Thursday, March 25, 2010

જ્યારે હું ભયભીત થાઉં ત્યારે....


મારે માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે હું ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડ્યો છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે, કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે અને ગમે તેટલી પ્રવૃત્તિમાં પણ હ્રદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હંમેશા સંકલ્પ રહ્યો છે.

માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.

રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.

ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે

No comments: