કોઈ પણ મુદ્દે ચર્ચાવિચારણા થાય તે અત્યંત સારી બાબત છે. બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે નિખાલસપણે ચર્ચા થાય તો તેનો ફાયદો ચર્ચાવિચારણામાં ભાગ લેનાર બધાને થાય છે. નવી માહિતી અને નવા દ્રષ્ટિકોણ જાણવા મળે છે. કોઈના મનમાં ખોટી કે અપૂરતી માહિતી હોય તો તેના કારણે બંધાયેલો ખોટો દ્રષ્ટિકોણ દૂર થાય છે. વિચાર અને સમજણનું ફલક વિસ્તરે છે. પણ મુદ્દો એ છે કે કોઈ વ્યક્તિ તમને ચર્ચાવિચારણામાં ખેંચીને પોતે કેટલો માહિતીસભર છે, ‘હું જ સાચો છું, મારા જેવું બીજું કોઈ નહીં નથી’ તેવું સાબિત કરવા માગતી હોય ત્યારે શું કરવું?
તમને આ પ્રકારની વ્યક્તિ ભૂલથી ભટકાઈ જાય તો પ્રેમથી તેને નમસ્કાર કરવા અને તેનાથી દૂર રહેવું. જેમ અધુરો ઘડો છલકાય છે તેમ માહિતીના મહાસાગરમાં ડૂબકી મારીને જ્ઞાનરૂપી મોતી મેળવવાના ભ્રમમાં ભટકતી આ પ્રકારની વ્યક્તિઓ તમને ચર્ચામાં ખેંચવા પ્રયાસ કરશે. જ્ઞાનને માહિતી અને માહિતીને જ્ઞાન સમજનારા આવા ભાગતા ભૂતોની આ દુનિયામાં કમી નથી. ગૂજરાત વિદ્યાપીઠમાં મારા સાહેબ અશ્વિનભાઈ ચૌહાણ બહુ સરસ વાત કહેતાં કે, ‘‘જ્ઞાની તો સદીઓમાં એક પાકે છે, બુદ્ધને જ્ઞાન થયું હતું, ગાંધીને જ્ઞાન થયું હતું, મહાવીરને જ્ઞાન થયું હતું.’’ તેમની વાત આગળ વધારું તો મારે કહેવું છે કે, ‘‘અને માહિતીને જ્ઞાન સમજતાં અધાગધા ઠેરઠેર જોવા મળે છે.’’
માહિતીનો ભાર માથે લઈને ભાગમભાગ કરતાં મોટા માથાવાળા આવા ભૂતોને સાથ આપનારા ભૂતડાભૂતડીઓ પણ મળી જશે. તેઓ પણ આગેવાન ભૂતને સાથ આપીને તમને ચર્ચામાં ખેંચવાનો પ્રયાસ કરશે. એક સમયે તમે આ ભૂતવૃંદને જવાબ આપવા ઉશ્કેરાઈ પણ જશો. પણ તે સમયે તમારે વિચારવાનું છે કે તમારા મન પર કોનો સંયમ છે? તમારો પોતાનો કે ભૂતવૃંદનો? તમે જાણો છો કે આ પાગલ ટોળકી સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી અને તે તમારું દ્રષ્ટિબિંદુ સમજશે જ નહીં. ચર્ચાવિચારણાનો હેતુ કોઈને નીચે દેખાડવાનો હોતો નથી કે અન્ય લોકો કરતાં હું સર્વશ્રેષ્ઠ છું તેવું સાબિત કરવાનો નથી હોતો. પણ આગેવાન ભૂત તો દરેક જગ્યાએ પોતાનો કક્કો જ ખરો સાબિત કરવા માગતો હોય છે. ત્યારે શું કરવું?
