Monday, March 22, 2010

ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ આગળ મારું શિર ઝૂકે છેઃ સરદાર પટેલ


નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે, તેથી દેશને પારવાર ઉકળાય થયો છે. ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની સજા કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી હોવા છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હ્રદયશૂન્ય છે એ પ્રગટ કરે છે.

પણ ઉકળાટ અને આવેશમાં આપણે આપણા ધ્યેયથી ચલિત ન થવું જોઈએ. આ આત્મહીન કાષ્ઠવત્ ચાલતા રાજતંત્રની સામે આપણે જે ભયંકર તહોમતનામું ઘડેલું છે, તેમાં હથિયાર ઉપર અવલંબેલી એની સત્તાનું આ તાજું, ઉદ્ધત પ્રદર્શન વધારો કરે છે. એ બહાદુર દેશભક્તોના આત્માને પ્રભુ શાંતિ આપો અને પોતાના દુઃખ અને શોકમાં આખો દેશ સહભાગી છે એ જ્ઞાનથી તેમના કુટુંબનું કંઈક સમાધાન થાઓ.

(1931માં કરાંચી કોંગ્રેસના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાંથી, પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, ભાગ-1, લેખકઃ યશવંત દોશી, પ્રકાશનઃ નવજીવન પ્રકાશન મંદિર)

No comments: