂઆત છે તે અમે જાણતા નહોતા.
મહેતાની સૂચનાથી કરનને બીજે નોકરી મળતી નહોતી. પાંચથી છ સુધી કરન બેકાર રહ્યો. માણસ બેકાર અને નિરાશ હોય ત્યારે હાંસીપાત્ર બની જાય છે. બેકાર માણસની હાંસી ઉડાવવામાં દુનિયાને ડર લાગતો નથી અને ટોચના માણસની મૂર્ખામીઓની પ્રશંસા કરવામાં શરમ આવતી નથી.
કરન પણ મજાકને પાત્ર બની ગયો હતો. તેના સિદ્ધાંતો જ તેના દુશ્મન બની ગયા હતા. દિવ્યએ સ્ટાફ વચ્ચે કરનની ઠેકડી ઉડાવવામા કાંઈ બાકી રાખ્યું નહોતું. તે બેઠક પછી કરન સામે જવાની તેની હિમ્મત નહોતી. તેણે સ્ટાફના એક સહકર્મચારી અને મહેતાના માનીતા દુબેને રૂમ પર મોકલી તેનો સામાન મંગાવી લીધો હતો. તેણે તેના ભાગનું ભાડું પણ કરનને મોકલ્યું નહોતું. તેણે મહેતાના ખાલી પડેલા ફ્લેટમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. નંદુએ બેથી ત્રણ વખત ફોન કરીને કરનને મળવા બોલાવ્યો. પણ કરન અપસેટ હોવાથી થોડા દિવસ પછી મળવાનું કહ્યું. આ બાજુ દિવ્ય અને નંદુની મુલાકાતો વધતી જતી. ધીમેધીમે નંદુ પણ કરનને અવિચારી અને અવ્યવહારું માનવા લાગી. મહેતા સાથેનો પ્રસંગ એક આવેશ હતો અને માણસ સતત બદલાતો રહે છે તેમ સમજાવવા હું પ્રયાસ કરતો હતો. પણ નંદુ માનવા તૈયાર નહોતી. તમે કોઈ વ્યક્તિ વિશે નકારાત્મક પૂર્વગ્રહ બાંધો છો ત્યારે તેનો એક પણ સારો ગુણ દેખાતો નથી. નંદુ માટે કરનની નિખાલસતા, પ્રતિબદ્ધતા અને સચ્ચાઈ હવે અવ્યવહારું બની ગયા હતા.
હું અને દિવ્ય પણ કામ સિવાય વાત કરતાં નહોતાં. અચાનક થોડા દિવસ પછી તેને પ્રમોશન મળ્યું અને તેના પગારમાં પાંચ હજારનો વધારો મળ્યો. પ્રમોશનનો પત્ર આવતાં જ તેણે પૂર્તિ વિભાગમાં જઈને નંદુને આ સમાચાર આપ્યાં. હું ત્યાં અનુવાદ કરેલો એક લેખ આપવા ગયો હતો.
'નંદુ, સફળતા મેળવવા ધૈર્ય અને વ્યવહારિકતા જરૂરી છે. ઉતાવળે આંબા ન પાકે,' દિવ્યએ નંદુને તેની સફળતાનું રહસ્ય જણાવ્યું. સફળતાનું એક વધુ રહસ્ય ખોલતાં તે બોલ્યો, 'સફળતા મેળવવા આપણે આપણી લાઇન મોટી કરવી પડે.'
'અને સાથેસાથે આપણા હરિફોની લાઈન પણ કાપતાં રહેવું પડે,' મારી પ્રતિક્રિયા સાંભળી દિવ્ય સ્તબ્ધ થઈ ગયો. તે જાણતો હતો કે તેની આખી ચાલબાજી હું જાણી ગયો છું. તેણે તરત જ રંગ બદલ્યો. મારી આંખ સામે કાંચિડો તરવા લાગ્યો. તે મારી વાતને મજાકમાં લેતો હસવો લાગ્યો.
નંદુએ કરન વિશે પૂછવાનું બંધ કરી દીધું હતું. હું કરન વિશે વાત કરું તો પણ તે બદલી નાંખતી. કરન વિશે ભાતભાતની ખોટી વાતો કરી તેને ભરમાવવામાં આવી હતી. થોડા દિવસ પછી તેને પણ પ્રમોશન મળી ગયું. તેનો પગાર પણ વધી ગયો. ઓફિસમાં દિવ્ય અને નંદુની પ્રેમલીલાનો ગણગણાટ થવા લાગ્યો. હમણાં થોડા દિવસ પહેલાં ઓફિસમાં જ પટ્ટાવાળા મારફતે જાણવા મળ્યું કે આગામી શનિવારે દિવ્ય અને નંદુના લગ્ન છે. નંદુ સ્ટાફના લોકોને આમંત્રણ આપવા આવી ત્યારે મને રીસેપ્શનમાં હાજર રહેવાનું કહ્યું હતું. કરનને તેણે યાદ પણ કર્યો નહી. આમ પણ તેને યાદ કરીને હવે શું ફાયદો?
કરન અત્યારે અત્યંત ઓછા પગારે એક બિનસરકારી સંગઠન (એનજીઓ)માં કામ કરતો હતો. તેની વિધવા માતા દિવમાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં કારકૂન હતી. કરનના પિતાના અવસાન પછી રહેમરાહે તેની માતાને નોકરીએ રાખવામાં આવી હતી. કરન પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે કરનને ખૂટતાં રૂપિયા મોકલતી હતી. નંદુ વિશે તે જાણતી હતી. કરન ધીમેધીમે નંદુને ચાહવો લાગ્યો હતો તેનાથી પણ તે વાકેફ હતી અને નંદુ? નંદુ તો કરનને જાણે જાણતી જ ન હોય તેવું વર્તન કરતી હતી. દિવ્યએ કરન પ્રત્યે નંદુના મનમાં કેટલું બધું ઝેર રેડ્યું હશે!
મારા મોબાઇનની રિંગ વાગી. મારું મન ફરી 'સાકેત'માં હાજર થઈ ગયું. 'વાસુ, મારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે, તેને અમદાવાદ લાવ્યાં છે,' આટલું બોલીને કરન રડી પડ્યો. હું સમજી ગયો. તેને રૂપિયાની જરૂર હતી. મેં કહ્યું, 'તું ચિંતા ન કર, તું કઈ હોસ્પિટલમાં છે તે કહે.' હું અને શ્વેતા ગાડીમાં બેસી ઉતાવળથી જીવરાજ મહેતા તરફ જવા લાગ્યાં.
'આ બધું પેલાં Bloody Dogને લીધે થયું છે,' શ્વેતા ગુસ્સામાં હતી.
કેયૂર કોટક