ધૈય રાખો. સંયમ જાળવો. ચૂપચાપ તમારું કામ કરો. તમારી શક્તિ હકારાત્મક માર્ગે ઉપયોગ કરવા માટે છે, નિરર્થક ચર્ચામાં વેડફવા માટે નહીં. કોઈ વ્યક્તિ પોતાને નંબરવન તરીકે પ્રસ્થાપિત કરવા સતત પ્રયાસ કરે છે તો તેને કરવા દેવો. આપણે તેની સાથે કૂદકાં ન મારવા કે તેણે મારવા ન જોઈએ એવી વણમાગી સલાહ પણ ન આપવી. માર ભાઈ, તારામાં તાકાત હોય એટલા કૂદકાં માર. ભગવાનથી પણ ભૂલ તો થાય છે. કદાચ તેને ઝોકું આવી ગયું હશે અને માંકડું ઘડતાં ઘડતાં માણસ સર્જાઈ ગયો....
ચલતેચલતેઃ મિત્રો મને આવી ચર્ચામાં કૂદવાનું કહે ત્યારે તેમની વાત ન માનવાનું દુઃખ થાય છે, પણ શું કરું દિલ હૈ કિ માનતા નહીં...
4 comments:
ક્યારેક માંકડાને ઉંઘ આવી જાય છે અને માંકડું ઉંઘમાં ભગવાન બનાવી દે છે.
પછી આ માંકડાનો ભગવાન બુદ્ધ, મહાવીર કે ગાંધીને ફરીથી પુનઃ જન્મ આપે છે.
કરેલ કર્મના ફળ રુપે માંકડાએ બનાવેલ ભગવાન શું ને શું કરે છે.
આખી મહાભારત અને રામાયણ રચી દે છે.
ઘણો વિચારપ્રેરક લેખ છે. તમારી વાત કેટલી સાચી છે એનો પરચો તરત જ મળી ગયો - તમને મળેલી પહેલી કમેન્ટમાં.
અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓનો મહાસાગર ઘુઘવે છે.
ભગવાન, જન્મ, આગલો એટલે કે પુર્વ જન્મ, હવે પછીનો પુનઃજન્મ, કર્મ, નરક, મોક્ષ, આત્મા, જ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધાના તુતમાં મગજ બીજું વીચારી શકતું નથી.
ધર્મ અને મોક્ષને કારણે આખી દુનીયાનો ભૃષ્ટાચાર દુનીયાની છટ્ઠા ભાગની વસ્તી ભારતમાં રગે રગમાં વ્યાપી ગયો છે.
મોબાઈલ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, બ્લોગ એ આ સાધુ, મહાત્મા (મહાત્મા ગાંધી સહીત), ધર્મ ગુરુ કે ભગવાનને સમજતાં હજી કોણે જાણે કેટલા જન્મ લેવા પડશે?
દુનીયાની સુખ સમૃદ્ધીની પ્રગતીમાં છેલ્લા ૧૦૦૦ વર્ષમાં યોગદાન તપાસો. શીતળાના મંદીરો અને રાણી સતી માર્ગ ઠેર ઠેર જોવા મળશે. જય હોજો આ જ્ઞાની મહાત્માઓનું કે પૃથ્વી ગોળ દડા જેવી છે એ સ્વીકારે તો પણ ઘણૂં.
કેયુર ભાઈ , right on spot , બહુ સારી વાત કરી આપે , આજ કાલ તમે આ રીત ની ચર્ચા ઓ બ્લોગ જગત માં ખુબ જોઈ શકો છો , ખાસ કરી ને , શ્રદ્ધા -અંધ શ્રદ્ધા , વિજ્ઞાન -ધર્મ , આસ્તિકતા -નાસ્તિકતા વગેરે ને લગતી જે માં હમેશા એક મુખ્ય મુદ્દા નો હમેશા લોપ હોયે છે ,કે જયારે વાત માનવીની શ્રદ્ધા ને લગતી થતી હોય છે ત્યારે સત્ય હમેશા સાપેક્ષ હોય છે , જે માં કોઈ એક નિષ્કર્ષ પર આવું , ખાસ કરી ને logic ના માપ દંડ થી તેને માપતા લગભગ અશક્ય હોય છે.
Post a Comment